ભાજપના સસ્પેન્ડ થયેલા પ્રવક્તા નુપુર શર્મા દ્વારા ઇસ્લામના પયગંબર મોહમ્મદ વિરૂદ્વ ટિપ્પણી કરતા દેશ સહિત વિદેશમાં આના પડઘા પડી રહ્યા છે.દેશ સહિત વિદેશમાં નુપુર શર્માની ધરપકડની માંગ કરી રહ્યા છે, ખાડી દેશ કુવૈતમાં 10 જૂને કુવૈતના ફહેલ વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કરનારા ભારતીયો સહિત તમામ બિન-નિવાસી એશિયનો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ તમામની ધરપકડ કરવામાં આવી છે અને હવે તેમને તેમના દેશમાં મોકલી દેવામાં આવશે.
જ્યારે આ લોકો ફહેલ વિસ્તારમાં એકઠા થઈને વિરોધ કરી રહ્યા હતા, ત્યારે જ મોટી સંખ્યામાં પોલીસ દળો ત્યાં પહોંચી ગયા હતા. આ તમામને ટ્રકમાં લઈ જવામાં આવ્યા હતા. આ તમામ સ્થળાંતર કરનારાઓના વિઝા રદ કરવામાં આવ્યા હતા અને ત્યાંના કાયદાના ઉલ્લંઘન બદલ દેશનિકાલ કેન્દ્રમાં મોકલવામાં આવ્યા હતા. હવે આ તમામ પ્રવાસીઓને પરત મોકલવામાં આવશે. હાલમાં પોલીસ તપાસ કરી રહી છે કે આ લોકોને વિરોધ કરવા કોણે ઉશ્કેર્યા હતા.
ફરી ક્યારેય કુવૈત જઈ શકશે નહીં
દેશનિકાલ કેન્દ્રમાં મોકલવામાં આવેલા ભારતીયો સહિત તમામ એશિયનોના નામ હવે કુવૈતમાં પ્રતિબંધિત લોકોની યાદીમાં સામેલ થશે. તેઓ ફરી ક્યારેય કુવૈતમાં પ્રવેશી શકશે નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર આરબ દેશોમાં ધરણાં અને પ્રદર્શનો આયોજિત કરવા પર પ્રતિબંધ છે. કોઈપણ પ્રકારના પ્રદર્શનને નિયમો અને કાયદાઓનું ઉલ્લંઘન ગણવામાં આવે છે અને તેમાં સામેલ લોકોને તેમના દેશમાં મોકલી દેવામાં આવે છે.
વિરોધ કરનારાઓમાં ભારત-પાક-બાંગ્લાદેશના સ્થળાંતર કરનારાઓ
અલ રાયના અહેવાલ મુજબ, પોલીસ આવા લોકોની ધરપકડ કરીને તેમને તેમના દેશમાં પરત મોકલવાની પ્રક્રિયામાં છે. આ સાથે કુવૈતમાં તેમના પુનઃ પ્રવેશ પર પણ કાયમી પ્રતિબંધ લાદવામાં આવશે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે કુવૈતના તમામ વિદેશીઓએ અહીંના કાયદાનું સન્માન કરવું જોઈએ અને કોઈપણ પ્રકારના પ્રદર્શનમાં ભાગ લેવો જોઈએ નહીં. બીજી તરફ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંબંધિત પ્રજ્ઞા પ્રવાહના અખિલ ભારતીય સંયોજક જે નંદકુમારે ટ્વીટ કર્યું કે વિરોધ કરી રહેલા ભારતીયોને ભારત મોકલવામાં આવશે.