આજે દેશભરમાં ગણેશ ચતુર્થી તહેવારની ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે. આજે ચતુર્થીના દિવસથી શરૂ થતા આ તહેવારની 10 દિવસ સુધી હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવશે.
બાપ્પાના આર્શીવાદ લેવા ગણેશ ચતુર્થીના દિવસે શુભ મુહૂર્તમાં ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે. વિદ્યાર્થીઓએ જીવનમાં સફળતા મેળવવા વિશેષપણે ભગવાન ગણેશની આરાધના કરવી જોઈએ.
ભગવાન ગણેશને જ્ઞાન અને બુદ્ધિના દેવતા માનવામાં આવે છે. વિદ્યાર્થીઓએ ગણેશજીના ગુણોની પ્રેરણા લેવી જોઈએ. તમને ગણપતિના એવા કેટલાક ગુણો વિશે બતાવવા જઈ રહ્યા છીએ જે દરેક વિદ્યાર્થીએ જરૂર શીખવા જોઈએ.
ભગવાન ગણેશની જેમ બાળકોએ પણ અભ્યાસમાં એકમગ્ન ધ્યાન આપવું જોઈએ અને હંમેશા નવું શીખવાનો પ્રયત્ન કરવો જોઈએ. મુશ્કેલીઓનો હિંમતપૂર્વક સામનો કરવો અને કયારેય હાર ન માનવી.
જ્ઞાની હોવા છતાં ભગવાન ગણેશ હંમેશા નમ્ર રહેતા અને ચતુરાઈથી સમસ્યાનો ઉકેલ લાવતા. હોશિંયાર બાળકોએ પણ ઘમંડી ન બનવું હંમેશા નમ્ર રહેવું જોઈએ. તેઓ આપણને શીખવે છે કે આપણે દરેક સંજોગોમાં અનુકૂળ થવું જોઈએ.
ભગવાન ગણેશનું માથું મોટું છે જે આપણને મોટું વિચારવાનું અને ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખવે છે. મોબાઈલ જેવી ધ્યાન ભટકાવતી વસ્તુઓથી દૂર રહેશો તો જ અભ્યાસમાં સારો દેખાવ કરી શકશો.
ગણેશજીનું મંદ સ્મિત તમામને આકર્ષે છે. જે આપણને શીખવે છે કે કોઈપણ મુશ્કેલ સમય હોય હંમેશા સકારાત્મક રહો. કેમકે સકારાત્મક અભિગમ જ આગળ વધવામાં અને અવરોધોને દૂર કરવામાં મદદ કરે છે.