Gandhinagar News: તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટના સાત જજની બેન્ચે અનામત મુદ્દે ઐતિહાસિક ચુકાદો આપ્યો. મૂળ કેસ તો પંજાબનો હતો, પરંતુ માનવામાં એવું આવી રહ્યું છે કે દેશની સર્વોચ્ચ અદાલતના આ ચુકાદા બાદ આખા દેશમાં અનામતની વ્યવસ્થા પર એની વ્યાપક પ્રમાણમાં અસર પડશે. વાત છે અનામતના ક્વોટામાં જ અનામત આપવાની.
આ વાતને સરળ રીતે સમજીએ તો ગુજરાતમાં અનુસૂચિત જાતિને 7.5 ટકા, જ્યારે અનુસૂચિત જનજાતિને 15 ટકા જેટલી અનામત મળવાપાત્ર છે. સુપ્રીમ કોર્ટે આ ટકાવારીમાં પણ પેટાજ્ઞાતિ પ્રમાણે અનામત આપવાનો ચુકાદો આપ્યો છે. વળી, આ કામ રાજ્ય સરકાર કરશે એવો પણ ઉલ્લેખ કર્યો.
અનામતનો મુદ્દો વર્ષોથી અલગ-અલગ કારણોસર ચર્ચાસ્પદ રહ્યો છે. હાલમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા દેશભરના લોકોને અનામતને ‘નવી નજરે’ જોવાની દૃષ્ટિ મળી છે, પરંતુ દેશની સૌથી મોટી કોર્ટના ચુકાદાની અમલવારી અને એની ભાવિ અસરોને લઈને પ્રશ્નો પણ ઘણા ઊઠે છે, એટલે વાચકો આ મુદ્દાને સરળ રીતે સમજી શકે, એનું અર્થઘટન પોતાની રીતે કાઢી શકે એ માટે ચાર એક્સપર્ટ પાસેથી તેમનો મત જાણવામાં આવ્યો હતો. ગુજરાતમાં અનામતના ક્વોટાની અંદર અનામત આપવી હોય તો શું કરવું પડે અને લોકો પર એની અસર શું પડી શકે છે એ જાણો.
આ અંગે ગુજરાતના નિષ્ણાતોનું કહેવું છે કે અનામતનો મતલબ જ એ છે કે પછાત વર્ગને ટેકો આપવો. બંધારણના અનુચ્છેદ 15 અને 16માં એનો ઉલ્લેખ છે. અનામત આપવાનું કામ રાજ્યોનું છે, એટલે જ અમુક જ્ઞાતિ મહારાષ્ટ્રમાં અનામત હેઠળ આવે, પણ એ જ્ઞાતિ ગુજરાતમાં ન પણ આવતી હોય. તેમણે જણાવ્યું, સુપ્રીમ કોર્ટે ચુકાદામાં એમ પણ કહ્યું હતું કે રાજ્ય સરકાર પોતાને મન ફાવે એમ અનામત ન આપે, પરંતુ ડેટાના આધારે નિર્ણય લે. દાખલા તરીકે ગુજરાતમાં OBCમાં આંજણા પાટીદારોને સમાવાયા છે. આંજણા પાટીદારો પછાત નથી તો તેમને OBC કેવી રીતે કહેવાય? તેમનો કોઈ ડેટા કલેક્ટ નહોતો થયો અને તેમને OBCમાં સમાવી દીધા એટલે એવું ન થવું જોઈએ.
આ ચુકાદાનો રાજકીય અર્થ એ નીકળે છે કે વિરોધપક્ષો જાતિગત વસતિગણતરીની માગણી કરી રહ્યા છે તેને પાર્ટલી ટેકો છે, કેમ કે કોર્ટના ચુકાદાની અમલવારી માટે SC-STની પેટા-જ્ઞાતિની પણ ગણતરી કરવી પડશે, એટલે અનામતનો લાભ કેટલીક જ જ્ઞાતિ લઈ જાય છે એમ કહ્યું, હવે અનામતનો લાભ એવા લોકોને મળશે, જેમને ખરેખરમાં જરૂર છે. આવો સવાલ OBCમાં પણ ઊભો થયો હતો. એ વખતે ચુકાદો આવ્યો હતો કે OBCમાંથી જે લોકો અમુક વખત અનામતનો લાભ લઈ ચૂક્યા છે અને જેમની આવક વધારે છે તેવાને ક્રીમી લેયર મારફત બહાર કાઢો. જે લોકો ભણીગણીને IAS, IPS બની ગયા છે એ લોકોને અનામતના લાભમાંથી બાદ કરી દેવા જોઈએ.’
ગુજરાતમાં અમલનું સમર્થન કરતાં તેઓ કહે છે, અનામતનો ઉલ્લેખ બંધારણમાં છે અને રાજ્યએ આપવી જોઈએ, પરંતુ નુકસાન કેવી રીતે થાય એનું ઉદાહરણ સમજીએ તો ST જાતિને જે સ્કોલરશિપ અપાય છે એમાંની 33 ટકા સ્કોલરશિપ 3 ટકા વસતિ ધરાવતા ધોડિયા જાતિના લોકો લઈ જાય છે. હળપતિ અને નાયકા સ્કોલરશિપનો વધારે લાભ નથી મળતો. એવું જ નોકરીઓનું પણ છે. રાઠવા, ચૌધરી, ગામિત અને ધોડિયા એમ 4 જાતિમાં ST વહેંચાયા છે અને 25 આદિજાતિ છે, પણ તેમાંથી બીજા બધાને લાભ મળતો નથી.
એક રાજકીય વિશ્લેષકે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો ઘણો જ વિવાદાસ્પદ છે. આગામી સમયમાં ઘણો વિવાદ થશે. કોર્ટે કહ્યું છે કે બધા જ દલિતો સરખા નથી. એટલા માટે કેટલીક જ્ઞાતિઓને અનામતનો લાભ વધારે મળે છે, કેટલીક જ્ઞાતિઓને બહુ જ ઓછો મળે છે અને કેટલીક જ્ઞાતિઓને બિલકુલ મળતો જ નથી, જેથી દલિતોમાં જુદી-જુદી જ્ઞાતિઓ માટે કુલ અનામતમાં પણ અનામત ઊભી કરવી. તેમણે ઉદાહરણ આપતા કહ્યું, ગુજરાતમાં 35 જ્ઞાતિ એવી છે કે એ દલિત જ્ઞાતિઓ છે. ગુજરાતમાં અત્યારે 45 લાખથી 50 લાખની દલિતોની વસતિ હશે. આવા સંજોગોમાં જે 7 ટકાની આસપાસ અનામત છે એ આ 35 જ્ઞાતિ વચ્ચે વહેંચવામાં આવે એવું આ ચુકાદો કહે છે.
જો SC અને ST વર્ગને તેમને મળતી અનામતમાં પણ ક્વોટા પાડીને જ્ઞાતિ આધારિત અનામત આપવામાં આવે તો એની કેવી અસરે થઈ શકે? એ બાબતે તેમણે ચિંતા કરતાં કહ્યું, મને લાગે છે કે મોટા પ્રમાણમાં વિવાદો ઊભા થશે. અત્યારે અનામત સીટ પૂરતા પ્રમાણમાં ભરાતી ન હોય એવી પરિસ્થિતિ છે. બીજો મુદ્દો છે કે અનામતની અંદર અનામત આપશો તો જો અમુક જ્ઞાતિના ઉમેદવારો ન મળે અને એ જગ્યાઓ ખાલી રહે એવા સંજોગોમાં દલિતોને અન્યાય થાય, કારણ કે તમામ પેટા-જ્ઞાતિનો ક્વોટા નક્કી હશે. એટલે દલિતોની અંદર ઈન્ટરટ્રાન્સફર નહીં થાય તો મોટી મુસીબત થઈ શકે એવું મને લાગે છે. સુપ્રીમ કોર્ટનાં જ એક જસ્ટિસ બેલા ત્રિવેદીએ પોતાના ચુકાદામાં કહ્યું છે કે દલિતો એકસરખા છે, એક જ પ્રકારનો વર્ગ છે. આ વાત બિલકુલ સાચી છે. દલિતોની અંદર જુદી-જુદી જ્ઞાતિઓ વચ્ચે પણ વૈમનસ્ય ઊભું થવાની સંભાવના થોડી વધી જાય છે.
જ્યારે દલિત માનવ અધિકાર કાર્યકરે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના નિર્ણયને બે રીતે જોઈ શકાય. આ ચુકાદો તર્કસંગત છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ બંનેમાં આંતરિક ભેદભાવ છે. સરખાપણું નથી એ વાત કોર્ટે નોંધી પણ છે, પરંતુ અનામત એ અસમાનતાના અંત માટેનો ઉત્તમ ઉપાય નથી. ચુકાદામાં સ્ત્રીઓની વાત નથી કરી, માત્ર જાતિની અસમાનતાની વાત કરી છે. પંચાયત ધારામાં સ્ત્રીઓ માટે 50 ટકા અનામત આપણે લાવી શક્યા, પણ નોકરીની બાબતમાં કેમ નહીં? એટલે મારા મતે આ મુદ્દે પણ ભાર આપવાની જરૂર હતી.
સુપ્રીમ કોર્ટના ચુકાદાના અમલીકરણથી અનુસૂચિત જાતિ અને જનજાતિની પેટા જ્ઞાતિઓ વચ્ચે સંઘર્ષ વધશે તે અંગે તેમણે જણાવ્યું હતું કે આમાં અનામત ઘટાડવાની કોઈ વાત નથી. આ ચુકાદો આપવાનું કારણ એટલું જ છે કે અમુક પેટા-જાતિને વધારે લાભ મળતો અને બીજાને લાભ મળતો નથી, પરંતુ આ ચુકાદાના અમલીકરણમાં SC-STની પેટા-જ્ઞાતિઓમાં અંદરોઅંદર ઘર્ષણ વધશે. વળી, સરકાર આમ પણ અનામતનો અમલ ન કરવા માટે ઘણાં બધાં કારણો ધરે છે. આપણે ત્યાં અનામતનો 100 ટકા અમલ ક્યારેય થયો નથી.
આ ચુકાદાની અમલવારી કરવી હોય તો કેવી કેવી પ્રક્રિયા હાથ ધરવી પડે તે અંગે તેમણે જણાવ્યું હતું કે સૌથી પહેલા તો સરકારને સર્વેક્ષણ કરવાની જરૂર પડશે. મને લાગે છે કે અનુસૂચિત જાતિ અને જનજાતિ મળીને ગુજરાતમાં લગભગ 67 જેટલી થાય છે. રિસર્ચના આધારે ચર્ચા કરવી પડશે, કેમ કે જે પણ સરવે થશે એના પર વિવાદ થઈ શકે છે. સરકાર પાસે “નવસર્જને” કરેલા અભ્યાસનો ડેટા પડ્યો છે. અમને એ કરતાં 4 વર્ષ લાગ્યા. જો સરકાર સ્વીકારી લે તો આપણે ઘણા આગળ જઈ શક્યા હોત. ડેટા છુપાવવાથી ઉકેલ નથી આવતો.
આ સિવાય સામાજિક બાબતોના નિષ્ણાતે જણાવ્યું હતું કે 2011ની વસતિગણતરી પ્રમાણે SC-SCની અલગ-અલગ જાતિ છે. વર્તમાનમાં ગુજરાત સરકારે આ તમામ જાતિઓની હાલની માહિતી એકત્રિત કરવી પડે, જેમાં મારા મતે છેલ્લી ત્રણ પેઢીની સમીક્ષા થવી જોઈએ. અલગ-અલગ જાતિમાં શિક્ષણનું પ્રમાણ કેટલું છે? સરકારી અને ખાનગી નોકરી કોની પાસે છે? જમીનની માલિકી કોની પાસે છે? આવી માહિતી લાવવી પડે. મને લાગે છે કે સરકારનાં સંલગ્ન ખાતાં પાસે આ માહિતી છે અને એ માહિતીના આધારે શરૂઆત થઈ શકે, પણ આપણી પાસે પૂરતો ડેટા નથી.’
આ પણ વાંચો:આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદ, તંત્ર એલર્ટ
આ પણ વાંચો:વલસાડમાં પૂરની સ્થિતિ, 1000 લોકોનું સ્થળાંતરણ…શૈક્ષણિક સંસ્થાઓ રહેશે બંધ
આ પણ વાંચો:શિવાલયો મહાદેવના નાદ સાથે ગૂંજી ઉઠશે, ભક્તોમાં દર્શન કરવા જોવા મળી તાલાવેલી
આ પણ વાંચો:પેરિસમાં પેરાલિમ્પિક્સમાં ભાગ લેશે ગુજરાતના આ ખેલાડીઓ