ઉત્તર પ્રદેશના બરેલીમાં, એક બેંકના સિક્યુરિટી ગાર્ડે માસ્ક ન પહેરવા બદલ એક ગ્રાહકને ગોળી મારી દીધી હોવાનું સામે આવ્યું હતી.‘બેંક ઓફ બરોડા’ની બરેલી જંકશન શાખામાં તૈનાત એક સુરક્ષા કર્મચારીએ કથિત રૂપે એક માસ્ક વિના અંદર પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા ગ્રાહક પર ગોળી ચલાવી હતી. ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે સુરક્ષા ગાર્ડને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
રાજેશ કુમાર નામના કર્મચારીએ બરેલીની જંક્શન રોડ પર આવેલી બેંક ઓફ બરોડાની બ્રાંચમાં માસ્ક વગર પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. જેથી ગુસ્સે ભરાયેલા સિક્યોરિટી ગાર્ડ કેશવ પ્રસાદ મિશ્રાએ રાજેશ કુમાર પર ગોળી ચલાવી દીધી હતી. ઘટનાને પગલે સ્થળ પર પહોંચેલી પોલીસે ગાર્ડને કસ્ટડીમાં લઇ લીધો હતો. તે સમયે પણ તે બુમો પાડતો હતો. આ સમગ્ર ઘટની તપાસ કરી રહેલી ટીમ સીસીટીવી કેમેરાની પણ ચકાસણી કરી રહી છે.
રાજેશની પત્ની પ્રિયંકા રાઠોડે જણાવ્યું હતું કે રાજેશ સવારે ડ્યુટીથી પરત ઘરે આવ્યો તો કહ્યું કે પાસબુકમાં એન્ટ્રી કરાવવા બેન્ક જવાનું છે. સવારે ઘરેથી નિકળ્યા તો માસ્ક ભૂલી ગયા હતા. બેન્કમાં પ્રવેશ કરતાં ગાર્ડ કેશવ પ્રસાદ મિશ્રાએ તેમને અટકાવ્યા અને માસ્ક લગાવવા કહ્યું. રાજેશ ફરી વખત બેંકથી નીચે ઉતર્યાં અને ગાડીમાંથી માસ્ક લઈ પરત પહોંચ્યાં. પણ ગાર્ડે તેમને ફરી અટકાવ્યા અને કહ્યું કે પાસબુકમાં એન્ટ્રી હવે લંચ બાદ જ થશે.
રાજેશ વારંવાર કહી રહ્યા હતા કે તેમને ફક્ત પાસબુકમાં એન્ટ્રી કરાવવાની છે, વિશેષ કોઈ કામ નથી. આ મુદ્દે ઉગ્ર ચર્ચા થવા લાગી અને ગાર્ડે ગોળી મારી દીધી. ગોળી રાજેશના પગમાં લાગી હતી.પ્રિયંકાએ કહ્યું કે રાજેશ બેંકમાં ઈજાગ્રસ્ત સ્થિતિમાં પડ્યા રહ્યા, પણ કોઈએ તેમને મદદ ન કરી.કોઈએ પરિવાર કે પોલીસને મદદ ન કરી.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ સુરક્ષાકર્મી એવું કહી રહ્યો હતો કે ગ્રાહક વગર માંસકે અંદર પ્રવેશતો હતો અને જ્યારે આ માટે અટકાવવામાં આવ્યો ત્યારે તેણે ખરાબ વર્તન કર્યું હતું. બેંકે એક નિવેદન બહાર પાડીને આ ઘટના અંગે દુખ વ્યક્ત કરતાં કહ્યું કે, “ગાર્ડ અને પીડિત વચ્ચે કથિત ઝઘડામાં પગલે બનેલી કમનસીબ ગોળીબારની ઘટના અંગે અમે દિલગીરી વ્યક્ત કરીએ છીએ.
ઈજાગ્રસ્તને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને તે ભયથી બહાર છે. બેંક દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પીડિતના પરિવારને બેંકે આર્થિક સહાય પૂરી પાડી છે. ખાનગી સુરક્ષા એજન્સી દ્વારા પોસ્ટ કરાયેલ ગાર્ડને તાત્કાલિક તેની ફરજમાંથી મુક્તિ આપી હતી અને પોલીસે તેની ધરપકડ કરી હતી.