પગના મોજા કેટલો સમય ઉપયોગ કર્યા બાદ ધોવા જરૂરી છે?
પગમાં ઘણી બધી પરસેવાની ગ્રંથીઓ હોય છે. પરસેવામાંથી ગંધ આવતી નથી, પરંતુ જ્યારે પરસેવો અને મૃત ત્વચા (ડેડ સ્કિન) બેક્ટેરિયાના સંપર્કમાં આવે છે, ત્યારે તેમાંથી દુર્ગંધ આવવા લાગે છે.
મોજાંમાં ફક્ત તમારા પગની ગંદકી જ હોતી નથી, તેમાં જમીન, જીમ, તમારા ઘર અથવા તમારા જૂતામાંથી વિવિધ જંતુઓ પણ રહે છે
સંશોધનો અનુસાર મોજાં ટી-શર્ટ કરતાં અનેક ગણા વધુ બેક્ટેરિયા ધરાવે છે. મોજાં સ્વચ્છ દેખાતા હોવા છતાં, તેમાં ઘણી બધી ગંદકી અને જંતુઓ હોઈ શકે છે.
ગંદા મોજાંમાં રહેલા જંતુઓ ફક્ત તમારા પગ સુધી મર્યાદિત નથી, પરંતુ તમારા પલંગ, ફ્લોર, સોફા અને જૂતામાં પણ ફેલાઈ શકે છે.
આવા મોજાં વારંવાર પહેરવાથી ફંગલ ઇન્ફેક્શનનું જોખમ વધી જાય છે, ખાસ કરીને એથ્લીટ ફુટ (પગમાં દાદર) જેવી સમસ્યાઓ ઝડપથી થઈ શકે છે.
જો તમને પહેલાથી જ કોઈ ફંગલ સમસ્યા છે, તો ગંદા મોજાં તે ચેપને વધુ વધારે છે. જો તમારા જૂતા ભીના રહે અને તમે તેને વારંવાર પહેરો, તો ગંધ અને ચેપ બંને ઝડપથી વધી શકે છે.
જે મોજાં તમે એકવાર પહેરી લીધા હોય, તે ધોયા વગર ફરીથી ન પહેરવા જોઈએ, ભલે તે દેખાવમાં સ્વચ્છ લાગતા હોય. કારણ કે તેમાં છુપાયેલી ગંદકી અને જીવાણુઓ હોય છે, જે નજરે દેખાતા નથી.
તમારા પગને સાબુથી સારી રીતે ધોઈને સંપૂર્ણ રીતે કોરા કરો. ખાસ કરીને પગની આંગળીઓ વચ્ચેની જગ્યા ભીની ન રહે તેની ખાસ કાળજી રાખો.
કોટન, બામ્બુ અથવા એન્ટિ-માઇક્રોબાયલ કાપડના મોજાં પહેરવાથી પરસેવો ઓછો થાય છે અને પગમાં દુર્ગંધ પણ ઓછી આવે છે.
બધી ગંદકી અને પરસેવો સારી રીતે દૂર કરવા માટે મોજાં અંદરથી પલટી ને ધોવા જોઈએ. મોજાં ગરમ પાણીમાં (લગભગ 60°C) ધોવા સૌથી સારું માનવામાં આવે છે.
આ પ્રક્રિયા બેક્ટેરિયા અને ફૂગનો નાશ કરે છે. જો મોજાં તમે ઠંડા અથવા સામાન્ય પાણીમાં ધોતા હો, તો તેને તડકામાં સારી રીતે સૂકવવા જોઈએ અથવા પછી હળવી ગરમ ઇસ્ત્રી કરી લેવી જોઈએ.