ગુજરાત રાજ્ય અને જિલ્લામાં કોરોના સંક્રમણ સતત વધારો જોવા મળી રહ્યો છે. જેને અનુલક્ષીને વલસાડ કલેક્ટર આર.આર.રાવલે જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સાથે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજી હતી.
આ બેઠકમાં કલેક્ટરએ કાયદાકીય ચીમકી આપતાં જણાવ્યું છે કે, કોઇપણ અધિકારી કોવિદ-૧૯ની ગાઇડલાઇનની અમલવારી કરાવવામાં બેદરકારી રાખશે તો તેની સામે સખત પગલાં લેવાશે. જિલ્લાના અધિકારીઓને રોજેરોજ કોરોના સંબંધિત કામગીરીનો રીવ્યૂ કરી તેનો રીપોર્ટ કલેક્ટર કચેરીને આપવા, ભિલાડ ચેકપોસ્ટ ઉપર ૧૦૦ ટકા સ્કેનિંગ થાય તે માટે ૨૪×૭ ની ફરજના ઓર્ડર કરી આર.ટી.ઓ., પોલીસ અને આરોગ્ય વિભાગને કામગીરી કરવા જણાવ્યું છે.
જિલ્લામાં શાળાઓ, એસ.ટી., રેલવે ઉપર સ્કવોડ અધિકારીઓ દ્વારા આકસ્મિક ચેકિંગ કરી બેદરકારી દાખવનાર વિભાગ સામે પણ પગલાં લેવાશે. જિલ્લામાં કોઇપણ પ્રકારના મેળાવડા, જુલુસ, ક્રિકેટ જેવા મનોરંજન કાર્યક્રમો બંધ રહેશે. બીજા રાજ્ય કે જિલ્લામાંથી આવતા કોઇપણ વ્યક્તિ વલસાડ જિલ્લામાં આવશે અને જાણ તંત્રને નહીં કરે અને પછી તે પોઝીટીવ મળશે તો તેમની સામે એપેડેમિક એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
આ ઉપરાંત બહારગામથી આવતા કોઇપણ હોટલ, ગેસ્ટહાઉસ કે રેસ્ટહાઉસમાં રોકાણ કરનારા દરેક વ્યક્તિની ફરજિયાતપણે નોંધ કરી તેની જાણ પોલીસ વિભાગને કરવાની રહેશે. આ લીસ્ટ આરોગ્ય વિભાગને આપવાનું રહેશે. નોડલ અધિકારીઓએ દર અઠવાડિયે મીટિંગ યોજી આરોગ્ય વિભાગની કામગીરીની સમીક્ષા તેમજ વેક્સિનેશન સેન્ટરની મુલાકાત કરવાની રહેશે. ઔદ્યોગિક એકમોમાં એસ.ઓ.પી.નું ચુસ્તપણે પાલન થાય તેની પણ પૂરતી તકેદારી રાખવાની રહેશે.
૬૦ વર્ષથી ઉપરના અને ૪૫ થી ૬૦ વર્ષના કો-મોર્બિડ ધરાવતા વ્યક્તિઓ માટે કોવિડ વેકસીનેશન દરેક ગ્રામ પંચાયતોમાં સવારે ૯-૦૦ થી રાત્રિના ૯-૦૦ સુધી કરવામાં આવશે. નગરપાલિકા વિસ્તારોમાં પણ કોવિડ ટેસ્ટિંગના એકમો ઊભા કરાશે.