અમદાવાદ,
હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો 12મો દિવસ છે, ત્યારે હાર્દિક પટેલની મુલાકાત કરવા માટે કોંગ્રેસ સહિત અનેક નેતાઓ હાર્દિકની મુલાકાત કરવા માટે આવી રહ્યા છે. ત્યારે આજે કોંગ્રેસના નેતા જ્યેન્દ્રસિંહ પરમાર હાર્દિક પટેલને મળવા માટે આવ્યા હતાં. પરંતુ પોલીસ દ્વારા તેમનું ચેકીંગ કરતા તેમની પાસેથી રિવોલ્વર મળી આવી હતી.
પોલીસ તમામ ગાડીઓનું સઘન ચેકીંગ કરી રહી છે, ચેકીંગ દરમિયાન નેતાની કારમાંથી રિવોલ્વર મળી આવી હતી. પોલીસે કોંગ્રેસી નેતાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
હાર્દિક પટેલ ગુજરાતના ખેડૂતો અને પાટીદાર સમાજને અનામત મળે તેની માંગ સાથે 25 ઓગસ્ટથી ઉપવાસ ઉપર બેઠો છે. ઉપવાસના 11 દિવસ પુરા થતા તેની તબિયત વધારે લથડવા લાગી છે ત્યારે રાજકીય નેતાઓ પણ તેને મળવા માટે પહોંચી રહ્યા છે. મંગળવારે અભિનેતા અને રાજકીય નેતા એવા સત્રુઘ્ન સિન્હા અને યશવંત સિન્હાએ મુલાકાત કરી હતી.
બીજી તરફ પાટીદરા સમાજની છ અગ્રણી સંસ્થાઓએ પણ બેઠક કરી હતી. સાથે સાથે સરકાર તરફથી પણ હાર્દિકના ઉપવાસના 11માં દિવસે નિવેદન આવ્યું હતું. જોકે, ઉપવાસના 12માં દિવસે કોંગ્રેસના ગુજરાત પ્રભારી રાજીવ સાતવ હાર્દિક પટેલની મુલાકાત કરવા માટે ઉપવાસ છાવણી પહોંચ્યા હતા. જ્યા ંતેમણે હાર્દિક પટેલના ખબર અંતર પૂછ્યા હતા. રાજીવ સાતવ સાથે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસ નેતાઓ પહોંચ્યા હતા.