ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન વિરાટ ‘કિંગ’ કોહલીને ફક્ત ટોચ પર રહેવુ મંજૂર નથી, પરંતુ તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનાં તમામ રેકોર્ડોને તોડવા માટે તૈયાર થઇ ગયા છે, જેને લઇને દાયકાઓથી દિગ્ગજોએ સખત મહેનત કરી છે. બુધવારે વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રીજી વનડેમાં વિરાટે સતત બીજી સદી ફટકારી હતી, તે પણ એવા સમયે કે જ્યારે તેને અંગૂઠામાં ઈજા પહોચી હતી (જોકે કોહલીનાં જણાવ્યા મુજબ ઈજા ગંભીર નથી). ટાર્ગેટ માત્ર સદી જ નહોતી, લક્ષ્ય હતો ટીમને વિજય અપાવી પાછા ફરવુ. તેણે પણ આવું જ કર્યું, સદી ફટકારી, ટીમને જીત અપાવી અને ટી -20 શ્રેણી બાદ વન ડે માં ભારતે યજમાનોની ટીમનો સફાયો કર્યો હતો. આ સાથે, કોહલીએ કેટલાક ખાસ ખેલાડીઓના કેટલાક ખૂબ જ ખાસ રેકોર્ડ તોડ્યા.
વિરાટ કોહલીએ બીજી વનડેમાં 112 રનની ઇનિગ્સ રમી ભારતને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નિકાળતા જીત અપાવી હતી. બુધવારે ત્રીજી વનડેમાં આવી જ સ્થિતિમાં તેણે ફરી એક વાર શ્રેયસ અય્યર (65 રન) ની સાથે (120 રન) ભાગીદારી કરીને ટીમ ઈન્ડિયાને મુશ્કેલ સમયથી બહાર કાઢી હતી. અય્યર આઉટ થયો હતો પરંતુ વિરાટ કોહલી જીત્યા પછી જ પાછો ફર્યો હતો. તેણે 99 બોલમાં 114 રનની અણનમ અને શાનદાર ઇનિંગ્સ ફટકારી હતી. જેમાં 14 ચોક્કા શામેલ હતા.
સચિનનો રેકોર્ડ તોડ્યો
પોતાની 43 મી વનડે સદીથી વિરાટ કોહલીએ વેસ્ટ ઇન્ડીઝ સામે તેની 9 સદી પૂરી કરી અને આ સાથે તેણે સચિન તેંડુલકરની બરાબરી કોઈ પણ એક દેશ સામે સૌથી વધુ સદી ફટકારવામાં કરી. જો કે અહીં પણ તે એક કેસમાં સચિનની પાછળ છોડી ગયો. સચિન તેંડુલકરે ઓસ્ટ્રેલિયા સામે 9 સદી ફટકારી હતી. તેણે 70 ઇનિંગ્સમાં આ 9 સદી ફટકારી હતી, જ્યારે વિરાટે વેસ્ટ ઇન્ડીઝ સામે કુલ 35 ઇનિંગ્સમાં 9 સદી ફટકારી હતી.
મેંથ્યુ હેડનનો આ રેકોર્ડ પણ તોડ્યો
કોઈપણ બેટ્સમેન માટે વેસ્ટ ઇન્ડીઝની પીચ પર બેટિંગ કરવી સરળ માનવામાં આવતી નથી. આવી સ્થિતિમાં, ત્યાંના વિદેશી બેટ્સમેન દ્વારા સૌથી વધુ સદીનો રેકોર્ડ બનાવવો એ ખાસ વાત જ કહેવાશે. વિરાટે આ કરી બતાવ્યુ છે. ઓસ્ટ્રેલિયાનાં પૂર્વ દિગ્ગજ ખેલાડી મેથ્યુ હેડન વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર સૌથી વધુ વનડે સદી ફટકારનાર વિદેશી બેટ્સમેન હતો. તેણે અહીં 3 સદી ફટકારી હતી પરંતુ વિરાટ કોહલીએ બુધવારે રાત્રે હેડનને તેની ચોથી સદી સાથે પાછળ છોડી દીધો હતો. રસપ્રદ વાત તો એ છે કે આ રેકોર્ડમાં પણ એક રેકોર્ડ નોંધાયો છે. વિરાટે વેસ્ટ ઇન્ડીઝમાં તેની અંતિમ ત્રણ ઇનિંગ્સમાં સદી ફટકારી છે અને તે વેસ્ટ ઈન્ડિઝમાં વનડે સદીની હેટ્રિક બનાવનાર પ્રથમ બેટ્સમેન પણ બની ગયો છે.
ઓસ્ટ્રેલિયાનાં પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગને પણ છોડ્યો પાછળ
વિરાટ કોહલી હવે કેપ્ટન તરીકે 10,000 આંતરરાષ્ટ્રીય રન બનાવનાર છઠ્ઠો ખેલાડી બની ગયો છે. તેટલું જ નહીં, તે આવી સૌથી ઝડપી કરનાર કેપ્ટન પણ બની ગયો છે. તેણે 176 ઇનિંગ્સમાં કેપ્ટન તરીકે 10,000 આંતરરાષ્ટ્રીય રન બનાવીને ઓસ્ટ્રેલિયાનાં પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગને પાછળ છોડી દીધો છે. પોન્ટિંગે આ સિદ્ધિ 225 ઇનિંગમાં કેપ્ટન તરીકે મોળવી હતી. અહીં રસપ્રદ વાત એ છે કે વિરાટ પહેલા 176 ઇનિંગ્સમાં કોઈ પણ કેપ્ટન 8 હજારનો આંકડો પણ પાર કરી શક્યા નથી. પોન્ટિંગે 187 ઇનિંગ્સમાં 8 હજારનો આંકડો પૂરો કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.