ગુજરાતમાં દિવસેને દિવસે તમામ ક્ષેત્રોમાં વિકાસ થવાની સાથે સાથે રોડ અને રસ્તા સારા બની રહ્યા છે અને લોકો પોતાના વ્હીકલને સ્પીડ સાથે ચલાવી શકે છે, પરંતુ બીજી બાજુ આ વિકાસની સાથે સાથે હવે રાજ્યમાં અકસ્માતની વણઝારો લાગી છે, જેમાં મોટી સંખ્યામાં લોકો પોતાના જીવ ગુમાવે છે.
આ વચ્ચે હવે ડાયમંડ સીટી સુરતમાંથી એક ગમખ્વાર અકસ્માતની એક ઘટના સામે આવી છે. સુરતમાં પુરઝડપે આવી રહેલી એક કારે બાઇક સવાર પરિવારને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં ત્રણ વર્ષની માસૂમ 20 ફૂટ હવામાં ઉછરી ઝાડ સાથે અથડાતા ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે બાળકીના માતા પિતા રોડ પર પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
મળતા અહેવાલો મુજબ, કામરેજ તાલુકાનાં વિહાણ શામપુરા માર્ગ પર કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા રોંગ સાઈડ પર જઈ સામેથી મોટરસાયકલ પર આવતા પરિવારને અડફેટે લીધો હતો અકસ્માત એટલો ભયાનક હતો કે મોટરસાયકલ પર આગળ બેસેલ 3 વર્ષની બાળકી 20 ફૂટ જેટલી ઉપર ઉછળી ઝાડની ડાળીઓમાં ફસાઈ જતાં બાળકીનું કમકમાટી ભર્યું મોત થયું હતું. આ ઘટનાને લઈ સમગ્ર પંથકમાં અરેરારી વ્યાપી ગઈ છે.
આ અકસ્માત સર્જનાર કાર ચાલકની ઓળખ કૌશિક વાઘાણી તરીકે થઈ છે. જે એક મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યો હતો. ડ્રાઈવરના જણાવ્યા મુજબ, તેની કારનું સ્ટીયરિંગ લૉક થઈ ગયુ હતુ અને કાર રોંગ સાઈડમાં જઈને બાઈક સાથે અથડાઈ હતી.
સ્થાનિક લોકોએ બાળકીને ઝાડ પરથી નીચે ઉતારી, પરંતુ ગંભીર રીતે ઘવાઈ હોવાના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બાળકીના માતા-પિતા અને તેની નાની બહેનને ગંભીર રીતે ઈજા થતાં તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને કાર ચાલકની ધરપકડ કરી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…