વડોદરા.
રાજ્ય સરકાર દ્વારા નવરાત્રીનાં વેકેશનની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે વેકેશનની જાહેરાત કરવામાં આવતા રાજકોટની ખાનગી શાળાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.ત્યારે બીજી બાજુ વડોદરામાં યુવા ગ્રુપે આતશબાજી કરી આ નિર્ણયને વધાવ્યો છે અને યુવાઓએ સરકારના નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો છે.
ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી વિભાવરી દવે દ્વારા રાજકોટ ખાતે જાહેરાત કરવામાં આવી હતી કે આ વર્ષે નવરાત્રીનાં તહેવારો દરમિયાન રાજ્યની શાળાઓ અને કોલેજોમાં એક અઠવાડિયાનું મીની વેકેશન રહેશે.
શિક્ષણ મંત્રી વિભાવરી દવેની આ જાહેરાત બાદ રાજ્યમાં નવરાત્રીના મીની વેકેશન સંદર્ભે મિશ્ર પ્રતિઘાતો જોવા મળી રહ્યા છે. ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજકોટમાં જ 500 જેટલી શાળાઓએ નવરાત્રીના આ મીની વેકેશનનો વિરોધ વ્યક્ત કર્યો છે. જયારે રાજ્યના અન્ય સ્થળોએ પણ આ મીની વેકેશનનો વિરોધ થઇ રહ્યો છે.
આ દરમિયાન વડોદરા ખાતે શિક્ષણ મંત્રીના આ નિર્ણયને આવકારવામાં આવ્યો છે, જેના ભાગરૂપે વડોદરાના યુવા ગ્રુપ દ્વારા આજે ડેરીડેન સર્કલ પાસે એકઠા થઇને આ નિર્ણયને વધાવવામાં આવ્યો હતો. આટલું જ અહીં આતશબાજી પણ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે નવરાત્રી પર હવેથી શાળા-કોલેજોમાં નવરાત્રી વેકેશન મળશે. આ અંગે રાજ્ય શિક્ષણમંત્રી વિભાવરી દવેએ વિશેષ જાહેરાત કરી છે. નવરાત્રીમાં શાળા-કોલેજોમાં 7 દિવસનું વેકેશન રહેશે. પરંતુ દિવાળીનાં વેકેશનમાંથી દિવસો બાદ કરાશે. એટલે કે દિવાળીનું વેકેશન 21 દિવસનાં બદલે હવે 14 દિવસનું રહેશે.