Mahisagar News: રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલમાં થતો ડ્રોપ આઉટ રેશિયો (Drop out Ratio) જાહેર કરવામાં આવ્યો હતો, જે મુજબ ધોરણ આઠ બાદ 23.28% વિદ્યાર્થીઓ ધોરણ 9માં પ્રવેશ મેળવતા જ નથી. જેને લઈને કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યાં છે. કોંગ્રેસના આક્ષેપ છે કે, સરકાર દ્વારા કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ બનાવવામાં આવી છે. વર્લ્ડ બેંકની અબજો રૂપિયાની લોન લેવામાં આવી છે. વિદ્યા સમીક્ષાના નામે ટીમ બેસાડવામાં આવી છે. પરંતુ કરોડ રૂપિયા ખર્ચ્યા છતાં ડ્રોપ આઉટ રેશિયો ઘટવાની જગ્યાએ વધી રહ્યો છે. ત્યારે ડ્રોપ આઉટ રેશિયો મામલે શિક્ષણમંત્રીની પ્રતિક્રિયા સામે આવી છે.
શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે જણાવ્યું છે કે ડ્રોપ આઉટ રેશિયોના આંકડા 2021 -22ના છે. વર્ષ 2023-24નો ડ્રોપ આઉટ રેશિયો 5.4 છે. ધોરણ 9 અને 10ની સ્કૂલોનો ડ્રોપ આઉટ રેશિયો 23.28 છે. ‘ડ્રોપ આઉટ રેશિયો ઘટે તે માટે યોજનાઓ લાગુ કરાઇ છે. યોજનાઓનો લાભ લઇ વિદ્યાર્થીઓ આગળ વધી રહ્યા છે. ગુજરાત સ્ટેટ ઓપનિંગ સ્કૂલની વ્યવસ્થા કરાઇ છે.
કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં ડ્રોપઆઉટ રેશિયો બાબતે ગુજરાત ત્રીજા નંબરે છે. 21 પ્રવેશોત્સવ કરવામાં આવ્યા છે જેમાં કરોડોનો ખર્ચ કરવામાં આવે છે અને જાહેરાતો કરવામાં આવી છે. પરંતુ હકિકત એવી છે કે, ગુજરાતમાં ધોરણ 8 પછી 9 અને 10માં 23.01%નો ડ્રોપ આઉટ રેશિયો છે. સૌથી વધારે અમદાવાદમાં એક લાખ કરતા વધારે વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ લીધું છે. આ ઉપરાંત રાજ્યના સાત જિલ્લા એવા છે. જેમાં 30 ટકા કરતાં વધારે ડ્રોપ આઉટ રહેશે. દેશભરમાં 12.50 લાખ બાળકોનો ડ્રોપ આઉટ છે જેમાં 6.97 લાખ બાળકો જ્યારે પાંચ લાખથી વધુ બાળકીઓ છે.
ડ્રોપ આઉટ રેશિયો વધવાનું કારણ બાળ મજૂરી છે. પરિવારને આર્થિક જરૂરિયાત હોવાથી બાળકો અભ્યાસ છોડીને મજૂરી કામ કરવા લાગે છે. ગ્રામ્ય વિસ્તારમાં મોટાપાયે પ્રાથમિક સ્કૂલો મર્જ થવા લાગી છે. જેની સાથે માધ્યમિક સ્કૂલનો પણ અભાવ છે અને ખાનગી સ્કૂલો વધી છે. જેથી ગ્રામ્યના સામાન્ય પરિવારના બાળકોને ભણવું હોય તો ખાનગી સ્કૂલમાં ભણી શકે તેમ નથી. જેથી ડ્રોપ આઉટ વધી રહ્યો છે. આ ઉપરાંત શિક્ષકોની ખાલી જગ્યા અને વર્ગ ખંડમાં શિક્ષણના અભાવે પણ બાળકો અભ્યાસ કરી શકતા નથી. સરકારે ડ્રોપ રેશિયો ઘટાડવો હોય તો જવાબદાર અધિકારીઓ સામે પગલાં લઈ પાંચ વર્ષનો પ્લાન તૈયાર કરવો જોઈએ ત્યારે ડ્રોપ રેશિયો ઘટશે.
આ પણ વાંચો:શિક્ષકોની ભરતી મામલે શિક્ષણ મંત્રી ડૉ કુબેરભાઈ ડીંડોરે આપી પ્રતિક્રિયા
આ પણ વાંચો:આજથી ગુજરાત શિક્ષણ બોર્ડની પ્રથમ સત્રની પરીક્ષા, 20 લાખ વિદ્યાર્થી પરીક્ષા આપશે