સિનેમા અને સામાન્ય માણસનો નાતો ખૂબ ગાઢ છે. ભારતમાં બોલીવુડ ની સાથે પ્રાદેશિક સિનેમાનું મહત્વ પણ ખૂબ છે. વર્તમાન સમયમાં તો બોલીવુડ કરતા પ્રાદેશિક ફિલ્મો વધુ કમાલ કરી રહી છે. તાજેતરમાં આવેલી કેટલીક ફિલ્મો જેવી કે, પુષ્પા, રૌદ્રમ રણમ અને રુધિરમ અને હવે કેજીએફ ચેપ્ટર 2એ ફિલ્મની વાર્તા સારી હોય તો ઈતિહાસ રચાશે જ એ બાબત સાબિત કરી છે. લગભગ રૂ.100-150 કરોડ વચ્ચે આ મુવીને માત્ર બે દિવસોમાં 250 કરોડથી વધુ વૈશ્વિક કલેક્શન કર્યું છે. જેમાંથી લગભગ 100 કરોડ એકલા હિન્દી દબ કરાયેલા સંસ્કરણમાંથે મળ્યા છે. જ્યારે બીજી તરફ બોલીવુડને ગ્રહણ લાગી ગયું છે. એક પછી એક તમામ મહત્વપૂર્ણ ફિલ્મો બોક્સ ઓફીસ ઉપર નબળી સાબિત થઇ રહી છે. કોરોના મહામારી બાદ સૂર્યવંશી અને ધ કાશ્મીરને બાદ કરતા બિગ બજેટની ફિલ્મો તેનું બજેટ કવર કરવામાં પણ હાંફી ગઈ છે. 83, ગંગુબાઈ કાઠીયાવાડી, બચ્ચન પાંડે જેવી ફિલ્મો આક્રમક પ્રમોશન કર્યા હોવા છતાં બોક્સ ઓફીસ ઉપર કમાલ કરી શકી નથી. પરંતુ શું આ સીન બદલવાનો કોઈ ઉપાય છે ખરા? બોલીવુડમાં એવું શું કરવાની જરૂર છે કે ફિલ્મો ફરીથી બોક્સ ઉપર પર મોટું કલેક્શન કરી શકે અને લોકોને આકર્ષિત કરી શકે. આ માટે અભ્યાસ કર્યા બાદ કેટલાક મુદ્દાઓ અને સૂચનો અહી આપવામાં આવ્યા છે.
સૌથી પહેલા તો બોલીવુડે એ પોતાને સર્વસ્વ અને સર્વશ્રેષ્ઠ માનવાનું બંધ કરવું જોઈએ. પોતાને બેસ્ટ અને બીજાને વેસ્ટ સમજવામાં બોલીવુડ પ્રાદેશિક સિનેમા કરતાં પાછળ રહી ગયું છે. બાહુબલીની સફળતાથી જ બોલીવૂડે શીખ લેવાની જરૂર હતી કે અન્યને નબળા સમજવા સૌથી મોટી ભૂલ સાબિત થઈ શકે છે. ભારતીય ફિલ્મ ઉદ્યોગ પર પોતાનું જ વર્ચસ્વ છે એ ભ્રમ બોલીવૂડને ભારે પડી રહ્યો છે. જો બોલીવુડને ફરીથી અવ્વલ સ્થાન મેળવવું હોય તો પોતે શ્રેષ્ઠ હોવાનો ભ્રમ દૂર કરવો જ પડશે.
બોલિવૂડની બીજી એક મોટી સમસ્યા છે – જે પણ ફિલ્મો બને છે, તે ક્યારેય સમગ્ર ભારતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવતી નથી. ફિલ્મનો મૂળ ઉદ્દેશ્ય ગામડાના ચિન્ટુથી લઈને મેટ્રોના વિક્કી સુધીના દરેકને તેમના આકર્ષક વર્ણનથી વ્હિસલ વગાડવા માટે મજબૂર કરે એવો હોતો નથી. બોલિવૂડની કૂવામાંડ દેડકા જેવી વૃત્તિ એવી છે કે તે મેટ્રો શહેરોમાં રહેતા યુવાનોને આકર્ષવા માટે જ તેની ફિલ્મો બનાવે છે અને ભારતીયતાને આકર્ષવા માટે સમગ્ર ભારતને ધ્યાનમાં રાખવું જરૂરી છે.
કહેવાય છે કે બૉલીવુડ જેટલો જૂથવાદ અને વંશવાદ અન્ય પ્રાદેશિક સિનેમામાં જોવા મળતો નથી. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અંશે જૂથવાદ જોવા મળે છે પરંતુ બૉલીવુડ જેટલો જૂથવાદ કે વંશવાદ તો નથી જ. તેલુગુ, તમિલ કે કન્નડ ફિલ્મોમાં કોઈ વંશવાદ જોવા મળતો નથી. બોલીવુડમાંથી જુથવાદ અને વંશવાદ દૂર થવો જરૂરી છે.
તમને કેમ લાગે છે કે ‘બાહુબલી’ સફળ થઈ? જોરદાર હિટ ન હોવા છતાં ‘પુષ્પા’ આટલી પ્રખ્યાત અને સફળ કેવી રીતે બની? આટલા વિલંબ અને અવરોધો પછી પણ ‘RRR’ 1000 કરોડને કેવી રીતે પાર કરી? તે બધામાં એક વસ્તુ સમાન હતી – દરેક ફિલ્મે પ્રેક્ષકોનું ખૂબ મનોરંજન કર્યું. તેમની વાત રાખી અને ભારતીયતા તેમજ ભારતીય સંસ્કૃતિનું મૂલ્ય પણ રાખ્યું.
કોરોના મહામારી દરમિયાન એક વાત ચોક્કસ સાબિત થઈ ગઈ કે ફિલ્મોનું કન્ટેન્ટ સારું જોઈએ. ફિલ્મોને કોઈ પણ પ્લેટફોર્મ ઉપર, કોઈ પણ ભાષામાં બનાવવામાં આવે. ફિલ્મોની વાર્તા સારી હશે તો ચોક્કસપણે તે લોકપ્રિય બનશે જ. કારણકે આ સમયમાં ફિલ્મો અને વેબ સિરિઝ ઓટીટી પ્લેટફોર્મ પર વધુ સારું પર્ફોમન્સ કરી રહી છે કારણકે વાર્તા સારી હોય છે. પ્રાદેશિક ફિલ્મો ચાલી રહી છે કારણકે સ્ટોરી હટકે છે. ઉપદેશના બદલે શુધ્ધ મનોરંજન આપવામાં આવશે તો ચોક્કસપણે બૉલીવુડ પણ સારું પર્ફોમન્સ કરી શકશે.
બોલીવુડે એક વાત સ્પષ્ટપણે સમજવી જોઈએ – જો દેશમાં રહેવું હોય તો ભારત અને ભારતીયતાનું સન્માન કરવું. તમે દેશની સંસ્કૃતિની મજાક ઉડાવીને, અમુક અયોગ્ય બૌદ્ધિકોને ખુશ કરી શકો છો, તેને ઉતરતી કક્ષાની બતાવી શકો છો, પરંતુ તમે તમારા મૂળ આધાર એટલે કે તમારા લોકો પર ગુસ્સો કરીને લાંબો સમય ટકી શકશો નહીં.
આ પણ વાંચો : અમદાવાદમાં એક કલાકમાં 200 લોકો માગી રહ્યા છે પાસપોર્ટ