વલસાડ જિલ્લામાં 17 અને 18 મે દરમિયાન અરબી સમુદ્રમાંથી ઉઠેલા તાઉતે વાવાઝોડાએ મચાવેલી તબાહીથી ખેડૂત ખાતેદારોને થયેલા નુકસાનનો પ્રાથમિક અંદાજ સાથે તારણ કાઢવામાં આવ્યો છે. જેમાં જિલ્લામાં 10 હજાર હેકટર જમીન આંબાવાડીઓના ખેડૂતો અસરગ્રસ્ત બન્યા હોવાનું પ્રથમ સર્વેના તારણમાં બહાર આવ્યું છતાં માત્ર 4 હજાર હેકટરના 7 હજાર ખેડૂતને જ સરકારી સહાય મળશે તેવું હાલે ચિત્ર ઉભું થતા બાકીના ખેડૂતોના જીવ અધ્ધર થઇ ગયા છે.
જિલ્લામાં ચાલૂ વર્ષે 36 હજાર હેક્ટરમાં કેરીનો પાક લેવાયો હતો. દરમિયાન ખેતીવાડી વિભાગ દ્વારા તાઉતે ચક્રવાતના પગલે સર્જાયેલી તબાહીમાં જે નુકસાન થયું છે તેનું સર્વે ગોકળ ગતિ એ ચાલી રહ્યું છે તો વલસાડ તાલુકાના ઘણા ગામડાઓમાં સર્વે કરવામાં આવ્યું જ નથી જેના કારણે ખેડૂતો ની ચિંતા માં વધારો થયો છે જે કારણે ખેડૂતોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે.
ત્યારે વન આદિજાતિ પર્યાવરણ મંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે ખેડૂતો ને સાત દિવસની અંદર સર્વે કરી ખેડૂતોના ખાતામાં સીધી સહાય ની રકમ પહોંચતી કરવામાં આવશે પરંતુ વાવાઝોડાને 14 દિવસ વીતી ગયા બાદ પણ સર્વે ન કરાતાં ખેડૂતો મુંઝવણમાં મુકાઈ ગયા છે અને સચોટ સર્વે કરી યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે