ગુજરાતમાં આજે પણ વેક્સિનેશન કામગીરી બંધ રહેશે. આરોગ્ય કર્મીઓ વાવાઝોડાની કામગીરીમાં રોકાયેલા હોવાથી તમામ જૂથનું વેક્સિનેશન બંધ રાખવા રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. હવે આવતીકાલે ગુરુવાર 20 મે ના રોજ વેક્સિનેશન શરૂ થશે.
સરકાર દ્વારા જણાવાયું છે કે, ગુજરાતમાં પ્રવર્તમાન વાવાઝોડા અને વરસાદની પરિસ્થિતિમાં આરોગ્ય તંત્ર સ્ટેન્ડ બાય હોવાને અનુલક્ષીને સમગ્ર રાજ્યમાં કોરોના વેક્સિનેશનની કામગીરી આવતી કાલે પણ સ્થગિત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ કામગીરી હવે તા.20 મે 2021 ગુરુવારથી ફરી શરૂ કરવામાં આવશે. સમગ્ર ગુજરાત રાજ્યમાં તા. 17 અને 18 મે, 2021 સોમવાર અને મંગળવાર દરમિયાન કોરોના વેક્સિનેશનની કામગીરી બંધ રાખવા જાહેરાત કરાઈ હતી.
અગાઉ જાહેરાત કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓ વાવાઝોડાથી ઉભી થનારી સંભવિત કામગીરી માટે સ્ટેન્ડ-ટુ રાખવામાં આવ્યા છે. એટલે આ બે દિવસો દરમિયાન તમામ જૂથમાં વેક્સિનેશનની કામગીરી સ્થગિત કરવામાં આવી છે.જેમાં હવે એક દિવસનો ઉમેરો થયો છે. આજે 19 મે ના પણ રાજ્યમાં વરસાદ અને વાવાઝોડાના પગલે રસીકરણ બંધ કરવામાં આવેલ છે જે હવે ૨૦ મે ગુરુવારથી શરૂ કરાશે.