સૌથી પહેલા કાચી કેરીને બરાબર ધોઈને તેના મીડિયમ સાઈઝના ટુકડા કરી લો. તેમાં હળદર અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરો અને 8 થી 10 કલાક માટે ઢાંકીને રહેવા દો.
10 કલાક પછી કેરીમાંથી જે પાણી છૂટું પડે તેને કાઢી લો. હવે આ ટુકડાને એક સાફ કોટનના કપડા પર પંખા નીચે 5 થી 6 કલાક માટે સુકવી દો, જેથી બધો ભેજ ઉડી જાય.
એક મોટા વાસણમાં મેથીના કુરિયા, રાઈના કુરિયા અને હિંગ લો. બીજી બાજુ તેલ ગરમ કરીને સહેજ ઠંડુ પડે એટલે આ મસાલા પર રેડીને બરાબર મિક્સ કરો.
મસાલો એકદમ ઠંડો થઈ જાય પછી જ તેમાં લાલ મરચું પાવડર ઉમેરવો. છેલ્લે સુકવેલી કેરીના ટુકડા નાખીને બધું મિક્સ કરી લો.
આ તૈયાર અથાણાંને એકદમ કોરી કાચની બરણીમાં ભરી લો. અથાણું આખું વર્ષ બગડે નહીં તે માટે બરણીમાં તેલ કેરીની ઉપર સુધી તરતું રહેવું જોઈએ.
તો તૈયાર છે તમારું ટેસ્ટી અને ચટાકેદાર ખાટું અથાણું! રોટલી કે ભાખરી સાથે આનો સ્વાદ ગજબનો લાગશે.