રાજકારણીઓને મોડે મોડે બ્રહ્મજ્ઞાન થયું !!
@હિંમતભાઈ ઠક્કર , ભાવનગર
ગુજરાતીમાં જે કામ મોડુ મોડું થાય તે માટે અનેક કહેવતો છે. ગોકળગાયની ગતિ આ શબ્દ વારંવાર વપરાતો શબ્દ છે. ખાસ કરીને વિલંબનીતિ માટે વપરાતો આ શબ્દપ્રયોગ છે. ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા એ શબ્દ તો મોડા મોડા લેવાતા પગલાં પછી ઉપયોગમાં લેવાતી કે કહેવાતી કાયમી કહેવત છે. પાણી પહેલા પાળ બાંધવાને બદલે આગ લાગે ત્યારે કૂવો ખોદવા નીકળ્યા તે કહેવતનો પણ અવારનવાર ઉપયોગ થાય છે. કોરોનાના વધેલા કહેર બાબતમાં આ તમામ કહેવતો બરાબર લાગુ પડે છે. કોરોનાના વધેલા કહેરના પગલે ઓક્સિજન, રેમડેસિવિર અને વેન્ટીલેટરની અછતના મામલે ઉહાપોહ થયા બાદ તે અંગેની વ્યવસ્થા કરવી તેને પણ આ કહેવત લાગુ પડે છે.
પહેલા બે પ્રકારની વેક્સીનની ખેરાત કર્યા બાદ – નિકાસ કર્યા બાદ તેના પર પ્રતિબંધ લાદવો અને વિદેશની વેક્સીનોની આયાત માટે મંજૂરી આપવી આ દ્વિચક્રીય ઘટનાને પણ આજ વાત લાગુ પડે. ઓક્સિજન પ્લાન્ટ નવા શરૂ કરવાના નિર્ણયને પણ આજ વાત લાગુ પડે. કોરોનાનો કહેર ૨૦૨૦ના પ્રારંભમાં પ્રવેશ્યો. જૂનમાં સંકેલાયો અને ઓકટોબર-નવેમ્બરમાં થોડીક ઝલક દેખાડી. આ સમયગાળામાં જાે હોસ્પિટલથી શરૂ કરીને આ બધી બાબતો અંગે બરાબર ધ્યાન આપ્યું હોત તો આ સ્થિતિ સર્જાત નહિ. પરંતુ ચાર રાજ્યોની ચૂંટણી પૂર્ણ થઈ અને બંગાળમાં મતદાન બાકી છે ત્યારે હવે પછીના તબક્કા એક સાથે યોજવાને બદલે તબક્કાઓ ચાલુ જ રાખ્યા તે તો ઠીક પણ હવે જાણે કે રાજકારણીઓને બ્રહ્મજ્ઞાન લાધ્યુ હોય તેમ એક પછી એક રાજકીય પક્ષોએ રેલીઓ રદ અગર તો રેલીઓમાં મર્યાદીત હાજરીવાળો નિર્ણય લઈ તેને અમલી બનાવ્યો.
બંગાળમાં છેલ્લા ૨૦ દિવસથી રોજ ૫૦૦૦થી વધુ કોરોનાના કેસો નોંધાય છે. પહેલા ચૂંટણીપંચ જાગ્યું પછી રાજકારણીઓની કૂંભકર્ણ નિદ્રા ઉડી. કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી કે જેઓ બંગાળ આવ્યા જ નહોતા તેમણે એક દિવસ ચૂંટણીપ્રચાર કર્યો ત્યાં ખ્યાલ આવ્યો એટલે તરત પોતાની તમામ પ્રચારરેલી રદ કરી નાખી. તે વખતે ઘણા ભાજપ ભક્તોએ એવી ટકોર કરી કે રાહુલ પ્રચાર કરે કે ન કરે કોંગ્રસને શું ફેર પડવાનો હતો ? જો કોઈ હોય તેને બચાવવાનું હોય, કોઈ હોય જ નહિ તેને શું બચાવવાનું હોય ?
ત્યારબાદ પગમાં ઈજા થયા બાદ પણ વ્હીચેરમાં બેસી પ. બંગાળના તમામ વિધાનસભા મતવિસ્તાર ખૂંદી વળનાર અને પશ્ચિમ બંગાળમાં વનમેન આર્મીની જેમ ભાજપની કેન્દ્રીય ફોજ સામે લડત આપી રહેલા દેશના એકમાત્ર મહિલા મુખ્યમંત્રી મમતા બેનરજીએ પણ પોતાની તમામ મોટી રેલીઓ રદ કરીને બંગાળના બે મુખ્ય હરીફો પૈકીના એકે નિષ્ણાંતો કહે છે તે પ્રમાણે મોટો માસ્ટર સ્ટ્રોક મારી લીધો. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપની પ્રચાર રેલી રદ ન કરી પરંતુ ૫૦૦ લોકો જ હાજર રહે તેવી વ્યવસ્થા ગોઠવી. બાકી લાઈવ પ્રસારણનો આશરો લીધો.
ઉત્તરાખંડમાં કુંભમેળો સમાપ્ત કરવા અખાડાના સાધુ સંતોને બે હાથ જાેડી વિનંતી કરનારા વડાપ્રધાને તે જ દિવસે પશ્ચિમ બંગાળમાં મોટી હાજરીવાળી રેલીને સંબોધી હતી અને તેના દૃશ્યો જાેતા એવું જ લાગે કે ત્યાં સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા છે. ત્યારબાદ હંમેશાં ૨૦૦ બેઠકો જીતવાનો દાવો કરનારા અમીત શાહે સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા હોય તેવા ત્રણ રોડ શો યોજી લીધા છે. હવે ડોર ટુ ડોર સંપર્કની વાત કરી છે. પરંતુ હવે પ્રચાર પુર્ણ થવા આડે માત્ર છ-સાત દિવસ જ બાકી છે.
આ બધાને શું કહેવું ? અગાઉ અહેવાલો કહે છે તે પ્રમાણેે આસામ, તમિલનાડુ અને પોંડિચેરીમાં પણ ચૂંટણી સમયગાળામાં અને ત્યારબાદ કોરોનાના કેસો વધ્યા જ છે પણ કેરળમાં તો મોટા પ્રમાણમાં કેસો વધતા તે આજના તબક્કે દેશના ટોપ-૧૦ રાજ્યોમાં છે. પશ્ચિમ બંગાળમાં પણ સ્થિતિ સારી તો નથી જ પણ કેસો વધવાની ગતિ ૩૦૦ ટકા કરતાં વધારે છે તે અખબારોના પાના પર ચમકી ચૂકેલી વાત છે. આ બધા રાજકીય પક્ષોના આવા મોડા મોડા લેવાયેલા નિર્ણયનો સીધો સાદો અર્થ એવો થાય કે રાજકારણીઓને મોડે મોડે બ્રહ્મજ્ઞાન લાધ્યું છે કે કોરોનાના કહેર વચ્ચે મોટી પ્રચારરેલીઓ ન કરાય. વચ્ર્યુઅલ રેલીનો વિકલ્પ છે. માસ્ક પહેરીને પાંચ પાંચ આગેવાનો (ઉમેદવાર સહિત) ડોર ટુ ડોર પ્રચાર કરી શક્યા હોત પરંતુ બંગાળમાં ટીએમસી અને ભાજપે બીજી બધી બાબતો કરતાં શક્તિ પ્રદર્શન પર વધારે જાેર આપ્યું પછી હવે ત્યાં અત્યંત નબળા પડેલા ડાબેરીઓ અને પતી ગયેલી પાર્ટી જેવી બની ગેયલી કોંગ્રેસને તો શું દોષ દેવો ? તેવું રાજકીય નિરીક્ષકો ખુલ્લેઆમ કહે છે.
ભારે કરી કોરોનાએ તો ! / રાજધાની દિલ્હી બાદ આ રાજ્યમાં પણ લાગુ પડશે એક અઠવાડિયાનું લોકડાઉન