પુરુષના પરસ્ત્રી સાથેના આડા સંબંધો વિશે તો આપણે અવારનવાર સાંભળીએ જ છીએ. પરંતુ, આજે હાઇકોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. જેમાં, પત્નીને પરપુરુષ સાથેના આડા સંબંધો હોવાના કારણે બંને છુટા પડ્યા હોય ત્યારે આવા બનાવમાં પણ પતિએ પત્નીને ભરણપોષણની રકમ તો ચુકવવી જ પડશે.
આવા બનાવોમાં મહિલા અધિકારોનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. પત્નીને અન્ય પુરુષ સાથે અનૈતિક સંબંધ હોવા છતા ભરણપોષણના અધિકારથી વંચિત રાખી શકાય નહી તેવું જસ્ટિસ જે.બી પારડીવાલા અને જસ્ટિસ નિરલ મહેતાની ખંડપીઠે પત્ની દ્વારા છૂટાછેડા હોવા છતાં પતિ સાથે રહેવા કરેલી અપીલમાં આવું અવલોકન કર્યુ છે. આ કિસ્સામાં પત્નીને લગ્નના થોડા વર્ષો પછી અનેક લોકો સાથે આડા સંબંધ હોવાના કારણે પતિએ ફેમિલી કોર્ટમાંથી છૂટાછેડા લીધા હતા. ત્યારબાદ ફેમિલી કોર્ટના ચુકાદાને પત્નીએ હાઇકોર્ટ સુધી પહોંચડ્યો હતો અને એવી રજૂઆત કરી હતી કે, તેણીને તેના પતિ સાથે પતિના ઘરમાં જ રહેવું છે અને જો પતિ સાથે રાખવાની ના કહે તો ભરણપોષણ અપાવો.
ખંડપીઠે ટકોર કરતાં કહ્યું હતું કે, ભરણપોષણ મેળવીને છૂટા થાઓ. જો પતિને તમારી સાથે રહેવામાં જ ઈચ્છા નથી તો આવા લગ્નનો કોઇ મતલબ નથી. ગાંધીનગરની એક પરિણીતાએ હાઇકોર્ટમાં તેમના છુટાછેડાને લઈને તેમના દીકરાને પડકારતી અપીલ કરી હતી. પત્ની આ મામલે હાઇકોર્ટમાં અપીલ કરી હતી કે, 2014થી તે તેના દીકરા સાથે અલગ રહે છે. જેથી દીકરો હવે તેના પિતાને ઓળખતો પણ નથી. ત્યારે પતિએ સામે એવી દલીલો કરી હતી કે, પત્ની તેના કરતાં બે ગણું કમાય છે તો પણ માત્ર મને હેરાન કરવા માટે ભરણપોષણની માંગ કરી રહી છે. ત્યારે ખંડપીઠે તેના જવાબમાં એવી ટિપ્પણી કરી હતી કે, પત્ની તમારા કરતા ચાર ગણું વધારે કમાતી હોય તો પણ તમારે ભરણપોષણ તો ચૂકવવું પડે, તમે એક સાથે રકમ આપી દો તો ઝડપથી છૂટા થઈ શકશો. ભરણપોષણ તો આપવું પડશે.
પત્નીના અનૈતિક સંબંધોના કારણે બાળકને તેના અધિકારથી વંચિત રાખી ના શકાય. બાળક તરફની જવાબદારીમાંથી પિતા છટકી શકે નહીં. પત્ની વ્યભિચારી હોય તે કારણે ભરણપોષણ નહી આપવાનું એવો કોઇ કાયદો નથી. ત્યારે પિતાએ દીકરાને જિંદગીભરના ખર્ચ માટે 8 લાખ આપવાની વાત કરી હતી.
આ સાંભળી કોર્ટે એવી ટિપ્પણી કરી હતી કે, જરાક વિચાર કરો કે દીકરાના આખી જિદંગીમાં એજયુકેશન, મેડિકલ અને અન્ય ખર્ચા કેટલા થાય? અત્યારની મોંઘવારીને જોતાં 8 લાખ તો માત્ર ટ્યુશન ફી માંજ ખર્ચ થઈ જાય છે. તો સમજી વિચારીને કોઈ નિર્ણય કરો નહીંતર પરિણામે કોર્ટે જ કોઈ નિર્ણય કરવો પડશે.