Not Set/ બહાર વસતા ગુજરાતીઓને વતન વિકાસ માટે સહયોગ આપવા અપીલ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ

વિકાસ કામોના ખાતમુહૂર્ત, લોકાર્પણ તથા આવાસ ફાળવણી ડ્રો કાર્યક્રમ આજરોજ સવારે ૦૯:૪૫ કલાકે પૂ.પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, કેન્દ્રના સડક પરિવહન રાજમાર્ગ મંત્રાલયના મંત્રી નીતિનભાઈ ગડકરી, નવસારીના સાંસદ સી.આર.પાટીલ, રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, રાજ્યના ચીફ સેક્રેટરી અનિલ મુકીમ તથા રાજ્યના પ્રિન્સિપાલ સેક્રેટરી કે.કૈલાસનાથનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો.

Top Stories Gujarat
vikas divas rajkot બહાર વસતા ગુજરાતીઓને વતન વિકાસ માટે સહયોગ આપવા અપીલ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ

રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષની ઉજવણી (સેવાયજ્ઞ) અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “વિકાસ દિવસ” અંતર્ગત જુદા જુદા વિકાસ કામોના ખાતમુહૂર્ત, લોકાર્પણ તથા આવાસ ફાળવણી ડ્રો કાર્યક્રમ આજરોજ સવારે ૦૯:૪૫ કલાકે પૂ.પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, કેન્દ્રના સડક પરિવહન રાજમાર્ગ મંત્રાલયના મંત્રી નીતિનભાઈ ગડકરી, નવસારીના સાંસદ સી.આર.પાટીલ, રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, રાજ્યના ચીફ સેક્રેટરી અનિલ મુકીમ તથા રાજ્યના પ્રિન્સિપાલ સેક્રેટરી કે.કૈલાસનાથનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો.

કાર્યક્રમનું દિપ પ્રાગટય ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઈ ભંડેરીના હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડૉ.પ્રદિપ ડવ ઉપસ્થિત રહ્યા

આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની જોડીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જનકલ્યાણ નીતિ અનુસાર વિકાસ પ્રક્રિયા આગળ ધપાવી છે તે માટે તેમણે અભિનંદન આપું છુ. કોરોનાકાળમાં જયારે વિશ્વમાં વિકાસકામો થંભી ગયા હતા ત્યારે ગુજરાતે વણથંભી વિકાસયાત્રા ચાલુ રાખી હતી અને તેથી જ આજે રૂ.૩૩૨૨ કરોડના વિકાસકામો લોકાર્પણ અને રૂ.૧૯૬૧ કરોડના વિકાસકામોના ખાતમુહુર્ત થયા છે.

વતનપ્રેમ યોજના અંતર્ગત વિદેશમાં તથા ગુજરાત બહાર વસતા તમામ ગુજરાતીઓને ગુજરાત સાથે જોડવાની એક સુંદર યોજના અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજનામાં ગુજરાત સરકાર ૪૦% રકમ ફાળવશે. તો મારી દુનિયાભરમાં વસતા ગુજરાતીઓને આ યોજનામાં જોડાઈ માતૃભૂમિના વિકાસમાં સાથસહકાર આપવા અપીલ છે. આજરોજ રાજ્યમાં ૨૫,૦૦૦ આવાસો લોકાર્પણ કરવામાં આવ્યા છે અને બીજા ૪૫,૦૦૦ આવાસો માટે ખાતમુહુર્ત કરવામાં આવ્યા છે. સને ૨૦૨૨ સુધીં ઘર વિહોણા લોકોને ઘર મળી તેવું નરેન્દ્રભાઈનુ સ્વપન સાકાર થવા જઈ રહ્યું છે.

કોઈપણ રાજ્યમાં મજબુત રોડ નેટવર્ક વિકાસની પારાશીશી છે. ગુજરાતમાં મજબુત રોડ નેટવર્ક માટે ગડકરીજીને અભિનંદન આપું છું અને આભાર માનું છું. રાજ્યમાં પાણી પુરવઠા માટે ટેન્કરરાજ હવે ભૂતકાળ બની ગયું છે. સૌની યોજના માટે ૧૮૦૦ એમ.એમ.ની પાઈપલાઈન નાખવામાં આવી ત્યારે વિપક્ષો હસી ઉડાવતા હતા કે તેમાંથી હવા નીકળશે. પરંતુ હવે તેમાંથી ફક્ત પાણીના ધોધ જ વહે છે. રાજ્યએ હાલ કોરોનાની ૨ લહેર પાર કરી છે. ગુજરાત સૌથી વેકસીનેશન કરાવ્યું છે. તાજેતરમાં પ્રધાનમંત્રીએ ગરીબોને મફત અન્ન વિતરણ કરવાની યોજના અમલમાં મુકાવી છે. તે અંતર્ગત ગરીબોને દિવાળી સુધી માથાદીઠ ૫ કિગ્રા અનાજ વિનામુલ્યે વિતરણ કરવામાં આવશે. જે માટે રૂ.૮૦,૦૦૦ કરોડનો ખર્ચ થનાર છે. તેમ અમિતભાઈ શાહે જણાવ્યું હતું.

સત્તા એ જનસેવાનું માધ્યમ છે, સત્તા ભોગવવા માટે નહિ. અમારી સહકાર આ મંત્રને વરેલી છે: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જણાવે છે કે, સરકારના ૦૫ વર્ષની ઉજવણી નહિ પરંતુ, જનકાર્યનો સેવા યજ્ઞ છે. આજે એક મંચ પરથી એકસાથે ખાતમુહુર્ત અને લોકાર્પણ કરાયેલ છે. મુખ્યમંત્રી તરીકે શપથ લીધા પછી દેશના નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત માટે વિકાસનીતિને પ્રસ્થાપિત કરેલ છે. તે પથ પર રાજ્યના વિકાસમાં અમો આગળ ધપી રહ્યા છીએ. ગુજરાત દેશનું રોલમોડલ બની રહ્યું છે. ગુજરાત સરકારે ૪ સ્થંભ જેવા કે, પારદર્શક, સંવેદનશીલ, નિર્ણાયક અને પ્રગતિશીલ સરકારને અનુસરી વિકાસની ગતિ આગળ વધારી રહ્યા છીએ. જેમ વિક્રમાદિત્યએ તપોબળથી સિંહાસનને જનકલ્યાણકારી બનાવેલ. એવી જ રીતે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના સિંહાસનને પણ તપોબળ દ્વારા જનસેવામાં સમર્પિત કર્યું હતું. એ જ દિશામાં, અમારી સરકાર આગળ વધી રહી છે.

વિશેષમાં, મુખ્યમંત્રીએ જણાવેલ કે, પ્રધાનમંત્રીએ નર્મદાનો પ્રશ્ન ઉકેલીને ગુજરાતના વિકાસ દ્વ્રારો ખોલ્યા છે ત્યારે રાજ્ય સરકાર ખેડૂતો, આદિવાસીઓ, બેરોજગારો, સાગરખેડુ વિકાસ, વનબંધુ યોજના-૨, સોલાર, ટુરીઝમ, અનેક ક્ષેત્રે ગુજરાતને અગ્રેસર બનાવ્યું છે. દેશના દરિયા કિનારે વસતા સાગરખેડુઓ વિકાસ અને ઉથ્થાન માટે રૂ.૫૦,૦૦૦ કરોડ અને વનવાસીઓના વિકાસ અને ઉથ્થાન માટે રૂ.,૧,૦૦,૦૦૦ કરોડની વનબંધુ યોજનાની અમલવારી ચાલુ કરવામાં આવી છે.

કચ્છમાં ૩૦ હજાર મેગા વોટનો એનર્જી પાર્ક બનાવવાની કામગીરી ચાલુ છે જે ૨૦૩૦ સુધીમાં પૂર્ણ થતા તે દુનિયાનો સૌથી મોટો ગ્રીન એનર્જી પાર્ક કાર્યરત થશે. કેવડીયા ખાતે વર્લ્ડ ટુરીઝમ ક્ષેત્રે અનેરું સ્થાન પામે તેવા સ્ટેચ્યુ ઓફ યુનીટીની રોજ ૪૦,૦૦૦ પ્રવાસીઓ મુલકાત લે છે. દ્વારકા પાસે શિવરાજપુર બીચનું પણ ડેવલોપમેન્ટ થઇ રહ્યું છે. તો ધોલપુર, ચાંપાનેર વગેરે વર્લ્ડ હેરીટેજમાં સ્થાન પામ્યા છે. દસેય દિશામાં વિકાસ થઇ રહ્યો છે. અમોએ સતાને સેવાનું સાધન માન્યું છે, ભોગવવાનું નહિ. અને તેના કારણે જ, છેલ્લા ૦૫ વર્ષમાં રાજ્યનો હેપીનેશ ઇન્ડેક્સ ખૂબ ઉંચો ગયો છે.

ગુજરાતને રાજકોટ-જેતપુર સિક્સ લેન હાઈવે, એક્સપ્રેસ વે, ફોર લેન હાઈવે તેમજ નવા બ્રિજની કેન્દ્રએ મંજુરી આપી છે: કેન્દ્રના સડક પરિવહન રાજમાર્ગ મંત્રાલયના મંત્રી નીતિનભાઈ ગડકરી

આ પ્રસંગે પોતાના વર્ચ્યુઅલ ઉદ્બોદનમાં કેન્દ્રના સડક પરિવહન રાજમાર્ગ મંત્રાલયના મંત્રી નીતિનભાઈ ગડકરીએ જણાવ્યું હતું કે, સૌ પ્રથમ તો રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને ખૂબ ખૂબ અભિનંદન આપું છુ. માન.નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા અત્યારે તેમણે રાજ્યને પ્રગતિશીલ બનાવ્યું હતું, હવે રાજ્ય સમૃદ્ધ બનવા તરફ ગતિ કરી રહ્યું છે. રાજ્યના રાજકોટ-જેતપુર હાઈવે સિક્સ લેન બનશે. એક્સપ્રેસ ગુજરાતના ૭ જીલ્લામાંથી પસાર થશે અને તેમાં પછાત એવો આદિવાસી એરિયા પણ કવર થશે જેના કારણે તે એરિયાની પ્રગતિના દ્વાર ખુલશે. દેશભરમાં અમેરિકાના સ્ટાન્ડર્ડના રોડ બનવાનો નિર્ધાર કર્યો છે. અગાઉની સરકારના વખતમાં દરરોજ ૨.૦ કિમીના રોડ બનવાનું કામ હાથ ધરાતું પરંતુ હવે ૩૮ કિમીના કામ પુરા થાય છે.

રાજ્ય સરકારે શિક્ષણ, કૃષિ, વીજળી, રસ્તા, રોજગાર, બંદરોનો વિકાસ, ટુરીઝમ સહિતના વિવિધ ક્ષેત્રે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ૦૫ વર્ષમાં વિકાસમાં હરણફાળ ભરેલ છે : ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઈ ભંડેરી

ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઈ ભંડેરીએ પ્રાસંગિક ઉદ્બોધનમાં કહ્યું હતું કે, માન.વડાપ્રધાનશ્રીના સ્વપ્ન “સૌને ઘર”ને સિધ્ધ કરવાના હેતુ માટે ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા “પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ)” તા.૨૦/૧૧/૨૦૧૬થી અમલમાં મુકવામાં આવેલ છે.આ યોજનાના અમલથી રાજ્યના ગ્રામ્ય વિસ્તારના તમામ ઘરવિહોણા અને કાચું આવાસ ધરાવતા કુટુંબોને ૨૦૨૨ સુધીમાં “પોતાના સ્વપ્નનું ઘર” મળી રહે તેમજ તેઓનું જીવનધોરણ ઊંચુ લાવવાનો રાજ્ય સરકારનો દ્રઢ નિર્ધાર છે. આ યોજના અંતર્ગત લાભાર્થીઓને મકાન બાંધકામ માટે રૂા.૧,૨૦,૦૦૦/-ની સહાય સાથે લાભાર્થીને તેના પોતાના મકાન બાંધવા માટે મળતી બીજી વધારાની સહાય મળીને કુલ રૂા.૧,૫૨,૧૬૦/- ની સહાય આપવામાં આવે છે.

મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રાજ્યના ૩૪૦૦૦ થી વધુ ગામો પરાઓને કુલ રૂા.૧૭,૧૯૬ કરોડની રકમના પ૩,૨૫૦ કિ.મી. લંબાઇના ૨૦,૪૮૬ રસ્તાઓના કામોને મંજુરી આપેલ છે.ગુજરાત સરકાર દ્વારા સિંચાઇ સુવિધા વધારવા, સિંચાઇમાં પડતી તકલીફો દુર કરવા માટે તથા હયાત સિંચાઇ સુવિધાના સુદ્રઢીકરણ માટે છેલ્લા પાંચ વર્ષમાં સમગ્ર રાજ્યમાં વિવિધ કામગીરીઓ હાથ ધરેલ છે. જેમાં જળસંચયના કામો માટે સુજલામ સુફલામ જળ અભિયાન, આદિજાતિ વિસ્તારોમાં વનબંધુ કલ્યાણ યોજના અને મોટી ઉદવહન સિંચાઇ યોજનાઓ, નર્મદાના વધારાના પૂરના પાણીથી ઉત્તર ગુજરાત વિસ્તાર માટે સુજલામ સુફલામ યોજના અને સૌરાષ્ટ્ર વિસ્તારના જળાશયો ભરવા માટેની સૌની યોજના તેમ જ સિંચાઇ યોજનાના હયાત કેનાલ માળખાના આધુનિકરણ અને સુધારણા માટે વિવિધ યોજનાઓ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ક્ષાર પ્રવેશતો અટકાવવા માટેના તથા દરિયાઇ ધોવાણ ઘટાડવા માટેના કુલ રૂા.૨૦,૯૦૦ કરોડના કામો હાથ ધરેલ છે.

રાજ્યમાં જુદા જુદા વિસ્તારમાં સિંચાઇના પાણીની સમસ્યા હળવી કરવા માટે જુદા જુદા તળાવો જોડવા તથા પાઈપલાઈન નાખવાની કામગીરી રૂ.૧૧૬૧ કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવી છે. છેલ્લા ૦૫ વર્ષમાં પીવાના પાણીની યોજના માટે પાણી પુરવઠા વિભાગ હસ્તક રૂ.૨૧૭૬૧ કરોડના કામોની મંજુરી આપવામાં આવી છે. તેમજ અંદાજે ૩૧૨૭ બોર, ૪૧૫૭૫ હેન્ડપંપ અને ૨૯૬૭૭ મીની પાઈપલાઈન યોજના કરવામાં આવેલી છે. પીવાના પાણીનો અનાધિકૃત ઉપયોગ અટકાવવા માટે “ધ ગુજરાત ડોમેસ્ટિક વોટર સપ્લાય(પ્રોટેક્શન) એક્ટ-૨૦૧૯” કાયદો લાવવામાં આવેલ છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કુલ ૭.૬૪ લાખ આવાસોના લક્ષ્યાંક સામે કુલ ૭.૮૫ જેટલા આવાસો મંજુર કરવામાં આવેલ છે. આ આવાસો માટે કેન્દ્ર સરકાર દ્વારા કુલ રૂ.૧૯૮૪.૧૯ કરોડ તથા રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ.૧૫૬૩.૭૯ કરોડની માતબર રકમની સહાય આપવામાં આવેલ છે. જેનો ૪.૭૧ લાખ લાભાર્થીઓએ લાભ લીધેલ છે. રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા ૦૫ વર્ષમાં કુલ ૩૯ ફ્લાયઓવર માટે રૂ.૧૯૧૩ કરોડ મંજુર કરવામાં આવેલ છે.

રોજગાર અને તાલીમ માટે છેલ્લા ૦૫ વર્ષમાં રાજ્યની ૭૪ આઈ.ટી.આઈ. માટે રૂ.૬૨૭ કરોડના ખર્ચે નવા મકાનો બાંધવામાં આવેલ છે. જાહેર પરિવહનની સુવિધા પૂરી પાડવા માટે દૈનિક ૮૩૦૦ બસ દ્વારા ૪૪,૨૬૮ ટ્રીપથી દૈનિક ૨૫ લાખ મુસાફરોને પરિવહનની સુવિધા આપવામાં આવે છે. લોકોને એરપોર્ટ જવા બસ સ્ટેશન મળી રહે તે માટે પ્રથમ તબ્બકામાં રૂ.૪૮૮ કરોડના ખર્ચે ૦૬ બસ સ્ટેશનોની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. અને હાલ બીજા તબક્કામાં રૂ.૬૭૭ કરોડના ખર્ચે ૦૯ બસ સ્ટેશનોની કામગીરી હાલ ચાલુ છે.

રાજ્યના પંચાયત વિભાગ દ્વારા જિલ્લા અને તાલુકા પંચાયતોની કચેરીના નવા મકાનો બનાવવા માટે રૂ.૬૭૩ કરોડનું અનુદાન મંજુર કરવામાં આવેલ છે. જેમાંથી જીલ્લા પંચાયતના ૧૩ મકાનો તથા તાલુકા પંચાયતના ૧૨૯ મકાનો નવા બનાવવાની કામગીરી ચાલુ છે.
રાજ્યના ઉર્જા વિભાગ દ્વારા ખેડૂતોને લો-વોલ્ટેજ કે વીજ વિક્ષેપથી પરેશાન ન થવું પડે તે માટે છેલ્લા ૦૮ વર્ષમાં નવા ૩૩૦૦થી વધુ ખેતીવાડી ફીડરો ઊભા કરવામાં આવેલ છે. તેમજ લગભગ ૦૧ લાખથી વધુ નવા ખેતીવાડી વીજ જોડાણો આપવામાં આવેલ છે. કિશાન સૂર્યોદય યોજના ૦૩ વર્ષમાં પૂરી કરવા માટે રૂ.૩૫૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.

માન.પ્રધાનમંત્રીના  હસ્તે તા.૨૪/૧૦/૨૦૨૦ના રોજ આ યોજનાના પ્રારંભિક તબક્કાનું લોકાર્પણ કરેલ છે. ત્યારથી ગીર-સોમનાથ જિલ્લાના ૧૪૩ ગામ, જુનાગઢ જિલ્લાના ૨૨૦ ગામ તથા દાહોદ જિલ્લાના ૬૯૨ ગામ એમ કુલ ૧૦૫૫ ગામ આ યોજના હેઠળ દિવસ દરમિયાન પાવર ચાલુ કરી દેવામાં આવેલ છે. ત્યારબાદ માન.મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે જાન્યુઆરી-૨૦૨૧માં આ યોજનાના બીજા તબક્કાનો શુભારંભ કરી રાજયના ૨૭ જિલ્લાના ૧૬૮ તાલુકાના કુલ ૨૮૬૦ ગામમાં આ યોજના હેઠળ દિવસ દરમિયાન પાવર ચાલુ કરી દેવામાં આવેલ છે.

તા.૦૫/૦૮/૨૦૨૧ થી યોજનાના ત્રીજા તબક્કામાં વધુ ૧૫૦૧ ગામોમાં દિવસે વીજળી આપવાનું શરૂ કરવામાં આવેલ છે. તા.૧૫/૧૨/૨૦૨૦ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કચ્છ જીલ્લાના વીઘાકોટ બીએસએફ પોસ્ટ પાસે વિશ્વનો સૌથી મોટો ૩૦૦૦૦ મેગાવોટનો વિન્ડ સોલાર હાઇબ્રીડ પાર્કનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે જે આવનાર ૧૦ વર્ષમાં સંપૂર્ણ રીતે કાર્યાન્વિત કરવામાં આવશે. આ વિન્ડ સોલાર પાર્કના કારણે રાજયમાં અંદાજે રૂ.૧,૫૦,૦૦૦ કરોડ ઉપરાંત રોકાણ થવાને કારણે રોજગારના અનેક નવા અવસર ઊભા થશે. તેમ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષશ્રી ધનસુખભાઈ ભંડેરીએ અંતમાં જણાવેલ.

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલએ વર્ચ્યુઅલ લોકાર્પણ , ખાતમુહૂર્ત પ્રસંગમાં સૌનું સ્વાગત કર્તા એમ જણાવેલ કે, વડાપ્રધાન દ્વારા “સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ” સુત્રને ધ્યાન રાખી, દેશની વિકાસ યાત્રા આગળ ધપાવાવમાં આવે છે.

ગુજરાત સરકાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ વિકાસપથ પર કુચ કરવામાં આવી રહી છે. હાલના ગુજરાતનો વિકાસ એ માત્ર મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી કે સરકારની જ નહિ પરંતુ, દેશના વડાપ્રધાન, ગૃહમંત્રી, પક્ષપ્રમુખ સહીત રાજ્યની ૬.૩૦ કરોડની જનતાની સફળતા છે. ગુજરાત એ દેશનું ગ્રોથ એન્જીન છે. ૫ વર્ષમાં સારો નરસો સમય આવ્યો. કોરોનાનો કપરો કાળ જોયો. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કોર ગ્રુપ દ્વારા રોજેરોજ રાજ્યને માર્ગદર્શન મળતું રહ્યું છે. ૧૯૯૦માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યો. આજે ૩૦ વર્ષથી વધુ સમય થયા અને અનુભવે એમ કહું છુ કે, રાજ્યના વિકાસની સાથોસાથ રાજકીય સ્થિરતા પણ જરૂરી છે અને ભારતીય જનતા પક્ષે એ આપી છે. રાજ્યના સર્વાંગી વિકાસ માટે ભારતીય જનતા પાર્ટી સરકારે કામ કર્યું છે. ગુજરાતને ઉત્તમમાંથી સર્વોત્તમ બનાવ્યું છે.

પ્રાસંગિક પ્રવચનમાં મેયર ડૉ.પ્રદિપ ડવએ જણાવેલ કે, રાજ્ય સરકારે ૦૫ વર્ષના સેવાયજ્ઞમાં લોકોની સમસ્યા ઉકેલવામાં તેમજ રાજ્યના વિકાસને વેગ આપવાનો ભગીરથ પ્રયાસ કર્યો છે.

રાજ્ય સરકારનો મુખ્ય એજન્ડા વિકાસ છે. તે પથ પર રાજકોટ શહેરનો પણ વિકાસ પૂરપાટ ચાલી રહેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૨૫૦૦૦થી વધુ આવસો સોપી ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરેલ છે. આજે ૧૨૭૬ આવાસો લાભાર્થીદીઠ ફક્ત ૫.૫ લાખમાં લાભાર્થીઓને મળવાના છે.

રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ વિકાસકામો જેવા કે, વોર્ડ નં.૦૩માં સંતોષીનગર મેઈન રોડ પર જી.એસ.બી.તથા ડામર કરવાનું કામ, વોર્ડ નં.૦૪માં ડ્રેનેજ કામ તથા ડી.આઈ.પાઈપલાઈન કામ, વોર્ડ નં.૦૮માં જુદા જુદા વિસ્તારમાં પેવિંગ બ્લોકનું કામ, વોર્ડ નં.૧૦માં જુના યુનિવર્સીટી રોડ પ્રેમ મંદિરથી યુનિવર્સીટી ગેઈટ તેમજ વૃંદાવન સોસાયટી મેઈન રોડથી મોકાજી સર્કલ સુધી રસ્તાના સાઈડ સોલ્ડરમાં યુટીલીટી ડક્ટ લગાડવાનું કામ, વોર્ડ નં.૧૧માં બેકબોન પાર્ક મેઈન રોડ અને આંતરિક રસ્તાઓમાં તેમજ કસ્તુરી કાસા હાઈરાઈઝ પાસેના ટી.પી. રોડ પર રસ્તાની સાઈડમાં પેવિંગ બ્લોક લગાડવાનું કામ સહિતના રૂ.૧૩.૨૧ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવેલ.

આ ઉપરાંત વોર્ડ નં.૦૪માં જુદા જુદા ટી.પી.રોડ, રાજકોટ ગ્રીટ મર્ચન્ટ ઇન્ડસ્ટ્રીયલ એરિયા, પંચવટી સોસાયટીમાં મેટલીંગ કરવાનું, વોર્ડ નં.૦૭માં લક્ષ્મીનગર નાલાથી ટાગોર રોડને જોડતા એપ્રોચ રોડને પહોળો કરવાનું કામ, વોર્ડ નં.૧૧માં સ્પીડવેલ ચોકથી નવા ૧૫૦ ફૂટ રીંગ રોડ સુધીના ૨૪મી. ટીપી. રોડને ડેવલોપ કરવાનું કામ, ટી.પી.૨૭-૨૮ના ૧૮મી. ટીપી. રોડને ડેવલોપ કરવાનું કામ તથા વોર્ડ નં.૧૮ના સોલવન્ટ વિસ્તારના જુદા જુદા રોડ પર મેટલીંગ કરવાના રૂ.૧૦.૩૭ કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવેલ. આમ, કુલ રૂ.૨૩.૫૮ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત થયું. તેમજ વોર્ડ નં.૦૪માં મોરબી રોડ પર ટીપી સ્કીમ નં.૧૩ના વિસ્તારમાં મહિલા ગાર્ડન તથા થીમ પાર્ક ગાર્ડન વિકસિત કરી ૦૩ વર્ષ નિભાવની કરવાનું રૂ.૬૩ લાખથી વધુ ખર્ચના કામનું ખાતમુહુર્ત કરવામાં આવેલ છે.

આ ઉપરાંત, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્માણ પામી રહેલ EWS-2ના ૧૨૭૬ આવાસોના ફાળવણી ડ્રો ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષશ્રી ધનસુખભાઈ ભંડેરીના  હસ્તે કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે મેયર ડૉ.પ્રદિપ ડવ, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા દ્વારા પુષ્પગુચ્છ આપી ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઈ ભંડેરીનું સ્વાગત કરવામાં આવેલ હતું. તેમજ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા દ્વારા ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષશ્રી ધનસુખભાઈ ભંડેરીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ.આ પ્રંસગે શાબ્દિક સ્વાગત પ્રવચન વોટર વર્કસ કમિટી ચેરમેન દેવાંગભાઈ માંકડએ કરેલ હતું. તેમજ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ કાર્યક્રમની રૂપરેખા આપેલ હતી. જયારે ડ્રેનેજ સમિતિ ચેરમેન હિરેનભાઈ ખીમાણીયા તથા બાગબગીચા અને ઝૂ સમિતિ ચેરમેન અનિતાબેન ગોસ્વામી દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવોનું પુષ્પગુચ્છ તથા પુસ્તક અર્પણ કરી સ્વાગત કરવામાં આવેલ. કાર્યક્રમના અંતમાં બાંધકામ સમિતિના ચેરમેન કેતનભાઈ પટેલે આભારવિધિ કરી હતી.

majboor str 1 બહાર વસતા ગુજરાતીઓને વતન વિકાસ માટે સહયોગ આપવા અપીલ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ