ભારતમાં કોરોનાના લીધે હાલત અતિ ખરાબ છે.કોરોનાના લીધે હોસ્પિટલોમા બેડ હાઉસફૂલ થઇ ગયાં છે ત્યારે ચંડીગઢમાં ભારતીય સેનાએ કોરોનાના દર્દીઓની સારવાર માટે 3 દિવસમાં 100 બેડની હોસ્પિટલ ઉભી કરી છે. અહીં 24 કલાક ડોક્ટર અને મેડિકલ સ્ટાફ ઉપલબ્ધ રહેશે. ચંદીગઢમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. તેવામાં ભારતીય સેના હવે અહીં મદદ માટે આગળ આવ્યું છે. શહેરમાં 4 મુખ્ય સરકારી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને દાખલ કરવામાં આવી રહ્યા છે, પરંતુ હવે તમામ હોસ્પિટલ હાઉસફૂલ થઈ ગઈ છે. તેવામાં દર્દીઓને બેડ મેળવવામાં મુશ્કેલી થઈ રહી છે.પંજાબ યુનિવર્સિટીના ઈન્ટરનેશનલ હોસ્પિટલમાં ભારતીય સેના દ્વારા 100 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. જોકે, ચંદીગઢમાં ઘણા કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યા છે, જ્યાં દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે, પરંતુ જો દર્દી ગંભીર રીતે બીમાર છે તો તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.
ભારતીય સેના દ્વારા તૈયાર કરવામાં આવેલી હોસ્પિટલનું સોમવારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન પંજાબના રાજ્યપાલ અને ચંદીગઢના પ્રશાસક વી. પી. સિંહ બદનોર ખાસ કરીને કોવિડ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. આ સાથે જ તમામ લોકોએ હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું હતું. ચંદીગઢ તંત્રએ પણ આ હોસ્પિટલ તૈયાર કરવામાં મદદ કરી હતી.ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના મહામારીના લીધે હાલત અતિ ગંભીર છે.