ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકિ રહ્યા છે ત્યારે ચૂંટણી પંચે પણ તાડમાર તૈયારીઓ કરી રહી છે,લગભગ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે. પ્રજ્ઞાચશુ મતદારો માટે પણ ખાસ તૈયારી કરી છે. દ્રષ્ટિહીન મતદારો પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે એક નવીન સુવિધા શરૂ કરવામાં આવી છે. દ્રષ્ટિહીન મતદારોને સહાયકની જરૂરિયાત ઉપસ્થિત ન થાય તે માટે EVMના બેલેટ યુનિટ પર બ્રેઈલ લિપિમાં ઉમેદવારના અનુક્રમ આપવામાં આવ્યા છે. દ્રષ્ટિહીન મતદારો સરળતાથી મતદાન કરી શકે તે હેતુ માટે ગુજરાતના ચૂંટણી અધિકારી બ્રેઈલ લિપિમાં ડમી બેલેટ શીટ તૈયાર કરાવશે. મતદાનના દિવસે દ્રષ્ટિહીન મતદારો બ્રેઈલ લિપિના ડમી બેલેટ શીટનો ઉપયોગ કરીને સરળતાથી પોતાનો મત આપી શકે છે. જો દ્રષ્ટિહીન મતદાર ડમી બેલેટ શીટની મદદથી મત આપવાનો વિકલ્પ આપે તો પ્રિસાઈડીંગ ઑફિસર દ્વારા મતદારને બ્રેઈલ લિપિમાં ડમી બેલેટ શીટ આપવામાં આવશે.
ડમી બેલેટ શીટના લખાણનો અભ્યાસ કર્યા બાદ, મતદારને મત આપવા માટે મતદાન કુટીરમાં જવાની પરવાનગી આપવામાં આવશે. ડમી બેલેટ શીટ વાંચ્યા બાદ આવા મતદારો EVMના મતદાન એકમ પર લગાડવામાં આવેલ અંકો દર્શાવતા સ્ટીકર પર તેમની પસંદગીના ઉમેદવારના અનુક્રમ વાંચીને તેમનો મત આપી શકશે.
ચૂંટણી સંચાલન નિયમો, 1961ના નિયમ 49(N)ની જોગવાઈ મુજબ સામાન્ય રીતે દરેક મતદાન મથકે પ્રજ્ઞાચક્ષુ મતદારોને મતદાન સહાયક ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જો દ્રષ્ટિહીન મતદાર ઈચ્છે તો મતદાર સહાયકને મતદાન કુટિરમાં સાથે જવાની છૂટ પણ આપવામાં આવે છે. પરંતુ, આવનાર વિધાનસભા ચૂંટણીમાં દ્રષ્ટિહીન મતદારો બ્રેઈલ લિપિના સ્ટીકર પરથી ઉમેદવારનો અનુક્રમ ઓળખીને પણ મતદાન કરી શકશે.