Not Set/ વાઈબ્રન્ટ ગુજરાત પાસે વોટર પોલિસી જ નથી  ભાગ – ૨

ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૬માં ડ્રાફ્ટ વોટર પોલીસી બનાવી હતી પરંતુ આજદિન સુધી તે ફાઈનલ થઇ નથી મતલબ કે, ગુજરાત સરકાર પાસે વોટર પોલીસી નથી. આવો જોઈએ કેટલીક હકીકતો : (૧) ડાર્ક ઝોન ડીસેમ્બર – ૨૦૧૨ના વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને ફેબ્રુઆરી – ૨૦૧૨માં નિયમ-૪૪ હેઠળ ગુજરાતના ૫૭ તાલુકા જે ડાર્કઝોનમાં હતા તે ડાર્કઝોન ઉઠાવ્યા. હવે, છેલ્લા […]

Uncategorized
water 1 વાઈબ્રન્ટ ગુજરાત પાસે વોટર પોલિસી જ નથી  ભાગ – ૨

ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૬માં ડ્રાફ્ટ વોટર પોલીસી બનાવી હતી પરંતુ આજદિન સુધી તે ફાઈનલ થઇ નથી મતલબ કે, ગુજરાત સરકાર પાસે વોટર પોલીસી નથી.

આવો જોઈએ કેટલીક હકીકતો :

(૧) ડાર્ક ઝોન

ડીસેમ્બર – ૨૦૧૨ના વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને ફેબ્રુઆરી – ૨૦૧૨માં નિયમ-૪૪ હેઠળ ગુજરાતના ૫૭ તાલુકા જે ડાર્કઝોનમાં હતા તે ડાર્કઝોન ઉઠાવ્યા. હવે, છેલ્લા ઘણાં વર્ષોથી વરસાદ સારો પડે છે. નર્મદાના નીર પહોચી ગયા તો પછી ચાલુ ચોમાસામાં ૨૦ જુલાઈ ૨૦૧૮ના રોજ ફરી વખત ૫૭ તાલુકાને ડાર્કઝોનમાં મુકવાની જરૂર કેમ પડી ?

ગુજરાતની નામદાર વડી અદાલતે ૨૦૦૦ની સાલમાં શૈલેષ શાહ વિરુદ્ધ સ્ટેટ ઓફ ગુજરાત (SCA No. 11635 of 2000)ના સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો હતો જેમાં રાજ્ય સરકારે તળાવોની યાદી બનાવીને સાચવવાના હતા પરંતુ, હવે તો તળાવો તોડી તોડીને કહેવાતા વિકાસના કામો હાથ ધરાય છે.

(૨) ગુજરાતમાં પ્રદૂષિત પાણી

ગુજરાતની જનતાને આપણે વિકાસને નામે પ્રદૂષિત પાણી પીવડાવીએ છીએ. ગુજરાત ઔદ્યોગિક રાજ્ય છે. ગુજરાતમાં ઔદ્યોગિક એકમોના એફલુઅન્ટ શુદ્ધ કરવા માટે ૩૩ કોમન એફલુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ (સામુહિક જળ શુદ્ધિકરણ પરિયોજનાઓ) કાર્યાન્વિત હોવાનું ગૌરવ લઈએ છીએ. પરંતુ, કેગ અહેવાલ ૨૦૧૧ની સાલથી ગુજરાત સરકારને ચેતવણી આપે છે કે ૩૩ પૈકીના એકપણ કોમન એફલુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે નક્કી કરેલ ધારાધોરણ મુજબ કામ નથી કરતા જેને લીધે કહેવાતું શુદ્ધ કરેલ એફલુઅન્ટ નદી, નાળા અને દરિયામાં છોડવાથી ભૂમિ પરના પાણી પ્રદૂષિત થયા છે. ઉદ્યોગો દ્વારા પ્રદૂષિત પાણી ભૂગર્ભમાં ઉતારવામાં આવે છે તેવા કિસ્સાઓ પણ બહાર આવ્યા છે.

(૩) ગુજરાતમાં ઔદ્યોગિક ઘન કચરાના વ્યવસ્થાપન માટે આઠ લેન્ડફિલ સાઈટ કાર્યરત છે જેને TSDF (ટ્રીટમેન્ટ, સ્ટોરેજ એન્ડ ડીસ્પોઝલ ફેસીલીટી ) કહે છે આ TSDF સાઈટ્સ માંથી નીકળતા કેમિકલ યુક્ત પાણીથી પણ દરિયો, નદીઓ પ્રદૂષિત થયા છે. વાપીમાં TSDF સાઈટ થોડા વર્ષો પૂર્વે તૂટી જવાથી દમણગંગા અને દરિયાના પાણી ભયંકર રીતે પ્રદૂષિત થયેલ તે જ રીતે સુરતમાં આવેલી એક TSDF સાઈટને લીધે અસંખ્ય ગાય/ભેંસોના મોત પ્રદૂષિત પાણી પીવાથી થયેલા. TSDF સાઈટની પુરતી માવજત ન થવાથી ભૂગર્ભ જળ બગડ્યા છે

(૪) અમદાવાદની ખારીકટ કેનાલમાં ભૂતિયા પાઈપો પકડાઈ હતી તેના થકી ઉદ્યોગો પોતાનું એફલુઅન્ટ ઠાલવતા હતા જેને લીધે ખેડા જીલ્લાના ૪૫ ગામોમાં પાણી પ્રદૂષિત થયા.

(૫) ૧૯૮૩ની સાલમાં વડોદરાના IOCL, GSFC, GACL અને IPCL ના શુદ્ધ થયેલા પ્રદૂષિત પાણીના નિકાલ માટે નંદેસરી થી ખંભાતના અખાત સુધી ૫૫.૩૦ કી.મી. લાંબી કેનાલ બનાવવામાં આવેલી જે એફલુઅન્ટ ચેનલ પ્રોજેક્ટ્સ તરીકે ઓળખાય છે. આ ચેનલ પાદરા તાલુકામાંથી પસાર થાય છે. અપૂરતા શુદ્ધ કરેલા એફલુઅન્ટને લીધે ચેનલની આસપાસના ખેતરો પ્રદૂષિત થયા, પાણી પણ પ્રદૂષિત થયા જેને લીધે ખેતીવાડીને નૂકશાન થયું. કોઈ અન્ય વિકલ્પ ન હોવાથી ખેડૂતો નાછૂટકે ચેનલના પ્રદૂષિત પાણીથી સિંચાઈ કરે છે. શાકભાજીની છાબડી તરીકે ઓળખાતો પાદરા તાલુકાના શાકભાજીની ગુણવત્તા બગડી છે.

પાદરામાં આવેલા ઉદ્યોગોને હવે ટ્રીટ કરેલું એફલુઅન્ટ ECP (ચેનલ) માં નાખવાની છૂટ આપવામાં આવી છે જેને લીધે ચેનલમાં પ્રદૂષણનો વધારો થયો.

(૬) સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ

ગુજરાતમાં આઠ મહાનગરોએ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ તો બનાવ્યા છે પરંતુ તે નિર્ધારિત ધારાધોરણો મુજબ કાર્યાન્વિત નહિ હોવાથી ભૂમિ પરનું પાણી બગડ્યું છે. તળાવો અને નદીઓમાં પ્રદૂષણનો વ્યાપ વધ્યો છે. ૧૫૯ નગરપાલિકાઓ પૈકી મોટાભાગની નગરપાલિકાઓ પાસે તો સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ જ નથી. આમ, સમગ્ર ગુજરાત ગટરના પાણીના શુદ્ધિકરણ અને તેના પુન: વપરાશ અંગે ઉદાસીન છે. એટલે, કુદરતે આપેલા મબલખ પાણીનો બગાડ અને વેફડાટ કરે છે જ્યારે, થોડો ઓછો વરસાદ આવે અને કુત્રિમ જળ સંકટ ઉભું થાય ત્યારે કુદરતને દોષ દઈએ છીએ.

કેગનો અહેવાલ કહે છે કે, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ ચાલતા ન હોવાથી ૩૨ % જેટલું સરફેસ વોટર (ભૂમિ પરનું પાણી) પ્રદૂષિત થયું છે જેની લીધે પાણીજન્ય રોગોનું પ્રદૂષણ પણ વધ્યું છે.

પાણી સંચયના વિવિધ આયામો લોકોને સાથે રાખીને વિચારવાનો સમય પાકી ગયો છે. વેસ્ટ વોટર રિસાયકલ પોલિસી પર ભાર મુકવાની જરૂરિયાત છે. લોકભાગીદારીથી ડીસેલાઈનેશન પ્લાન્ટ્સ બનાવીને દરિયાઈ પાણીને શુદ્ધ કરીને વાપરવાનો સમય પાકી ગયો છે. શહેરોના વરસાદી પાણીનો સંગ્રહ કરવો જરૂરી છે. ઉદ્યોગોને જોઈતા પ્રમાણમાં જ પાણી આપવું જોઈએ તથા પ્રદૂષણ નિયંત્રણને પ્રાધાન્ય આપવું જોઈએ.

–    ઇઝરાયલના વડાપ્રધાને જે પાણી શુદ્ધ કરવાની જીપ ભેટ આપી હતી અને તેનાથી જ ગુજરાતનું કલ્યાણ થઇ જશે તે જીપનું શું થયું ?

–     અમદાવાદમાં કરોડોના ખર્ચે તળાવો બનાવ્યા પછીપણ વરસાદી પાણી સાબરમતિ સાથે ગટર થઇ જાય છે તળાવોને એકબીજા સાથે લિંક કર્યાના દાવાઓ પોકળ સાબિત થયા

–     ચંડોળા તળાવ ખાલી રહે છે

–     નર્મદા કેનાલમાં બે વર્ષમાં ૧૯૪ વખત ગાબડા પડયાને પાણીનો વેફડાટ થયો અને ખેતી બગડી

–     સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ નિયમાનુસાર નહિ ચલાવવાથી સરફેસ વોટર બગડ્યું

–     કોમન એફલુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ ધારાધોરણો મુજબ નહિ ચાલતા હોવાથી નદી નાળા પ્રદૂષિત થયા

–     ઘર ગથ્થુ કચરાનું (લેન્ડફિલ સાઈટ) અને ઔદ્યોગિક ઘન કચરાનું (TSDF સાઈટ) વ્યવસ્થાપનના અભાવે પાણી પ્રદૂષિત થયા

–     કલ્પસર પરિયોજનાનો શક્યતાદર્શી અભ્યાસ ૨૦૦૩થી ચાલે છે, માર્ચ ૨૦૧૯ની સ્થિતિએ પણ અધુરો છે અને કરોડો રૂપિયા ખર્ચાઈ ગયા.

–     તા. ૮ ફેબ્રુઆરી, ૨૦૧૯ના રોજ અને ૧૨ જુલાઈ ૨૦૧૯ તથા ૨૮ નવેમ્બર, ૨૦૧૯ના રોજ  લોકસભામાં ભારત સરકારે એકરાર કર્યો કે, ગુજરાતની ૨૦ નદીઓ પ્રદૂષિત છે.

–     તા. ૨૨ માર્ચ, ૨૦૧૯નો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો અભ્યાસ કહે છે કે, સાબરમતી રીવરફ્રન્ટ અને વૌઠા સુધીની સાબરમતી અતિ પ્રદૂષિત છે . તાજેતર માં ૭ નવેમ્બર થી ૧૨ નવેમ્બર દરમિયાન વૌઠા સપ્ત સંગમ ખાતે યોજાયેલ મેળામાં અમદાવાદનું ઉદ્યોગોનું ગંદુ પાણી ના આવે તે માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે અમદાવાદના તમામ કોમન એફલુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સને (CETP) ને પાણી નહિ છોડવાની સૂચના આપેલી તેમછતાય કેટલાક CETP દ્વારા પાણી છોડવામાં આવ્યું હતું. 

–     સુકાભઠ્ઠ વસ્ત્રાપુર તળાવ (અમદાવાદ) માં ૧૮ સપ્ટેમ્બર, ૨૦૧૯ના રોજ મુખ્યમંત્રીશ્રી દ્વારા નર્મદાનું પાણી છોડાયું આજે વસ્ત્રાપુર તળાવમાં ગટરના અનટ્રીટેડ પાણી બેફામ રીતે છોડવામાં આવી રહ્યા છે અને તળાવને પ્રદૂષિત કરવામાં આવી રહ્યું છે.

લેખક : મહેશ પંડ્યા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.