Gandhinagar News: વર્ષ 2025 ની પ્રથમ બેઠક ગાંધીનગરમાં (Gandhinagar)ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્ય બાળ અધિકાર આયોગની યાદીમાં જણાવ્યા મુજબ બાળ અધિકારોના સંરક્ષણ અને પ્રોત્સાહન માટેના વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. આયોગની આ પ્રથમ બેઠકમાં ગુજરાતના (Gujarat) તમામ જિલ્લાઓમાં બાળ અધિકારોની જોગવાઈઓના શ્રેષ્ઠ અમલીકરણ માટે વિવિધ શહેરો અને ગામડાઓમાં શાળાના શિક્ષકો, સામાજિક કાર્યકરો અને સરકારી અધિકારીઓ માટે વિશેષ તાલીમ કાર્યક્રમો ઉપરાંત મોનીટરીંગ મુલાકાતોનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તેમજ વર્ષ દરમિયાન તાલીમ કાર્યક્રમો દ્વારા બાળ અધિકારો અને બાળ-મૈત્રીપૂર્ણ નીતિઓના અમલીકરણ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે. આ સાથે વાલીઓ માટે વિશેષ વર્કશોપનું પણ આયોજન કરવામાં આવશે, જેમાં તેમને બાળકોની સંવેદનશીલ જરૂરિયાતો, શિક્ષણ અને આરોગ્ય સહિતના મહત્વના મુદ્દાઓ વિશે માહિતી આપવામાં આવશે. બેઠકમાં ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગનું બંધારણ, કાર્યો, સત્તાઓ વગેરે અને વિવિધ બાળ અધિકાર કાયદાઓ જેવા કે શિક્ષણનો અધિકાર, પોક્સો, જુવેનાઈલ જસ્ટિસ એક્ટ વિશે માહિતી આપવામાં આવી હતી.
આ બેઠકમાં બાળ અધિકારો અંગે જાગૃતિ વધારવા માટે વિવિધ વર્કશોપ અને તાલીમ કાર્યક્રમોની પણ ચર્ચા કરવામાં આવી છે. બાળ મજૂરી, બાળ શોષણ, શૈક્ષણિક અધિકારો અને આરોગ્ય સંબંધિત મુદ્દાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ, સચિવ અને સભ્યોએ આ બેઠકમાં બાળ અધિકારોના રક્ષણ માટે સંયુક્ત પ્રયાસોની જરૂરિયાત પર વિશેષ ભાર મૂક્યો હતો. આગામી કાર્યક્રમોને સફળ બનાવવા સહકાર આપવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી. યાદીમાં વધુમાં જણાવાયું છે કે વર્ષ દરમિયાન ગુજરાત રાજ્ય બાળ અધિકાર આયોગ તેના કાર્યો અને યોજનાઓ દ્વારા બાળકોને સુરક્ષિત અને સમૃદ્ધ ભવિષ્ય પ્રદાન કરવા માટે ખંતપૂર્વક કાર્ય કરશે.
આ પણ વાંચો:ગાંધીનગરમાં નર્સિંગ પરીક્ષા વિવાદ મુદ્દે બેઠક યોજાઈ
આ પણ વાંચો:ગાંધીનગરમાં લાંચ લેતા 2 કર્મચારીઓ રંગેહાથ ACB એ ઝડપ્યા