ઝાલોદ
અક્ષય કુમારની હીટ ગયેલી ફિલ્મ ટોઇલેટ એક પ્રેમકથાની સ્ક્રીપ્ટ જેવો જ સીન ગુજરાતના એક ગામમાં ભજવાયો હતો.ઝાલોદમાં એક પરિણીતાએ ઘરમાં શૌચાલય નહીં હોવાને કારણે બે સંતાનો સહિત પીયરની વાટ પકડી હતી.
નામ નહીં આપવાની શરતે આ પરિણીતા કહે છે કે મારા લગ્ન બાદ અમારા ઘરનું શૌચાલય પાલિકાએ તોડી પાડ્યું હતું.એ પછી ઘરની મહિલાઓએ ટોઇલેટ જવામાં ઘણી તકલીફો પડતી હતી.અમારે ખુલ્લામાં ટોઇલેટ જવું પડતું હતું.આ તકલીફ વિશે મેં મારા પતિનું પણ વારંવાર ધ્યાન દોર્યું હતું પણ તેનું પરિણામ ના આવતા મેં સાસરૂ છોડવાનો નિર્ણય કર્યો છે.
ઝાલોદના ભાવપુરા ગામના જ એક યુવાન જોડે રાજપૂર ગામની યુવતીના લગ્ન બે વર્ષ અગાઉ થયા હતા. આ યુગલને સંતાનમાં એક વર્ષની દીકરી અને ત્રણ મહિનાનો દિકરો છે. સુખેથી ચાલી રહેલા આ સંસારમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે, નગર પાલિકા દ્વારા બનાવવામાં આવેલું શૌચાલય તોડી પડાતા ઘરના તમામ સભ્યોને શૌચક્રીયા માટે ખુલ્લામાં જવાની ફરજ પડી હતી.
છેલ્લા બે માસથી પીયરમાં રહેતી યુવતીએ શૌચાલયના બને ત્યાં સુધી સાસરીમાં જવાનો ઇન્કાર કરી દીધો હતો.જોવાની વાત એ છે કે આ પરિણીતાની જીદને તેના પિયરવાળાએ પણ સપોર્ટ કર્યો છે.