પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજી પર બુધવારે (10 માર્ચે) ચૂંટણી પ્રચાર દરમિયાન નંદીગ્રામમાં થયેલા હુમલા પછી તૃણમૂલ કોંગ્રેસ આક્રમક છે. ગુરુવારે ટીએમસીના સાંસદ ડેરેક ઓ બ્રાયને ભારતીય જનતા પાર્ટી પર મોટો આરોપ મૂક્યો અને હુમલાની ક્રોનોલોજી સમજાવી.
ગુરુવારે પ્રેસ કોન્ફરન્સમાં ડેરેક કહ્યું કે મમતા બેનરજી પર કરવામાં આવેલો હુમલો એક ષડયંત્ર છે જે પુરી ક્રોનોલોજી સામે આવી છે તેનાથી સાબિત થાય છે.
ડેરેકે સમજાવી ક્રોનોલોજી…
ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયને કહ્યું કે 8 માર્ચે ભાજપના બંગાળ અધ્યક્ષે એક પોસ્ટ કરી હતી, જેમાં તેમણે મમતા બેનરજીને ઘાયલ થતા દર્શાવ્યા હતા. પછી 9 માર્ચે ચૂંટણીપંચે બંગાળના ડીજીપીને બદલી નાંખ્યા.
ડેરેકે લખ્યું કે 10 માર્ચે ભાજપના એક સાંસદે પાંચ વાગે કેટલીક પોસ્ટ કરી હતી કે સમજી જશો કે સાંજે શું થવાનું છે. પછી બુધવારે 6 વાગે નંદીગ્રામમાં મમતા બેનરજી ની સાથે દુર્ઘટના થઇ ગઇ.
ડેરેક ઓ બ્રાયને આરોપ લગાવ્યો કે મમતા બેનરજી પર જે હુમલો થયો, તેની કેટલીક મિનિટો પછી ખોટા આક્ષેપો કરવામાં આવ્યા. તમે ડૉક્ટરોને જઇને મમતાની હાલત જાણી શકો છો. ડેરેકે જણાવ્યું કે ઇલેક્શન કમિશનને જાણકારી છે કે તેમને અગાઉથી જ મમતા બેનરજી પર શંકા હતી. તો પછી તેમની સુરક્ષામાં ચૂક કેમ કરવામાં આવી. આવો હુમલો ચૂંટણીપંચ પરના વિશ્વાસને જ નબળો બનાવે છે.