નવરાત્રિમાં માતા દુર્ગાનું આગવું મહત્ત્વ છે. દુર્ગ રાક્ષસનો સંહાર કરવાને કારણે આ દેવીનું નામ ‘દુર્ગા’ કહેવાયું. . ‘દુર્ગા સપ્તશતી’ની એક કથા મુજબ પ્રાચીન કાળમાં દેવો અને દાનવોનો ઘોર સંગ્રામ સોવર્ષ સુધી ચાલ્યો. દાનવોનો સ્વામી મહિષાસુર હતો અને હતો અને દેવતાઓનો સ્વામી ઇન્દ્ર. મહિષાસુરે અગ્નિ, વાયુ, ઇન્દ્ર, ચંદ્ર, યમ વગેરે દેવોના અધિકાર છીનવી લીધા હતા. એમને બંદીવાન બનાવ્યા હતા.
પરાજિત દેવો જ્યાં ભગવાન શંકર અને વિષ્ણુ ઉપસ્થિત હતા, તે સ્થાને પહોંચ્યા અને દાનવોના ત્રાસની પોતાની કરુણ કથની કહી સંભળાવી. દેવોની વાત સાંભળી ભગવાન વિષ્ણુ અને શંકરનો પુણ્ય પ્રકોપ જાગૃત થયો. એમના તેજમાંથી એક મહાશક્તિનું અવતરણ થયું. સર્વ દેવોએ એ મહાશક્તિને પોતાનું તેજ એ શસ્ત્રો પ્રદાન કર્યાં. મહાશક્તિ અને દાનવોનું યુદ્ધ નવ દિવસ ચાલ્યું. દશેરાએ પ્રાપ્ત થયેલી વિજયા દશમી દૈવી શક્તિના જીતનો મહોત્સવ છે. નવરાત્રિના આ નવ દિવસો અતિ પવિત્ર અને સિદ્ધિદાયક મનાય છે.
દશેરાને દિવસે ભગવાન રામચંદ્રે દુષ્ટ રાક્ષસ રાવણ પર વિજય મેળવ્યો હતો. પ્રશ્ન થાય કે રાવણનું કુળ અને મૂળ શું હતું ? વાલ્મીકિ રામાયણમાં ઉત્તરકાંડ, સુંદર કાંડ, અરણ્યકાંડ, યુધ્ધ કાંડમાં રાવણ વિશેનાં વર્ણનો મળે છે.
બ્રહ્માજીના પુત્રનું નામ પુલસ્ત્ય હતું. તેઓ બ્રહ્માજીની જેમ આદરણીય ગણાતા. તપસ્યા માટે એમણે મેરુ પર્વત પર નિવાસ કર્યો. ત્યાં સુંદર આશ્રમ શરૂ કર્યો. કન્યાઓ આ સુંદર આશ્રમમાં રમવા જતી. તેને કારણે પુલસ્ત્યની તપશ્ચર્યામાં ભંગ પડવા લાગ્યો. એક વાર તેમણે કહ્યું કે જે કન્યા મારી નજર આગળ આવશે તે સગર્ભા બનશે. એ જાણી બધી કન્યાઓએ આશ્રમમાં જવાનું બંધ કરી દીધું. પરંતુ મુનિ તૃણબિન્દુની કન્યાએ વાતને અવગણી પુલસ્ત્યના આશ્રમમાં પહોંચી અને તે સગર્ભા બની. એ જાણી તેના પિતા તૃણબિંદુ તપસ્વી પુલસ્ત્ય પાસે પહોંચ્યા. અને એમની સ્વીકૃતિ લઇ પોતાની પુત્રીને તેમની સેવામાં અર્પિત કરી. એ પુત્રીની સેવાથી પ્રસન્ન થયેલા પુલસ્ત્યે કહ્યું ઃ ‘તારી કૂખે મારા જેવો એક તેજસ્વી પુત્ર જન્મશે જે પૌલસ્ત્ય અને વિશ્રવા કહેવાશે.’
વિશ્રવાના ગુણોથી રિઝીને ભારદ્વાજે પોતાની પુત્રી દેવવર્ણિની સાથે વિશ્રવાનું લગ્ન કરાવ્યું. તેમનો પુત્ર વૈશ્રવણ ઉર્ફે કુબેર નામે જાણીતો થયો. તપથી તેણે બ્રહ્મા પાસેથી દેવોના કોષાધ્યક્ષ બનવાનું વરદાન પ્રાપ્ત થયું. તેથી વૈશ્રવણ ઉર્ફે કુબેર ઇન્દ્ર, વરુણ અને યમ સાથે ચોથો લોક પાલ બની ગયો. બ્રહ્માએ તેને પુષ્પક વિમાન પણ આપ્યું એણે પિતા વિશ્રવાને પૂછ્યું: ‘હું દેવોનો કોષાધ્યક્ષ તો બન્યો, પણ મારી પાસે રહેવાની કોઈ જગા નથી.” વિશ્રવાસે કહ્યું- ‘બ્રહ્માના ડરથી ધનધાન્ય સુવર્ણથી પરિપૂર્ણ લંકાના બધા જ રાક્ષસો પાતાળમાં ચાલ્યા ગયા છે. તું લંકા પર આધિપત્ય જમા લે.’ કુબેરે લંકા નિવાસ શરૂ કર્યો.
રાક્ષસોના રાજા સુમાલીને એક પુત્રી હતી, જેનું નામ કૈકસી હતું. તેેને પોતાની પુત્રીના લગ્નની ચિંતા હતી. તપસ્યારત વિશ્રવાને જોઇને કૈકસીનું લગ્ન તેમની સાથે કરવાનું નક્કી કર્યું. પિતાની આજ્ઞાાનુસાર કૈકસી વિશ્રવા પાસે પહોંચી અને એક પુત્ર પ્રાપ્તિની મનોકામના વ્યક્ત કરી. વિશ્રવાએ કહ્યું- અત્યારે પ્રદોષનો ભયાનક સમય ચાલે છે. એથી અત્યારે ગર્ભધારણથી એક ભયાનક સંતાન જન્મશે. જેનો આકાર-પ્રકાર પણ ભયાનક હશે. કૈકસીની પ્રાર્થનાથી વિશ્રવાએ કહ્યું કે તારો સૌથી નાનો પુત્ર ભાનુકર્ણિ વિભિષણ ધર્માત્મા હશે, અને સૌથી મોટો પુત્ર દસ મસ્તકવાળો હશે. જે રાવણ કહેવાશે. એક પુત્ર કુંભકરણ તરીકે અને એક કન્યા જન્મશે જે શૂર્પણખા તરીકે જાણીતી થશે.
કૈકસીએ રાવણને કુબેર જેવો બનવાની પ્રેરણા આપી. રાવણે કહ્યું ‘મા, હું પ્રતિજ્ઞાા કરું છું કે હું કુબેર જેવો જ ઐશ્વર્યવાન બની દેખાડીશ.’ રાવણ વનમાં તપસ્યા કરવા ચાલ્યો ગયો. એણે દસ હજાર વર્ષ નિરાહારી રહી તપ કર્યું. દર હજાર વર્ષે રાવણ પોતાના દસ મસ્તકોમાંથી એક મસ્તક કાપીને હોમાગ્નિમાં અર્પિત કરતો હતો. એના દસમા મસ્તક કાપવાના પ્રસંગે બ્રહ્માજી પ્રગટ થયા અને વરદાન આપ્યું કે ગરુડ, નાગ, યક્ષ, દૈત્ય, દાનવ અને રાક્ષસો પૈકી કોઈ તેને મારી શકશે નહીં. તથા સ્વેચ્છાએ મનગમતું રૂપ ધારણ કરી શકશે તેનાં કપાયેલાં મસ્તકો ધડ પર પુનઃ સ્થાપિત થશે. સુમાલીએ રાવણને લંકામાંરહેલા કુબેર સાથે યુદ્ધ કરવા પ્રેર્યો. કુબેર રાવણનો સાવકો ભાઈ હતો. રાવણે પ્રહસ્ત નામના દૂતને કુબેર પાસે લંકાની રાજધાનીની માગણી કરાવી. ત્યાં તે વખતે સુમાલી વગેરેનું રાજ્ય હતું. કુબેરે કહ્યું કે રાવણ મારો ભાઈ છે. લંકા નગરી અને સમગ્ર ધનસંપત્તિ આજથી તેની છે. કુબેર લંકા છોડી કૈલાસ પર્વત પર રહેવા ચાલ્યો ગયો. રાવણને લંકા નગરી પ્રાપ્ત થઇ અને રાક્ષસોએ તેનો રાજ્યાભિષેક કર્યો.
એકવાર શિકાર માટે નીકળેલા રાવણનો ભેટો દિતિના પુત્ર મયદાનવ જોડે થયાં. મયદાનવ સાથે એક રૂપાળી પુત્રી પણ હતી. એણે કહ્યું કે મારું લગ્ન હેમા નામની અપ્સરા સાથે થયું હતું, એ કન્યાનું નામ મંદોદરી છે. રાવણની બીકથી મયદાનવે પોતાની પુત્રી મંદોદરીને રાવણ સાથે પરણાવી દીધી. સાથે સાથે એક અમોઘ શક્તિ પણ રાવણને આપી, જેનો પ્રયોગ રામ-લક્ષ્મણ સાથેના યુધ્ધમાં રાવણે લક્ષ્મણ પર કર્યો હતો.
રાવણ મહાપરાક્રમી, મહાબળસંપન્ન અને ભૌતિકશક્તિઓથી છલોછલ ભરેલો હતો. શંકરનો ઉપાસક હતો. મહાજ્ઞાાની હતો પણ વિલાસી અને વાસના ઘેલો હતો. રાવણને અનેક રાણીઓ હતી. મંદોદરી તેનાં પટરાણી હતા. વિભિન્ન વિદ્યાઓના પ્રયોગથી રાવણ અનેક રૂપ ધારણ કરી રાણીઓ સાથે વિલાસ કરતો હતો.
મુખ્ય પ્રશ્ન છે રામ વિજયી બન્યા રાવણ હણાયો, પણ ખરા અર્થમાં રાવણ હણાયો છે ખરો ? રામના નામની સાથે સાથે દુરાચારી રાવણને પણ લોકોએ પ્રત્યેક દશેરાએ તેના પૂતળાનું દહન કરી તેને અમર અને યાદગાર બનાવી દીધો. રાવણત્વ અમર છે. દ્વાપર યુગમાં કંસ રૂપે અને કળિયુગમાં અત્યાચારીઓ, બળાત્કારીઓ, સત્તાલોભીઓ અને ભ્રષ્ટાચારીઓ રૂપે દુરાચારીઓની સંખ્યા વધી રહી છે ત્યારે પ્રજાએ પણ પોતાનામાં રામત્વ અને લક્ષ્મણત્વ પ્રગટાવવું પડશે. આપણે નિર્બળતા ત્યજી વીરત્વના ઉપાસક બનીએ અને શક્તિપર્વ નવરાત્રિ અને વિજયા દશ્મીનો સંદેશ આપણા અંતઃકરણમાં અડ્ડો જમાવીને બેઠેલા ષડરિપુ રૂપી રાવણનો નાશ કરીએ તો જ વિજયના અધિકારી બની શકીએ.
માણસમાં રહેલા રાવણત્વના વિનાશના સાત ઉપાયો કયા ?
- નિર્બળતાનો ત્યાગ અને શક્તિ સંપન્નતાની ઉપાસના. ‘ગરબા’ની સાથે સાથેે ‘ગરવા’ બનવાનો સંકલ્પ.
- આંતરિક નબળાઈઓ પર વિજય મેળવી સદાચાર વિકસાવવાની પ્રતિજ્ઞાા.
- ઉદાત્ત જીવન મૂલ્યોની ઉપાસના. જ્ઞાાન, વિદ્યા, બળ તથા સત્તાના દુરૂપયોગથી મુક્ત રહેવાનું મનોબળ.
- કામ અને દામના સામ્રાજ્યને વિકસતું અટકાવવાની સક્રિયતા.
- સ્ત્રીઓ તરફ પવિત્ર દ્રષ્ટિકોણ ધરાવવાની સદવૃત્તિ. સ્ત્રી-દાક્ષિણ્યને મહત્ત્વ.
- દરેક દિવસને શક્તિપૂજાનું ગૌરવ બક્ષી રાક્ષસી વૃત્તિના નાશ માટેનું મનોબળ કેળવવાની આવશ્યક્તા.
- સમાજ અને પરિવારમાં મંથરાઓ અને કૈકેયીઓની સંખ્યા ઘટે અને લક્ષ્મણ તથા ભરત જેવા બંધુઓ પ્રત્યેક પરિવારમાં પ્રગટે, વધે તેવી ઉદાત્ત ભાવના.