“ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો” આ કહેવત હાલમાં ગુજરાતમાંથી નિકાસ થઇ રહેલા રેમડેસિવિર ઇન્જેક્શન નિકાસને લઈને લાગુ પડે છે.એક તરફ રાજ્યમા રેમડે સિવિર ઇન્જેક્શનની રામાયણ જોવા મળી રહી છે, તેમજ તાજેતરમાં જ સુરતમાં ભાજપ દ્વારા બહોળા પ્રમાણમાં વિતરણ થવાના કારણે આ મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે. રાજ્યમાં જ્યારે તંગી જોવા મળી રહી છે ત્યારે હજુ પણ અન્ય રાજ્યમાં આ ઇંજેક્શનની નિકાસ કરવામાં આવી રહી છે, તે બાબતથી આમ જનતામા પ્રશ્નાર્થ સર્જાયો છે. બિહાર સહિત કેટલાક રાજ્યોમાં ગુજરાતના રેમડેસિવિર ઇન્જેક્શન કોરોનાના દર્દી ની સહાયતા માટે મોકલવામાં આવી રહ્યા છે.
એ બાબત સૌ કોઈ જાણે છે કે ગુજરાતમાં રેમડેસિવિર ઈન્જેક્શનનું ઉત્પાદન ઝાયડ્સ કેડિલા કંપની કરે છે. ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે 21 એપ્રિલથી 30 એપ્રિલ એમ 10 દિવસમાં આ કંપની દ્વારા ઉત્પાદન થનારા 3,27,400 રેમડેસિવિર ઈન્જેક્શનમાંથી ગુજરાતને 1,20,000 ફાળવીને બાકીના 2,07,400 ઈન્જેક્શન 11 રાજ્યોને ફાળવી આપ્યા હતા. જેમાંથી બિહારે વિમાન મોકલીને 14,000 વાયલ ઉપાડયા છે.
આ ઉપરાંત સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે માત્ર બિહાર જ નહીં તેના સિવાયના અન્ય 10 રાજ્યોમાં પણ ગુજરાતના ઇન્ફેક્શન મોકલવામાં આવી રહ્યા છે.કયા રાજ્યમાં કેટલા રેમડેસિવિર ઇન્જેક્શન મોકલવામાં આવી રહ્યા છે તેના આંકડા પર નજર કરીએ તો.. દિલ્હીમાં 20,400, મધ્યપ્રદેશમાં 15,000, મહારાષ્ટ્રમાં 50,000 રાજસ્થાનમાં 10,000, તમિલનાડુમાં 20,000, ઉત્તર પ્રદેશમાં 50,000, ઉત્તરાખંડમાં 7,000 પશ્ચિમ બંગાળમાં 10,000, ઓરિસ્સામાં 1,000, બિહારમાં 14,000, ઝારખંડમાં 10,000 જેટલા ઇન્જેક્શનના જથ્થા મોકલવામાં આવી રહ્યા છે.