ભાવિશ્વ, ભાવિની વસાણી @મંતવ્ય ન્યૂઝ
માતા-પિતાનું બાળકોના ઉછેરથી વિકાસ સુધીની યાત્રામાં મહત્વનું યોગદાન હોય છે. માતા-પિતાને તેમનું પોતાનું એક અનુભવ ક્ષેત્ર હોય છે, માટે તેઓ ઇચ્છતા હોય છે કે તેમના બાળકને એ તકલીફ ન પડે જે તેમને પોતાના ભૂતકાળમાં ભોગવવી પડી છે. આ રીતે તેઓ પોતાના અનુભવના આધારે બાળકને સુખી કરવા માંગે છે અને અહીંથી જ શરૂ થાય છે બે પેઢી વચ્ચેનું અંતર. જેનું વર્ણન વિનોબા ભાવે લિખિત પુસ્તક “બે પેઢી વચ્ચેનું અંતર”માં આબેહૂબ કરવામાં આવ્યું છે. મા-બાપ સંતાનના હિતેચ્છુ હોય એ વિશે બેમત નથી પણ તેઓ જે વિચારે છે તે સાચું જ છે તે માનવામાં આજની પેઢી માનતી નથી.ભૂતકાળ હંમેશા ભવ્ય જ રહેવાનો દરેક માતા-પિતા પાસે પોતાની સંઘર્ષગાથાનો ઇતિહાસ હોય છે. આ ઇતિહાસના નિચોડ રૂપે તેઓ સંતાનને ભયસ્થાનો સુધી પહોંચતા અટકાવી દેવા માંગે છે, અને બાળકને એટલો બધો પ્રેમ કરે છે કે બાળક ગુંગળામણ અનુભવે છે, અને જે તેને તેના માતા-પિતાથી દૂર પણ કરી દે છે. આ તો વાત થઇ સામાન્ય માતા-પિતા અને સંતાનની પ્રકૃતિની, આમાંથી ઘણાએ માર્ગ કાઢીને અપવાદ પ્રસ્થાપિત કર્યા હોય છે.
માધ્યમોમાં આવેલી ક્રાંતિને કારણે આજનું બાળક ગઇકાલના બાળક જેવું રહ્યું નથી અને ન જ રહેવું જોઈએ. જો કે જીજ્ઞાશા, કુતૂહલ, વિસ્મય યથાવત જ રહ્યા છે પરંતુ રસ-રુચિ, પહેરવેશ અને પસંદગી બદલાયા છે. બાળકોના મનમાં વડીલો વિશે ઘણા પ્રશ્નો ઉદ્ભવે છે. તે ફરિયાદ કરવા ઇચ્છે છે પરંતુ અસહાય છે. સફળ માતા-પિતાની શિખામણ સંતાનો સાંભળી લે છે અને કદાચ પોતે જે કરે છે તેમાં મદદરૂપ થાય તો પણ તે સ્વીકારે છે. પરંતુ માતા-પિતાના કાલ્પનિક ભય, સમાજનું દબાણ, નકારાત્મક વલણ તેઓ સમજી અને અનુભવી શકતા હોય તેઓની ‘હા’ માં ‘હા’ કરી શકતા નથી. આ માટે જ સંતાનોને પોતાની પ્રોપર્ટી સમજતા માતા-પિતા તેમના સંતાનો થી ખુબ જ દૂર થતા જાય છે અને તેમની દખલઅંદાજી તેમને વધુ ને વધુ દૂર કરી દે છે.
આજની પેઢી આત્મવિશ્વાસથી તરબતર છે. તે જાતે અનુભવીને જ સત્યને સ્વીકારે છે. માતા-પિતાના ઈતિહાસને નહીં પરંતુ પોતાના વર્તમાનને પૂજે છે, કે જેના દ્વારા તેઓ પણ પોતાનો અલગ ઇતિહાસ રચી શકે. દા.ત. દીપિકા પાદુકોણેએ પિતા પ્રકાશ પાદુકોણેની જેમ ટેનીસ શીખ્યું, રમ્યું પરંતુ કારકિર્દી માટે તેણે અભિનેત્રી બનવાનું પસંદ કર્યું. પહેલા કહેવત હતી કે “દરજીનો દીકરો જીવે ત્યાં લગી સીવે” આજે દરજીનો દીકરો ડોક્ટર થાય છે તો દીકરી બેંક ઓફિસર, આ ત્યારે જ શક્ય બને છે જ્યારે માતા-પિતા તેમનાં સંતાનોને ઉડવા માટે પોતાનું આકાશ આપે એટલે કે અવકાશ. આજે પણ ઘણા પરિવારમાં સંતાનોની લાગણીને પાંખ આપીને ઊડતા શીખવ્યા બાદ ફરીથી પાંખ કાપી નાખવામાં આવતી હોય છે. આજે પણ ડોક્ટર બનવા માટે એમ.બી.બી.એસ. અભ્યાસ કરનાર પુત્રીને કરિયાણાના માલેતુજાર વેપારી પરિવારમાં પરણાવીને લગ્નની બેડીમાં જકડી ઘરમાં આદર્શ ગૃહિણીબનવા તરફ ધકેલનાર માતા-પિતા જોવા મળે છે. બીજી બાજુએ સંતાનોના મિત્ર બનીને રહેતા માતા-પિતા થકી સંતાનો સિદ્ધિના સોપાનો સર કરતાં પણ જોવા મળે છે.
આવા ઉદાહરણરૂપ કહી શકાય તેવા પરિવારો આસપાસમાં હોવા છતાં મોટાભાગના લોકો જ્ઞાતિ સમાજ અને સંસ્કૃતિના નામે સંતાનોના સ્વપ્નોના ખૂન કરે છે. એટલું જ નહીં આવા માતા-પિતા તેમના સંતાનોના પગ પર કુહાડો મારવા છતાં પોતે જે કર્યું છે તે જ બરાબર છે તેમ માનવાનો કક્કો છોડતા નથી. ઘણી વખતે બાળકોને પુરતો અવકાશ ન આપનાર માતા-પિતા સંતાન ઉપરવટ જઈને પોતાનું ક્ષેત્ર પસંદ કરે ત્યારે કકળાટ કરે છે, તો એ જ સંતાન જ્યારે સફળ થાય ત્યારે તેની સફળતા બદલ કોલર પણ ઊંચા કરતા હોય છે. આવા બેવડા માપદંડ ધરાવતા હોય છે.
બે પેઢી વચ્ચેનું અંતર છે અને રહેવાનું, પરંતુ આ અંતર જેટલું ઓછું હોય તેટલું સારું છે. આ અંતર ઘટાડવાના પ્રયત્નો બંને પેઢી તરફથી થાય તે જરૂરી છે. છેલ્લે એક પ્રોત્સાહક પંક્તિ સાથે જ આજની પેઢીને બિરદાવીએ.”ઇરાદે નેક ઓર સચ હો તો સપને ભી સાકાર હોતે હૈ, અગર સચી લગન હો તો રાસ્તે આસાન હોતે હૈ”