મોટાભાગે નાના બાળકો શાળાએ નહીં જવા માટે હમેશા કજિયો કરતાં હોય છે. શાળાએ નહીં જવા માટે યેન કેન પ્રકાસના બહાના બતાવતા હોય છે. ત્યારે રાજકોટ આંગણવાડી દ્વારા બાળકોને આંગણવાડી માં જવા માટે પ્રેરાય તે હેતુ થી એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. પ્રોજેક્ટ “સોનેરી બાળપણ” હેઠળ ૩૦ આંગણવાડીઓ તૈયાર, ૭૦ સ્માર્ટ આંગણવાડીઓ બનાવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ થશે
જિલ્લા વિકાસ અધિકારીએ ગુજરાત રાજ્યમાં બાળકલ્યાણના હેતુથી દરેક ગામમાં નાનાં બાળકો માટે આંગણવાડી કેન્દ્રની યોજના અમલમાં મુકવામાં આવેલી છે. બાળકો પ્રાથમિક શિક્ષણ લેતાં હોય તે પહેલાં તેના આરોગ્ય અને શિક્ષણનું ધ્યાન રાખવાનો મુખ્ય હેતુ હોય છે. પાંચ વર્ષથી નાની વયનાં બાળકોને આંગણવાડીમાં દાખલ કરવામાં આવે છે. બાળકો હોંશભેર આંગણવાડીમાં દાખલ થાય તે માટે રાજકોટ જિલ્લામાં આવેલી ગ્રામ્ય કક્ષાએ આંગણવાડી કેન્દ્રોને આકર્ષિત બનાવવા હેતુસર જિલ્લા પંચાયત દ્વારા પ્રોજેક્ટ “સોનેરી બાળપણ” અમલમાં મુકવામાં આવ્યો છે.
જે અંતર્ગત નાના ભૂલકાઓ માટે આંગણવાડી કેન્દ્રોના બિલ્ડિંગની ડિઝાઈન અને કલર કામ ઉપર ખાસ ધ્યાન આપીને આકર્ષક બનાવવામાં આવી રહી છે, જે અંતર્ગત રાજકોટ જિલ્લાના જુદાજુદા તાલુકામાં આવેલી ૩૦ કરતા વધુ આંગણવાડી કેન્દ્રોનું રીનોવેશન થઈ ચુક્યું છે. આ આંગણવાડી કેન્દ્રોના બિલ્ડિંગમાં BALA ટેકનિક (BUILDING AS LEARNING AID ) ના ખાસ પ્રયોગ દ્વારા દીવાલો ઉપર ચિત્રકામ કરાવવામાં આવ્યું છે. આંગણવાડીના નાના-નાના ભૂલકાઓને ગમત સાથે અવનવું જ્ઞાન પણ મળી શકે તે હેતુસર રંગબેરંગી ચિત્રો, આલ્ફાબેટ, વિવિધ કેરેકટરો દ્વારા દીવાલોનું ચિત્રકામ કરવામાં આવ્યું છે.
આ તકે જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં સરકારી શાળાઓના બાળકો માટે “ડ્રીમ પ્રોજેકટ” અમલી બનાવવામાં આવ્યા છે ત્યારે ‘સોનેરી બાળપણ’ પ્રોજેકટ હેઠળ આંગણવાડી કેન્દ્રોને રીનોવેટ કરીને બાળકોને આંગણવાડીઓ પ્રત્યે આકર્ષિત કરવાની આ એક અનોખી પહેલ છે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજકોટ જિલ્લાની ૩૦ આંગણવાડી કેન્દ્રોની દીવાલો પણ હવે બોલશે. ૭૦ સ્માર્ટ આંગણવાડીઓ બનાવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ થશે. આ સ્માર્ટ આંગણવાડી કેન્દ્રોમાં સી.સી.ટી.વી. કેમેરા, ડીજીટલ બોર્ડ, સ્ટાઈલીશ બેઠક વ્યવસ્થા, અવનવા રમકડાઓ સહિતની આધુનિક સગવડો સ્માર્ટ આંગણવાડીઓમાં હશે.