શિક્ષક ભરતી કૌભાંડને લઈને વિવાદોમાં ઘેરાયેલા પશ્ચિમ બંગાળના મંત્રી પાર્થ ચેટરજીની મુશ્કેલીઓ વધવાની છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની તપાસનો સામનો કરી રહેલા ચેટર્જી વિરુદ્ધ તેમની પાર્ટી ટીએમસી પણ કોઈ પગલું ભરી શકે છે. પાર્થ ચેટરજીને કેબિનેટમાંથી હટાવવાની માંગણી તેજ થવા લાગી છે.
અત્યાર સુધી માત્ર વિપક્ષી પાર્ટીઓ જ પાર્થ ચેટરજીને કેબિનેટમાંથી હટાવવાની માંગ કરી રહી હતી, પરંતુ હવે પાર્ટીની અંદર પણ આ માંગ ઉઠવા લાગી છે. ટીએમસીના પ્રવક્તા કુણાલ ઘોષે પાર્થ ચેટરજીને કેબિનેટ મંત્રી અને તમામ પક્ષના હોદ્દા પરથી તાત્કાલિક હટાવવાની માંગ કરી છે.
ટીએમએસના પ્રવક્તા કુણાલ ઘોષે આ માંગણી કરી છે
શિક્ષક ભરતી કૌભાંડ મામલે EDની તપાસમાં ઘેરાયેલા પાર્થ ચેટર્જી વિરુદ્ધ તેમના જ પક્ષમાં બળવો શરૂ થઈ ગયો છે. ટીએમસીના પ્રવક્તા કુણાલ ઘોષે કહ્યું કે પાર્થ ચેટરજીને તાત્કાલિક મંત્રાલય અને પાર્ટીના તમામ હોદ્દા પરથી હટાવી દેવા જોઈએ. તેમણે ચેટરજીને તાત્કાલિક પાર્ટીમાંથી હાંકી કાઢવાની માંગ કરી છે. કુણાલ ઘોષે પોતાની માંગ પર ભાર મુકતા કહ્યું કે જો પાર્ટીને લાગે છે કે તેમનું નિવેદન ખોટું છે તો પાર્ટી તેમને હટાવી શકે છે. તેમણે કહ્યું કે તેઓ હંમેશા ટીએમસીના સૈનિક રહેશે.
અર્પિતાના ઘરેથી લગભગ 29 કરોડની રોકડ મળી
જણાવી દઈએ કે, 27 જુલાઈ, બુધવારના રોજ પાર્થ ચેટરજીની નજીકની અર્પિતા મુખર્જીના પરિસરમાંથી કુલ 28 કરોડ 90 લાખ રૂપિયા અને 5 કિલો સોનું મળી આવ્યું હતું. અર્પિતાએ આ તમામ પૈસા તેના બેલઘરિયાના ફ્લેટના ટોયલેટમાં છુપાવી દીધા હતા. પાંચ દિવસ પહેલા EDએ અર્પિતાના ફ્લેટમાંથી 21 કરોડ રૂપિયા રોકડા રિકવર કર્યા હતા. જે બાદ 23 જુલાઈના રોજ અર્પિતાની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: યુપી, બિહાર, દિલ્હી સહિત આ રાજ્યોમાં આજે ફરી વરસાદ, જાણો કેવું રહેશે હવામાન