
ગુરુવારે કોંગ્રેસના વડામથક ખાતે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં મળેલી સામાન્ય સચિવો અને પ્રદેશ પ્રમુખોની બેઠકમાં દેશની અર્થવ્યવસ્થા પર ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન મનમોહનસિંહે કહ્યું કે દેશમાં વિકાસ દર પાંચ ટકા પર આવી ગયો છે. તે મને 2008ની યાદ અપાવે છે, જ્યારે યુપીએ સાશન દરમિયાન અર્થતંત્રમાં ભારે ઘટાડો થયો હતો.
મનમોહનસિંહે કહ્યું હતું કે, અગાઉની યુપીએ સરકારનાં સમય દરમિયાન આંતરરાષ્ટ્રીય નાણાકીય સંકટને કારણે આ સ્થિતિ ઉભી થઈ હતી. તે સમયે પણ સરકાર સામે પડકારજનક પરિસ્થિતિ હતી, પરંતુ અમે એક તક તરીકે આ પડકારને લીધો હતો. યુપીએ તાત્કાલિક અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવાની દિશામાં પગલાં લીધાં હતા. વર્તમાન યુગમાં પણ આપણે આવી જ કેટલીક પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છીએ.
પૂર્વ વડા પ્રધાને પાર્ટી નેતાઓને લોકોને દેશની આર્થિક પરિસ્થિતિ વિશે જાગૃત કરવા કહ્યું. સરકારની નીતિઓથી અર્થતંત્રને કેવી રીતે નુકસાન થયું છે તે જનતાએ જાણવું જોઈએ.
Read this also : પૂર્વ PM ડો. મનમોહનસિંહે અર્થવ્યવસ્થામાં સુધાર માટે સૂચવ્યાં આ 5 પગલાં
દેશમાં બેકારી વધશે
ભૂતપૂર્વ વડા પ્રધાને કહ્યું કે જો હાલની પરિસ્થિતિ પર સમયસર કાર્યવાહી કરવામાં નહીં આવે તો રોજગાર ક્ષેત્રની પરિસ્થિતિ વધુ વણસી જશે. લોકો સતત બેકાર બનશે અને અર્થવ્યવસ્થામાં મુશ્કેલી ઉભી થશે. વૃદ્ધિ દર કેટલાક ક્વાર્ટર્સથી સતત નબળા રહ્યો છે. દરેક ક્ષેત્રમાં વિકાસનો દર ઘટી રહ્યો છે. ઓટો ક્ષેત્રની મંદીનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે જો પરિસ્થિતિ ટૂંક સમયમાં નહીં બદલાય તો મોટી સંખ્યામાં લોકોના રોજગાર પર સંકટ સર્જાય છે.
સાઠ ટકા વસ્તી કૃષિ પર આધારીત છે
મનમોહનસિંહે કહ્યું કે કૃષિ એ આપણા અર્થતંત્રનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. સાઠ ટકા વસ્તી કૃષિ પર આધારીત છે. સરકારે પણ આ તરફ ધ્યાન આપવું પડશે. સ્થાવર મિલકત ક્ષેત્રની પરિસ્થિતિ અંગે તેમણે કહ્યું કે દેશના આઠ મોટા શહેરોમાં સાડા ચાર લાખથી વધુ મકાનો તૈયાર છે, પરંતુ કોઈ ખરીદનાર નથી. અમેરિકન ડોલર સામે રૂપિયો પણ સતત ઘટી રહ્યો છે.
અર્થતંત્રમાં સુધારા માટે નક્કર નીતિની જરૂર છે: રાહુલ
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દેશની અર્થવ્યવસ્થાની વર્તમાન સ્થિતિ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતાં તેમણે કહ્યું કે, તથ્યોને છુપાવવાને બદલે અર્થવ્યવસ્થામાં સુધારણા માટે નક્કર નીતિ બનાવવાની જરૂર છે.
રાહુલ ગાંધીએ પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે ટ્વિટર પર કરેલા નિવેદનની ટાંકીને કહ્યું કે દેશની અર્થવ્યવસ્થાની સ્થિતિ સારી નથી. સરકારે પહેલા સ્વીકારવું જ જોઇએ કે અર્થવ્યવસ્થામાં સમસ્યા છે. આ મુદ્દા પર લોકોને અંધારામાં રાખવાથી કંઈ પણ પ્રાપ્ત થશે નહીં. દેશનો યુવા સજાગ છે અને સત્ય તેમની પાસેથી છુપાવી શકાતું નથી. અર્થવ્યવસ્થાને વેગ આપવા તરફ ઝડપી પગલા ભરવાની જરૂર છે.
પ્રિયંકાએ પણ નિશાન સાધ્યું હતું
કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ દેશના અર્થતંત્રને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો કે હાલની પરિસ્થિતિનો સામનો કરવાને બદલે સરકાર દ્વારા પાયાવિહોણા દલીલો કરવામાં આવી રહી છે. પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને લોકસભાની ચૂંટણીઓ પૂર્વે કહ્યું હતું કે ઓલા-ઉબરે રોજગાર વધાર્યો હતો. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ઓલા-ઉબેરને કારણે ઓટો ક્ષેત્ર નીચે આવી ગયું છે. કેન્દ્ર સરકાર અર્થવ્યવસ્થાને લઈને કેમ આટલી મૂંઝવણમાં છે?