આજે દેશ માટે શોકનો દિવસ રહ્યો છે સ્વરની દેવી લતા મંગેશકર આજે કરોડો દેશવાસીઓને રડતા મુકીને કાયમ માટે વસમી વિદાય આપી ચાલ્યા ગયા છે. તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે સોમવારે રાજ્યસભા અને લોકસભા એક કલાક માટે બંધ રાખવામાં આવશે. સંસદના બંને ગૃહોના સભ્યોએ ભારત રત્ન અને સ્વરા કોકિલા લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ રાજ્યસભા અને લોકસભા સોમવારે એક કલાક માટે સ્થગિત રહેશે. આ માહિતી સૂત્રો દ્વારા આપવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સવારે 10 વાગ્યે રાજ્યસભામાં સ્પીકર એમ વેંકૈયા નાયડુએ શોક સંદેશ વાંચ્યા બાદ ગૃહને એક કલાક માટે સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સૂત્રોએ જણાવ્યું કે લોકસભામાં પણ સ્પીકર ઓમ બિરલા સાંજે 4 વાગ્યે ગૃહની બેઠક શરૂ થયા પછી તરત જ શોક સંદેશ વાંચશે અને કાર્યવાહી એક કલાક માટે સ્થગિત કરવામાં આવશે. લતા મંગેશકરનું રવિવારે મુંબઈની એક હોસ્પિટલમાં નિધન થયું હતું. તેણી 92 વર્ષની હતી. મંગેશકરના સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
ભારત રત્ન અને સ્વર કોકિલા લતા મંગેશકરના રવિવારે મુંબઈના શિવાજી પાર્કમાં સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. લતાના ભાઈ હૃદયનાથ મંગેશકરે તેમને ભીની આંખે દીવો કર્યો. આ પ્રસંગે લતા દીદીના હજારો ચાહકો અને પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. લતાના અંતિમ સંસ્કારમાં ફિલ્મ જગતથી લઈને રાજકીય અને રમત જગતની હસ્તીઓ પણ સામેલ થઈ હતી. રાષ્ટ્રધ્વજમાં લપેટાયેલ લતા મંગેશકરના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે દક્ષિણ મુંબઈમાં તેમના નિવાસસ્થાનથી શિવાજી પાર્ક લાવવામાં આવ્યો હતો.
જયારે પીએમ નરેન્દ્ર મોદી પણ મહાન ગાયિકા અને સ્વર કોકિલા તરીકે જાણીતા લતા મંગેશકરના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે મુંબઈ પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લતા મંગેશકરને અંતિમ દર્શન આપવા અને તેમને શ્રદ્ધાંજલિ આપવા શિવાજી પાર્ક પહોંચ્યા હતા. જે બાદ તેઓ લતાજીના પરિવારના સભ્યોને પણ મળ્યા હતા. આ સાથે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પણ લતાજીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.