Ahmedabad News: મેઘરાજાએ છેવટે ઉત્તર ગુજરાતમાં મહેર કરી છે. ભાભર અને પ્રાંતિજમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે. રાધનપુર, શંખેશ્વર, હારિજમાં અને સમીમાં બે કલાકમાં ધોધમાર વરસાદી ઝાપટા પડતાં સરેરાશ પોણા બે ઇંચથી પોણો ઇંચ જેટલો વરસાદ વરસતા ગ્રામીણ વિસ્તારના રસ્તાઓ ઉપર પાણી ભરાવાથી બેટમાં ફેરવાતા લોકોને પસાર થવામાં હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ઉત્તર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 53% વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. પાટણ શહેર સહિત જિલ્લામાં છેલ્લા 48 કલાકથી વધુ વરસાદે વિરામ લીધા બાદ મંગળવારે સાંજે 4 વાગ્યા સુધી વાતાવરણમાં અસહ્ય બફારો રહ્યા બાદ અંતે સાંજે 5 વાગ્યા આસપાસ વાતાવરણમાં પલટો આવતાં એકાએક ધીમીધારે વરસાદ થતા વરસાદી માહોલ સર્જાયો હતો.
હવામાન વિભાગની આગાહી મુજબ, બુધવારે ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા 51% થી 75% જેટલી પ્રબળ છે. જ્યારે 11 અને 12 જુલાઇના રોજ વરસાદનું જોર ઘટી શકે છે. આ બંને દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા 26 થી 50% જેટલી જણાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, આ દરમિયાન અસહ્ય ઉકળાટનો કહેર યથાવત રહી શકે છે. આ વરસાદ છતાં ઉત્તર ગુજરાતમાં હજી પણ વરસાદની ઘટ યથાવત્ છે. અત્યાર સુધીમાં સીઝનનો માંડ દસ ટકા વરસાદ જ ત્યાં પડ્યો છે.
ઉત્તર ગુજરાતના 47 પૈકી 25 તાલુકામાં વરસાદ પડ્યો છે. મહેસાણાના ખેરાલુમાં પોણો ઇંચ અને સતલાસણામાં પાંચ મીમી, ઊંઝા-કડીમાં 2 મીમી વરસાદ પડ્યો છે. રાધનપુરમાં 42 મીમી, હારિજમાં 31 મીમી, શંખેશ્વરમાં 28 મીમી, સમીમાં 22 મીમી, સરસ્વતીમાં 18 મીમી, સાંતલપુરમાં 6, સિદ્ધપુરમાં 5 મીમી, પાટણ – 5 મીમી વરસાદ પડ્યો છે.
બનાસકાંઠાના ભાભરમાં સાડા 3 ઇંચ, દાંતા અને દિયોદરમાં 1-1 ઇંચ, સુઇગામ અને વડગામમાં પોણો ઇંચ, કાંકરેજમાં 6 મીમી, પાલનપુરમાં 4 મીમી, ડીસામાં 2 મીમી વરસાદ પડ્યો છે. સાબરકાંઠા : પ્રાંતિજમાં સાડા 3 ઇંચ, તલોદમાં 2 ઇંચ, ખેડબ્રહ્મા અને વિજયનગરમાં પોણો ઇંચ, હિંમતનગરમાં 7 મીમી વરસાદ પડયો છે.
હારિજ તાલુકા વિસ્તારમાં અગાઉ વરસાદી ઝાપટું કોઈ કોઈ વિસ્તારમાં પડ્યું હતું પણ વાવેતર કરવા માટે સારા વરસાદની ખેડૂતો મીટ માંડીને બેઠા હતા. સવારની અસહ્ય ગરમી પડ્યા બાદ સાંજે 12 મીમી વરસાદ પડ્યો હતો જ્યારે 6 કલાક પછી પણ 19 મીમી ખાબકતા ખેડૂતોમાં વાવેતર કરવાની આશા બંધાઈ હતી.
આ પણ વાંચો: પેરોલ પર છુટેલા કેદીનું ફતેગંજ બ્રિજ પર અકસ્માતમાં થયું મોત
આ પણ વાંચો: ગુજરાત સરકારનો લર્નિંગ લાઇન્સને લઈ મોટો નિર્ણય
આ પણ વાંચો: ગુજરાતના યાત્રાધામો ગુજરાતી પ્રવાસીઓથી ઉભરાયા