આખરે કોંગ્રેસ હાઈકમાન્ડે શુક્રવારે બપોરે ગુજરાત કોંગ્રેસ પ્રમુખના નામની જાહેરાત કરી દીધી છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખે જગદીશ ઠાકોરના નામની સત્તાવાર જાહેરાત કરી હતી. મંતવ્ય ન્યૂઝે આ સમાચાર એક માસ પહેલા જ પ્રસારિત કર્યા હતા અને તેમની નિયુક્તિ થશે તેવી જાહેરાત કરી હતી.
ગુજરાત કોંગ્રેસના નામ પર છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી અટકળો વચ્ચે શુક્રવારે અંતની સાથે સુકાન વિહોણા ગુજરાત કોંગ્રેસમાં નવો પ્રાણ ફૂંકાયો છે. કાર્યકર્તાઓમાં તેમના નામની નિયુક્તિ થતાં આનંદ જોવા માટે મળી રહ્યો છે. તેમની ઓફિસની બહાર કાર્યકર્તાઓ ફટાકડા, ધ્વજ ફરકાવી, નૃત્ય કરતા જોવા માટે મળી રહ્યા છે.
પૂર્વ સાંસદ (@jagdishthakormp) શ્રી જગદીશ ઠાકોરની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અઘ્યક્ષ તરીકે નિયુક્તિ થવા બદલ અભિનંદન pic.twitter.com/O0rxYel1eh
— Gujarat Congress (@INCGujarat) December 3, 2021
કોણ છે જગદીશ ઠાકોર?
જગદીશ ઠાકોર કોંગ્રેસના પાયાના કાર્યકર્તા છે. અને તેઓ ગુજરાત કોંગ્રેસના ઘણીવાર સંકટમોચક પણ રહેલા છે. આ ઉપરાંત જગદીશ ઠાકોર ઉત્તર ગુજરાત OBC સમાજનો મોટો ચહેરો રહેલા છે. તેઓ બોલવામાં ખૂબ જ તીખા અને પૂર્વ સાંસદ તરીકે બે વાર રહી ચૂક્યા છે. તેઓ દેહગામ વિધાનસભા બેઠક પરથી 2002થી 2007 અને 2007થી 2009 સુધી ધારાસભ્ય રહી ચૂક્યા છે.
2009ની લોકસભા ચૂંટણીમાં ચાલુ ધારાસભ્યને પગલે પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. 2009થી 2014 સુધી કોંગ્રેસમાંથી પાટણ લોકસભા બેઠકના સાંસદ રહી ચૂક્યા છે.
જગદીશ ઠાકોરના રાજકીય ઈતિહાસ પર એક નજર કરીએ તો, વર્ષ 2016માં કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું હતું. ઠાકોરે એ વખતે જાહેરાત કરી હતી કે, હવેથી પોતે માત્ર સામાન્ય કાર્યકર તરીકે જ કામ કરશે. પરંતુ જગદીશ ઠાકોરની આ જાહેરાતે ખળભળાટ મચાવ્યો હતો. આ જાહેરાતના કારણે જગદીશ ઠાકોરની રાજકીય કારકિર્દી સમાપ્ત થઈ ગઈ હોવાનું મનાતું હતું. પણ પાંચ વર્ષમાં જ ઠાકોરે ભવ્ય પુનરાગમન કર્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસનો સર્વોચ્ચ હોદ્દો મેળવીને જગદીશ ઠાકોરે હાઈકમાન્ડને પોતાની તાકાત અને મહત્વ સમજાવવામાં સફળતા મેળવી છે.