સુપ્રીમ કોર્ટે નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) રદ કરવાની માંગ કરતી અરજી ફગાવી દીધી છે. એમબીબીએસ અને બીડીએસ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે 12 સપ્ટેમ્બરે લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિ અને કથિત પેપર લીકના આક્ષેપો થયા હતા.
અરજી ફગાવી દેતા જસ્ટિસ એલ નાગેશ્વર રાવ અને જસ્ટિસ બીઆર ગવઈની ખંડપીઠે કહ્યું કે, “પેપર લીક થવાને કારણે પરીક્ષા રદ કરવી લાખો વિદ્યાર્થીઓના ભોગે શક્ય નથી.
અરજદાર તરફથી હાજર રહેલા એડવોકેટ નિનાદ ડોગરાએ અદાલતમાં પ્રેસ ક્લિપિંગ રજૂ કરી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે આ મામલે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા ત્રણ FIR નોંધવામાં આવી છે. વકીલે કહ્યું કે ફરિયાદ મુજબ પરીક્ષાના પ્રશ્નપત્રો વોટ્સએપ પર લીક થયા હતા. તેમણે માગણી કરી હતી કે નિર્દોષ ઉમેદવારોને નુકસાન ન થવું જોઈએ અને પરીક્ષાનું સંચાલન કરતી સંસ્થા નેશનલ ટેસ્ટિંગ એજન્સીને ફરીથી પરીક્ષા યોજવા નિર્દેશ આપવો જોઈએ.
બેન્ચે જણાવ્યું હતું કે, 7.5 લાખથી વધુ ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી અને તે સ્થાનિક સ્તરે નહીં પરંતુ રાષ્ટ્રીય સ્તરે લેવામાં આવી હતી. તો શું તમને નથી લાગતું કે આવી અરજીઓ ખર્ચ સાથે ફગાવી દેવી જોઈએ, કોર્ટે કહ્યું. કોર્ટે પિટિશન દાખલ કરવા માટે અરજદારને શરૂઆતમાં 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. બાદમાં, વકીલની વિનંતી પર, તેણે દંડ પર પોતાનો નિર્દેશ પાછો ખેંચી લીધો.