ગાંધીનગર : મહાત્મા મંદિર ખાતે યોજાયેલ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો આજે બીજો દિવસ છે. 10 જાન્યુઆરીના રોજ મહાત્મા મંદિર ખાતે આ સમિટની શરૂઆત થઈ હતી. આ ત્રણ દિવસીય સમિટને લઈને અમદાવાદ અને ગાંધીનગરમાં ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું પીએમ મોદી દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું. સમિટના પ્રથમ દિવસે દેશ અને વિદેશના ટોચના ઉદ્યોગપતિઓ અને વીઆઈપી મહેમાનોએ હાજરી આપી હતી. ગાંધીનગરમાં યોજાયેલ વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં ગૌતમ અદાણી, મુકેશ અંબાણી અને લક્ષ્મી મિત્તલ જેવા દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ ઉપરાંત જાપાનની સુઝુકી કંપનીએ ગુજરાતમાં મોટા રોકાણની જાહેરાત કરી હતી.
10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી દરમ્યાન યોજાનાર ત્રિદવસીય વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના બીજા દિવસે પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આજના દિવસે વાઈબ્રન્ટ સમિટમાં ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપતો સ્ટાર્ટ અપ્સ, ઇ-કોમર્સ, પોર્ટ આધારિત શહેરી વિકાસ, ઇલેક્ટ્ર્રીક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ, ઈન્ટરનેશનલ સ્પેશ કોન્ફરન્સ, કૌશલ્ય વિકાસ માટે ગ્લોબલ નેટવર્કસનો વિકાસ, TECHDE ટેકનોલોજી તરફ ભારત, GiftCity અને સેમિકન્ડકટર્સ અને ઈલેક્ટ્રોનિક્સ વિષય પર કાર્યક્રમનું આયોજન થશે. ત્રી દિવસીય વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના બીજા દિવસે કેન્દ્રીય મંત્રી અશ્વિનિ વૈષ્ણવ, નિર્મલા સીતારમણ, નીતિન ગડકરી, ધર્મેન્દ્ર પ્રધાન સહીત વિવિધ મંત્રીઓ હાજરી આપશે.
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પ્રથમ દિવસે ગુજરાતને મોટા રોકાણ મળ્યા. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ એ ગુજરાત સરકારની સૌથી મોટી ઈવેન્ટ છે. ગુજરાતની વિકાસયાત્રામાં વાઈબ્રન્ટ ગુજરાત નામ પણ ઉમેરાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પ્રથમ વખત વાઈબ્રન્ટ સમિટનું આયોજન કર્યું હતું. સપ્ટેમ્બર 2003ના અંતમાં અમદાવાદમાં પ્રથમ સમિટ યોજાઈ હતી. 10મી વાઈબ્રન્ટ સમિટ માટે ગાંધીનગરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. 12 જાન્યુઆરીના દિવસે વાઈબ્રન્ટ સમિટનું સમાપન થશે.