ઊના શહેર જાણે રેઢુપટ હોય તેમ તસ્કરો તરખાટ મચાવી રહ્યાં છે. ત્યારે વધુ એક ચોરીની ઘટના સામે આવતા લોકોમાં ફફડાટ મચી જવા પામેલ. થોડા દિવસ પહેલા પટેલ સોસાયટી વિસ્તારમાં તસ્કરોએ બંધ મકાનના તાળા તોડી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. ત્યા ફરી પાંચ દિવસમાં બીજી વખત શહેરના ગ્રીન પાર્ક સોસાયટીમાં તસ્કરોએ બંધ મકાનના તાળા તોડી રોકડ તથા સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી નાશી છુટ્યા હોય આ અંગે પોલીસે ફરીયાદની તજવિજ હાથ ધરેલ છે.
ઊના શહેરમાં સાંજણનગર સોસાયટી પાસે આવેલ ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા અશ્વિનભાઇ ગોરધનભાઇ ધાનકના માતાનું મૃત્યુ થયેલ હોય જેથી મૂળ કોડીનાર તાલુકાના મોરડીયા ગામે તા.૪ ફેબ્રુ.ના ગયેલ હતા. અને માતાની ઉતરક્રિયા માટેની સામગ્રી લેવા માટે ઉના આવતા ઘરે આંટો મારવા ગયેલ ત્યાં બંધ મકાનના તાળા તુટેલી હાલતમાં જોતા ચોરી ઉઠ્યા હતા.
રૂમમાં વેરવિખેર હાલતમાં પડેલ અને કબાટમાં રહેલા નાના બાળકના પહેરવાની ૨ લક્કી, ૪ પેન્ડલ, ૪ વીંટી, ૩ લેડીસ વિટી મોટી, ૨ લેડીસ લક્કી, ૨ ચેઇન, ૩ દાણા ૧ બુટી, ૧ જોડી ચાંદીના છડા, તેમજ અંદાજીત ૧૫ હજારની રોકડ રકમ સહીત કુલ કિ.રૂ. ૧ લાખથી વધુનો મુદામાલની ચોરી થઇ હતી.
આ અંગે અશ્વિનભાઇએ પોલીસમાં જાણ કરતા પોલીસે અજાણ્યા શખ્સો વિરૂધ તજવિજ હાથ ધરી તપાસ શરૂ કરી દીધેલ. આમ છેલ્લા ૨૦ દિવસમાં શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં તસ્કરો ત્રાટકી બંધ મકાનના તાળા તોડી રોકડ રકમ સોના-ચાંદીના દાગીનાની ચોરી થતા લોકોમાં ફફડટ મચી ગયેલ અને પોલીસનું રાત્રી દરમ્યાન સઘન પેટ્રોલીંગ થાઇ તેવી સ્થાનિક લોકોની માંગણી ઉઠવા પામેલ છે.