શહેરનાં ખોડીયારનગર વિસ્તારમાં આવેલ વૈકુંઠ-2માં રહેતા દાલચંદભાઇ ખટીકનો મૃતદેહ આજે રહસ્યમય હાલતમાં ખોડીયાર નગર વુડાનાં મકાન સામે પાર્ક કરેલી તેઓની સીયાઝ મારૂતિ કારની પાછળની સીટ ઉપરથી મળી આવ્યો હતો. ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા દાલચંદભાઇ ખટીક પાસે રૂપિયા 4 લાખ હતા. પરંતુ કારમાંથી મળી ન આવતા તેઓનાં મોત અંગે રહસ્યનાં વમળો સર્જાયા છે. હાલમાં હરણી પોલીસે લાશનો કબજો લઇ લાશને પોષ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી છે.
રહસ્યમય મોતને ભેટેલા દાલચંદભાઇ ખટીકનાં સાળા દેવીલાલે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, મારા બનેવી પાસે રૂપિયા 4 લાખ હતા. કારમાંથી રૂપિયા 4 લાખ ગૂમ છે. આથી મને શંકા છે કે, કોઇ જાણભેદુએ મારા રૂપિયા 4 લાખ માટે મારા બનેવીની ઠંડેકલેજે હત્યા કરીને લાશ કારમાં મૂકી દીધી છે. આ બનાવ અંગે તટસ્થ તપાસ કરવામાં આવે તો સાચી હકીકત બહાર આવશે.
મૃતકનાં સાળા દેવીલાલે વધુમાં જણાવ્યું હતું કે, મારા બનેવીનાં રાજસ્થાનમાં રહેતા બહેનનું અવસાન થયું છે. આથી તેઓ આજે તેમના પરિવાર સાથે રાજસ્થાન જવાના હતા. આજે વહેલી સવારે તેઓ પરિવારને તૈયાર રહેવા માટે જણાવી એક કલાકમાં પરત આવું છું. તેમ જણાવી હાઇવે અને કારેલીબાગ જઇને આવું છું. તેમ જણાવી નીકળ્યા હતા. એક કલાક પછી પરત ન ફરતા મારી બહેને તેઓને ફોન કર્યો હતો. પરંતુ, કોઇ જવાબ ન આવતા મારો સંપર્ક કર્યો હતો. દરમિયાન અમોને ખબર પડી કે, મારા બનેવીનો મૃતદેહ તેઓની કારમાંથી પોલીસને મળી આવ્યો છે.
રહસ્યમ મોત અંગે હરણી પોલીસે જણાવ્યું હતું કે, ખોડીયાર નગર વુડાના મકાન સામે એક કારમાં મૃતદેહ હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે સ્થળ પર જઇ તપાસ કરતા કારની પાછળની સીટ ઉપર મૃતદેહ હતો. મૃતદેહ કબજે કરીને સયાજી હોસ્પિટલમાં પોષ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. કારમાંથી મૃત હાલતમાં મળેલી વ્યક્તિનું મોત હાર્ટ એટેકથી થયું હોવાનું પ્રાથમિક રીતે જણાય છે. આમ છતાં પોષ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ બહાર આવશે. હાલમાં અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.