બંગાળની ખાડીમાં આજે લો-પ્રેશર સજાર્વા પામ્યું છે અને આગામી 24 કલાકમાં તે વેલમાર્ક લો-પ્રેશરમાં પરિવર્તિત થવાની સંભાવના હવામાન ખાતાએ કરી છે. દરિયામાં ફરી મોન્સૂન સીસ્ટમ સક્રિય થતાં વરસાદ માટેની સંભાવના પ્રબળ બની છે અને હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજથી બે દિવસ માટે દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી જિલ્લામાં અને દમણ-દાદરાનગર હવેલીમાં અમુક સ્થળોએ ભારે વરસાદની શકયતા છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ આ પ્રકારનું વાતાવરણ જળવાઈ રહેશે અને દક્ષિણ ગુજરાતમાં બે દિવસ હળવોથી મધ્યમ વરસાદ પડશે અને અમુક સ્થળોએ ભારે વરસાદની સંભાવના પણ નકારાતી નથી.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ વાતાવરણમાં આવેલા પલટાને કારણે આજે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધાબડિયું વાતાવરણ રહેવા પામ્યું છે અને સૌરાષ્ટ્રના અમુક સ્થળોએ તથા ઉત્તર ગુજરાતમાં આગામી ચાર દિવસ માટે અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
બંગાળની ખાડીમાં સજાર્યેલા લો-પ્રેશરના કારણે ગુજરાત ઉપરાંત આેડિસા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તીસગઢ અને રાજસ્થાન સહિતના અનેક રાજ્યોમાં વરસાદની સંભાવના ઉભી થઈ છે.