મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર એક ગંભીર અકસ્માત સર્જાયો છે. ખોપોલી નજીક થયેલા આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે છ લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ મળી રહ્યા છે. મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર મરઘીઓ લઈને જતા ટેમ્પાએ આગળના ટેમ્પોને ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો.
માત્ર એક કે બે નહીં પણ છ વાહનો એકબીજા સાથે અથડાયા. જેમાં બે ટેમ્પો, બે કાર, ખાનગી બસ અને ટ્રેલરનો સમાવેશ થાય છે. સ્વિફ્ટ કાર અને એક ટેમ્પો સંપૂર્ણપણે વિખેરાઈ ગયા. આ અકસ્માતને કારણે થોડો સમય ટ્રાફિક જામ પણ થયો હતો. ઈજાગ્રસ્તોને હાલ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ અકસ્માતમાં સ્વિફ્ટ કારમાં બે લોકો ફસાયા હતા. બચાવ કામગીરી દરમિયાન બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. કારમાંથી બંનેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. તેને પોસ્ટમોર્ટમ માટે ખોપોલી મ્યુનિસિપલ હોસ્પિટલમાં હાલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે ટેમ્પોમાં સવાર અન્ય એક વ્યક્તિનું પણ મોત થયું હતું. આ અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. મળતી માહિતી મુજબ, ખોપોલી પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.