વડોદરા,
વડોદરામાં કોર્પોરેશન દ્વારા નિર્માણ કરવામાં આવેલ જિમ્નેશિયમ બંધ હાલતમાં છે. જિમમાં લાખો રૂપિયા ખર્ચી કસરતનાં અત્યાધુનિક સાધનો મુકવામાં આવ્યાં છે. પરંતુ પાલિકા સત્તાધીશોની ઘોર ઉદાસીનતાનાં પાપે વિસ્તારનાં નાગરિકોને જિમ્નેશિયમનાં ઉપયોગથી વંચિત રહેવાનો વારો આવી રહ્યો છે.
વડોદરાનાં કારેલીબાગ વિસ્તારમાં સ્વિમિંગપુલ માટેની વર્ષોની માંગને ધ્યાનમાં રાખી મહાનગર પાલિકા દ્વારા ત્રણ વર્ષ અગાઉ એક સ્વિમિંગપુલ તૈયાર કરવામાં આવ્યો હતો. જેનું લોકાર્પણ 14 નવેમ્બર 2016નાં રોજ રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનાં હસ્તે કરાયું હતું.
સ્વિમિંગપુલની સાથે પાલિકા દ્વારા આ જ સંકુલમાં પહેલાં માળે અત્યાધુનિક જિમ્નેશિયમ પણ તૈયાર કરવામાં આવ્યું છે. જો કે, ડે.સીએમનાં હસ્તે લોકાર્પણ કરાયાનાં થોડા જ સમયમાં 13 કરોડનાં ખર્ચે બનેલો સ્વિમિંગપુલ તો કાર્યરત થઇ ગયો. પરંતુ ત્યાં 5 લાખ રૂ.ખર્ચી કોર્પોરેશને તૈયાર કરેલ જિમ્નેશિયમ એવું ને એવું જ રહ્યું.
સ્વિમિંગપુલનાં લોકાર્પણનાં દિવસથી જ જિમ્નેશિયમને જે તાળાં વાગ્યાં છે તે આજે પણ યથાવત છે. પાલિકાએ જિમ્નેશિયમ માટેનું રજિસ્ટ્રેશન જ શરૂ ન કરતાં આજે આ જિમમાં પડેલાં કસરતનાં નવાં નક્કોર સાધનો ધુળ ખાઇ રહ્યાં છે.
વડોદરા શહેરનાં અલગ અલગ વિસ્તારોમાં પાલિકા દ્વારા વર્ષોથી સ્વિમિંગપુલ તેમજ જિમ્નેશિયમ તૈયાર કરાયાં છે. જ્યારે કારેલીબાગ વિસ્તારનાં નાગરિકો માટે આ સુવિધા નહોતી. પરંતુ હવે તેઓ સ્વિમિંગપુલની સુવિધા મળ્યાંનાં ત્રણ વર્ષ બાદ પણ જિમ્નેશિયમની સુવિધાથી વંચિત છે.
નાગરિકોને ખાનગી જિમ્નેશિયમ્સમાં મોંઘી ફી ન ચુકવવી પડે તે હેતુથી પાલિકાએ પોતે જિમ તૈયાર કર્યું છે. જેથી લોકો નજીવી ફી ચુકવી જિમનાં ઉપયોગથી સ્વસ્થ રહી શકે. પરંતુ પાલિકા સત્તાધીશોની ઉદાસીનતાને કારણે વિસ્તારનાં નાગરિકોને જિમ્નેશિયમ હોવાં છતાં જીમની સુવિધાથી વંચિત રહેવાનો વારો આવી રહ્યો છે.
નાગરિકોને સુવિધા પુરી પાડવાની જવાબદારી પાલિકાનો વહીવટ કરનારા શાસકોની છે પણ ત્રણ વર્ષ સુધી સત્તાધીશોએ પણ આ તરફ ધ્યાન ન આપ્યું અને હવે બુમો ઉઠતાં શાસકો જીમનું સંચાલન સ્પોર્ટ્સ ઓથોરિટીને સોંપવાની વાત કરી એક મહિનામાં તે શરૂ કરી દેવાની વાત કહી રહ્યાં છે.