પહેલેથી જ મોઘવારીનો માર જીલતી દિલ્લીની સામાન્ય જનતાને મંગળવારે વધુ એક ડોઝ મળ્યો છે. આજથી દિલ્લી મેટ્રોની સફર મોંઘી થઇ રહી છે. દિલ્હી મેટ્રો ટ્રેનમાં મહત્તમ ભાડામાં વધારો કરીને ૬૦ રૂપીયા કરી દેવામાં આવ્યું છે. જે આ અગાઉ ૫૦ રૂપિયા હતું. પરંતુ ન્યૂનતમ ભાડું ૧૦ રૂપિયા જ રાખવામાં આવ્યું છે.
મેટ્રોના ભાડામાં કરવામાં આવેલા વધારાથી યાત્રા કરનારા લોકોના ખિસ્સા ઉપર અસર પડશે, જેના કારણે તેઓ નારાજ જોવા મળી રહ્યા છે.
મેટ્રો ટ્રેનમાં રોજિંદી મુસાફરી કરનારા એક મુસાફરે જણાવ્યું હતું કે, મેટ્રોના ભાડામાં વધારો કરવા પાછળનું કારણ ખોટને ગણાવાય રહ્યું છે. પરંતુ સાચી વાત તો એ છે કે મેટ્રો ટ્રેનમાં પગ મૂકવાની જગ્યા નથી હોતી, સુવિધાઓ તો વધારી નથી રહ્યા પરંતુ ભાડામાં વધારો કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ભાડામાં વધારાને લઈને સોમવારે દિલ્હી વિધાનસભામાં પણ જોરદાર હંગામો થયો હતો, પરંતુ કોઈ સમાધાન થઈ શક્યું નથી. આ હંગામા દરમિયાન દિલ્હી વિધાનસભાએ ભાડા વધારાની વિરોધના પ્રસ્તાવને પાસ કરી દીધો છે.