ગાંધીનગરઃ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024માં કેન્દ્રીય માર્ગપરિવહન પ્રધાન નીતિન ગડકરીએ બીજા દિવસે હાજરી આપી હતી. તેમણે આ સેમિનારમાં ઇલેક્ટ્રોનિક વ્હીકલ (ઇવી) પર ખાસ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ભારતને 2070 સુધીમાં નેટ ઝીરો કરવાનું લક્ષ્યાંક છે, પરંતુ તેના કરતાં વહેલા થઈ શકે તો વધારે સારું. તેમણે જમાવ્યું હતું કે ઇલેક્ટ્રિક વાહનોના સથવારે ભારતનો વિકાસ પણ ઇલેક્ટ્રિફાઇડ થશે.
તેમણે જણાવ્યું હતું કે ઓટોમોબાઇલ સેક્ટરમાં આપણે સાત નંબર પર હતા અને આજે હવે વિશ્વમાં ત્રીજા નંબરે આવ્યા છે. વાહનોના વેચાણના આંકડા રોજબરોજ વધતા જાય છે. ગયા વર્ષે વાહનોનું કુલ વેચાણ પહેલી વખત વાર્ષિક ધોરણે 40 લાખના આંકડાને વટાવી ગયું છે. લક્ઝરી વાહનોનું અને સ્પોર્ટસ યુટિલિટિ વ્હીકલ અને એમયુવી બધાની માંગ વધી છે. આ દર્શાવે છે કે ભારત ઓટોમોબાઇલ ઉત્પાદકો માટે કેટલું મોટું બજાર છે.
ઇલેક્ટ્રિક વાહનો બનાવવાનું શરૂ કરનારા બધા ઉત્પાદકો ફાયદામાં રહ્યા છે. તેઓને કોઈપણ પ્રકારનું નુકસાન ગયું નથી. દેશમાં 25 લાખ કરોડના ઓટોમોબાઇલનો લક્ષ્યાંક આપણે પૂરો કરવાનો છે. પર્યાવરણના પ્રદૂષણમાં 40 ટકા હિસ્સો વાહનોના લીધે છે. હવે ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન દ્વારા આ હિસ્સો આપણે ઘટાડવાનો છે. તેમણે જણાવ્યું હતું કે ટુ વ્હીલરથી લઈ થ્રી વ્હીલર, ફોર વ્હીલર, લક્ઝરી બસથી લઈને મોટી ટ્રક અને ટેન્કર સુદ્ધા પણ ઇવી હોવા જોઈએ.
સોલર પાવર તે ફક્ત ભારતનું જ નહીં સમગ્ર વિશ્વનું ભવિષ્ય છે. આ દિશામાં પગરણ માંડનારી કંપનીઓ અને નવી ટેકનોલોજી લાવનારી કંપનીઓને આગામી સમયમાં નોંધપાત્ર ફાયદો થશે. ગુજરાતે રૂફટોપ સોલર મોટાપાયા પર અપનાવ્યું છે અને આગામી સમયમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની બધી ઓફિસો રુફટોપ સોલરથી સજ્જ હશે તો આશ્ચર્ય નહી થાય. તેમણે જણાવ્યું હતું કે દેશનું ભવિષ્ય ઇવી વાહનો છે. આગામી સમયમાં ઓટોમોબાઇલના દરેક સેગમેન્ટમાં ઇવી વાહનોની બોલબાલા હશે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ