શિયાળામાં ગરમાગરમ તુલસીવાળી ચા પીવાની મજા જ કંઈક અલગ છે. પણ શું તમે જાણો છો કે તુલસીના બે પ્રકાર છે અને તેમાંથી ચા માટે કઈ બેસ્ટ છે?
મુખ્યત્વે બે પ્રકારની તુલસી જોવા મળે છે: રામ તુલસી જેના પાન લીલા હોય છે અને શ્યામ તુલસી જેના પાન ઘાટા જાંબલી રંગના હોય છે.
રામ તુલસીના પાનનો રંગ આછો લીલો હોય છે. તેનો સ્વાદ થોડો ગળ્યો હોય છે. આયુર્વેદ મુજબ, રામ તુલસીની તાસીર સ્વાસ્થ્યવર્ધક છે પણ શરદી-ઉધરસમાં તે શ્યામ તુલસી જેટલી અસરકારક નથી હોતી.
શ્યામ તુલસીને 'કૃષ્ણ તુલસી' પણ કહેવાય છે. તેના પાનનો રંગ ઘાટો હોય છે અને સ્વાદ થોડો તીખો અને તૂરો હોય છે. આયુર્વેદમાં તેને વધુ ગુણકારી માનવામાં આવે છે કારણ કે તેની તાસીર ગરમ હોય છે.
નિષ્ણાતો મુજબ, શિયાળામાં શ્યામ તુલસી શ્રેષ્ઠ છે. તેની ગરમ તાસીર કફ, શરદી, અને ગળાની ખારાશમાં રામબાણ ઈલાજનું કામ કરે છે. તે શરીરને અંદરથી ગરમી આપે છે.
જો તમે શિયાળામાં ઈમ્યુનિટી વધારવા માંગતા હો, તો તમારી ચામાં શ્યામ તુલસીના પાનનો ઉપયોગ કરવો વધુ હિતાવહ છે.