Surat News : ગુજરાતનું યુવાધન છેલ્લાં ત્રણ-ચાર વર્ષોથી ડ્રગ્સના રવાડે ચડ્યું છે. તેમાં પણ હવે આ દૂષણ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચી ગયું છે. તાજેતરમાં વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી પોતાના જ વિદ્યાર્થીઓથી ત્રસ્ત થઈ ગઈ છે. હાલ વિદ્યાર્થીઓ દ્વારા દારૂ, માદક પદાર્થનું સેવન, સીસીટીવી તોડવા અને યુનિવર્સિટી કેમ્પસમાં ગાડીના બોનેટ પર બેસી રીલ બનાવવા જેવાં કૃત્યો કરવામાં આવી રહ્યાં છે.
વિદ્યાર્થીઓનાં આવાં કૃત્યોથી યુનિવર્સિટી એટલી હદે હેરાન થઈ ગઈ છે કે પોલીસ શરણે પહોંચી છે. યુનિવર્સિટી દ્વારા વેસુ પોલીસ સ્ટેશનને આવાં કૃત્યો કરતા વિદ્યાર્થી સામે પગલાં લેવા ચાર અરજી કરવામાં આવી છે.
વીર નર્મદ યુનિવર્સિટીમાં આમ તો દક્ષિણ ગુજરાતના જ નહીં પરંતુ અન્ય રાજ્યોથી પણ વિદ્યાર્થીઓ ભણવા આવે છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી યુનિવર્સિટીની છબિ બગાડવામાં આવી રહી છે અને આ છબિ બગાડનાર કોઈ બીજું નહીં પણ ખુદ યુનિવર્સિટીના જ વિદ્યાર્થીઓ છે. સરસ્વતીના ધામમાં દારૂ અને માદક પદાર્થના સેવન સહિત હોસ્ટેલ અને અન્ય પ્રિમાઇસીસમાં લાગેલા સીસીટીવી તોડી વિદ્યાર્થીઓ બેફામ બન્યા છે.
આ સમગ્ર મામલે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે ગણેશ ઉત્સવના માહોલમાં અલગ અલગ ફરિયાદ મળી હતી. જેમાં કેટલાક વિદ્યાર્થીઓ રીલ બનાવતા અથવા તો પરિસર અને હોસ્ટેલમાં સીસીટીવી કેમેરા ડેમેજ કરી રહ્યા છે. તે અંગે અમે વેસુ પોલીસને જાણ કરી છે અને તપાસ માટે કહ્યું છે. જોકે હજી સુધી ડ્રગ્સ લેવાના કોઈ પુરાવા મળ્યા નથી. પરંતુ તપાસ કરવા માટે જણાવ્યું છે.
યુનિવર્સિટીના રજિસ્ટ્રારે વેસુ પોલીસ ઈન્સ્પેક્ટરને લખેલા પત્રમાં વિદ્યાર્થીઓનો ડ્રગ્સ ટેસ્ટ પણ કરવા જણાવ્યું છે. પત્રમાં લખાયું છે કે ‘ગણેશ સ્થાપના માટે એમ્ફી થિયેટર પાસે જ મંજૂરી આપી હોવાથી એક જૂથના કાર્યકર્તાઓએ બેનરો લગાવીને ભયનું વાતાવરણ ઊભું કરવા પ્રયાસ કર્યા છે. વિદ્યાર્થીઓનું વર્તન જોતાં નશાકારક પદાર્થનું સેવન કર્યું હોય તેવી માહિતી મળી છે, જે ધ્યાને લઈને વિદ્યાર્થીઓના ડ્રગ્સ ટેસ્ટ કરવા અંગેની કાર્યવાહી કરવા વિનંતી છે.
‘ગાડીના બોનેટ પર બેસીને રીલ બનાવે છે’
યુનિવર્સિટી પોતે જ પોતાના વિદ્યાર્થીઓ વિરુદ્ધ તપાસ કરવા માટે પોલીસને અરજી કરી રહી છે.તેની સાથે સાથે પોલીસને બીજી અરજીમાં જણાવવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓ યુનિવર્સિટી કેમ્પસ અને તેની આસપાસ ગાડીના બોનેટ પર બેસીને રીલ બનાવે છે.
તેમજ ત્રીજી અરજીમાં જણાવ્યું કે, વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા કાળાં કરતૂતો સીસીટીવીમાં કેદ ન થાય તે માટે તેઓ સીસીટીવી તોડી દે છે. આ અંગે તપાસ કરવા માટે યુનિવર્સિટી તરફથી વેસુ પોલીસમાં ફરિયાદ સ્વરૂપે અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં પોલીસને જણાવવામાં આવ્યું છે કે હોસ્ટેલ અને યુનિવર્સિટી પરિસરમાં આવેલા નર્મદ સ્મૃતિ ભવન સેમિનાર હોલ ખાતે કેમરાને વિદ્યાર્થીઓએ નુકસાન પહોંચાડ્યું છે.
જ્યારે ચોથી અરજીમાં જણાવવામાં આવ્યું છે કે ગણેશ ઉત્સવના પર્વ પર કોઈપણ પરવાનગી યુનિવર્સિટી તરફથી આપવામાં આવી ન હોવા છતાં કેટલાક વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરી ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરવા માંગે છે અને યુનિવર્સિટીમાં ભયનો માહોલ બનાવવા માંગે છે. સાથે યુનિવર્સિટી પરિસરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી યોગ્ય કાર્યવાહી અને બંદોબસ્તની માંગ પણ યુનિવર્સિટી તરફથી કરવામાં આવી હતી.
આ પણ વાંચો:આગામી 5 દિવસ ઉત્તર ગુજરાતને વરસાદથી રહેવું પડશે સાવધાન!
આ પણ વાંચો:ગુજરાતમાં બની ઐતિહાસિક ઘટના, 33માંથી 12 જિલ્લામાં એક જ દિવસમાં વરસાદ ખાબક્યો
આ પણ વાંચો:IMDની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આજે ગાજવીજ સાથે પડશે ભારે વરસાદ