- નેપાળના વિવાદી વડા હવે વિદાયની વાટે
- ભારત સાથે સરહદી વિવાદ છેડનાર અને ભગવાન રામનો જન્મ અયોધ્યામાં નહિ પણ નેપાળના વિરગંજ પાસે થયો છે તેવો દાવો કરનારા વડાપ્રધાન પી કે ઓલી શર્મા સામે નેપાળી સાંસદે અવિશ્વાસ દરખાસ્ત પસાર કર્યા બાદ સર્જાતુ ચિત્ર
@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
આખરે ચીનના ઈશારે નાચી ભારત સામે શીંગડા ભરાવતા નેપાળના વડાપ્રધાન કે.પી. ઓલી શર્માનો ખેલ પડી ગયો છે. નેપાળની સંસદમાં તેમની સામે અવિશ્વાસનો ઠરાવ પસાર થઈ ગયો છે. વિશ્વાસનો મત પસાર થયો નથી. આ તેની સામે ઉભા થયેલા સૌથી મોટા ગંભીર સંકટનો પૂરાવો છે. નેપાળના સમાજવાદી પક્ષ તેની સાથે નથી. હવે નેપાળમાં આ માઓવાદી શાસક પોતાનું શાસન ટકાવી શકે તેવી શક્યતા ઓછી છે. તેમના મુખ્ય હરીફ અને અમૂક સમય સુધી જેણે ટેકો પણ આપ્યો છે તે પ્રચંડ તેની સામે છે. નેપાળ ખાતેના ચીની રાજદૂતે ભલે ચાર માસ પહેલા પી કે ઓલી શર્માને બચાવી લીધા હતા પરંતુ હવે તે શક્ય નથી. જે દેશ સાથે રોટી બેટીનો વ્યવહાર છે તે ભારત સામે ચીનની દોરવણીથી મોરચો માંડવાનું વલણ તેના માટે વિદાય જેવું જ પૂરવાર થાય છે.
નેપાળમાં રાજા વિરેન્દ્રની ચિરવિદાય બાદ ત્યાં માઓવાદી અને ચીનની ચશ્મપોશી કરવાની વિચારધારા ધરાવતા સામ્યવાદી પક્ષનું શાસન હતું. જાે કે સામ્યવાદી પક્ષમાં પણ એકતા તો નહોતી જ. પ્રચંડ અને ઓલી બે જૂથ હતાં. બે અલગ પક્ષ હતા. કોઈરાલાની નેપાળી કોંગ્રેસ બહુમતીથી ઘણી દૂર હતી. ભારત અને નેપાળ વચ્ચે ૧૭૦૦ કિલોમીટરથી લાંબી સરહદ છે. નેપાળની દરેક હોનારત વખતે ભારત તેની સાથે રહ્યું છે. નેપાળમાં ભારતના અનેક આસ્થા સ્થળો આવેલા છે. નેપાળ ભલે એક જમાનામાં કેસીનો માટે પ્રખ્યાત હતું પણ ભારત માટે પવિત્ર કહી શકાય તેવા સ્થળો ત્યાં આવેલા છે. નેપાળનો ગુરખા સમાજ ભારતમાં અનેક સ્થળે પથરાયેલો છે તો હજારો ભારતીયો પણ નેપાળમાં છે. જ્યાં સુધી રાજા વિરેન્દ્ર અને નેપાળી કોંગ્રેસની બોલબાલા હતી ત્યાં સુધી તો નેપાળ વિશ્વનું એકમાત્ર હિંદુ રાષ્ટ્ર ગણાતું હતું. નરેન્દ્ર મોદી સહિત ભારતના અનેક વડાપ્રધાનોએ તેને સાથ આપ્યો છે.
જ્યારથી ચીન નેપાળની પડખે ચડ્યું આ હિંદુઓની વસતિવાળા રાષ્ટ્રમાં માઓવાદી વિચારધારા ધરાવતા તત્વનો પગેપેસારો થયો અને તેમાંય ખાસ કરીને પી.કે. ઓલી શર્મા વડાપ્રધાન બન્યા. ચીને નેપાળમાં કરોડો રૂપિયાના ખર્ચે કોરીડોર બનાવવાની યોજના ઘડી કાઢી. ત્યારબાદ ત્યાં એકધારૂ ભારત વિરોધી વૈમનસ્ય ઉભું કરવાના પેંતરા સતત થતાં રહ્યા છે.
ભારતમાં ૮મી મે ૨૦૨૦ના રોજ લિપુલેખ – ધારાચુલા માર્ગનું ઉદ્ઘાટન થયું તેનાથી ચીનના પેટમાં તેલ રેડાયું. તેણે નેપાળના શાસકોને ઉશ્કેર્યા. ભારતે તે વખતે પણ સ્પષ્ટ કહ્યું કે લિપુલેખ એ ભારતનો ભાગ છે પણ પી.કે. ઓલી શર્માની સરકારે જાણે કાલાપાની લિપુ લેખ અને લિપિથા ધુરા પોતાના વિસ્તાર હોય તેવો નકશો સંસદમાં કહેવાતા રાષ્ટ્રવાદની દુહાઈ આપીને નેપાળની સંસદમાં ઓલી શર્માની સરકારે મંજૂર કરાવ્યો. જ્યારે ભારતે તો ૨૦૧૯માં લિપુલેખા ભારતનો ભાગ છે અને ૧૮૧૫માં અંગ્રેજ શાસન દરમિયાન જે કરાર થયેલો જે સુગીની સંધી તરીકે ઓળખાય છે તેમાં આ બધું સ્પષ્ટ હતું. નેપાળે ભારત સાથેની સરહદે સૈન્ય પણ ખડકી દીધું હતું. ભારત જ્યારે કોરોનાની પ્રથમ લહેર સામે લડી રહ્યું હતું અને ચીને ભારત સામે લડાખ સરહદે પણ ઘુસણખોરી કરી હતી તેવે સમયે ચીનના ૧૦૦૦ જેટલાં સૈનિકો ભારત નેપાળ સરહદે પણ ગોઠવાઈ ગયા હતા. આ પી.કે. ઓલી શર્મા સરકારની ગોઠવણ હતી.
ચીને જાણે કે નેપાળમાંથી જ ભારત સામે બીજાે મોરચો ખોલ્યો હોય તેમ જૂની દોસ્તી પર પાણી ફેરવવા ડ્રેગને પડદા પાછળ ખેલ પાડ્યો હતો. પી.કે. ઓલી શર્મા બદનામ રાજકારણીઓમાં જ તેની ગણના થાય છે. નેપાળના બન્ને સામ્યવાદી પક્ષોની એકતા હતી એટલે તેમનું શાસન ટકી ગયું હતું. નેપાળી કોંગ્રેસ નબળી પડી તેનો લાભ ઉઠાવ્યો હતો. ચીનની રાજદ્વારા હોઉમાંગ નેપાળના રાજકારણમાં સીધી દખલગીરી કરતી હતી તેના કારણે તો પી.કે. ઓલી શર્મા નેપાળી સંસદમાં અવિશ્વાસની દરખાસ્ત દરમિયાન બે વખત બચી ગયા હતા. નકશા વિવાદ તો છે જ અને નેપાળે ચીનની મદદ લઈ તેને યુનો સુધી ચગાવ્યો છે. જાે કે તેમાં તેને ધારી સફળતા મળી નથી.
થોડા સમય પહેલા ભારત નેપાળ સરહદે ગોળીબારનો બનાવ બનેલો અને નેપાળી સૈનિકોએ કરેલા ગોળીબારને કારણે એક ભારતીય નાગરિકનું મોત પણ થયું હતું. પાકિસ્તાન અને ચીન તો ભારત સાથેની સરહદે અવારનવાર છમકલા કરે જ છે પરંતુ નેપાળની સરહદે આ પ્રકારનો ગોળીબાર થયાનો આ પ્રથમ બનાવ હતો. નેપાળ બાદ ચીને ભૂતાનને પણ પોતાની પાંખમાં લેવાનો પ્રયાસ કરેલો. પરંતુ તેમાં આજ દિન સુધી ચીન સફળ થયું નથી. તે ભારત માટે સારી વાત છે કે ભૂતાન નેપાળની જરાસરખી પણ અસરમાં આવ્યું નથી.
અયોધ્યામાં રામમંદિર અંગેનો ચૂકાદો આવ્યો અને અયોધ્યામાં ભગવાન રામના જન્મ સમયે ભવ્ય રામમંદિર બનાવવાનો તખ્તો હિંદુ સંગઠનોએ તૈયાર કર્યો તે સમયગાળામાં એટલે કે ૨૦૨૦ના મે માસમાં નેપાળના આ વિવાદી વડાપ્રધાને એવો દાવો કર્યો કે ભગવાન શ્રી રામનો જન્મ ભારતની અયોધ્યામાં નહિ પણ નેપાળના બીરગંજ નજીક થોરી વિસ્તારમાં થયો હતો અને આ અંગે કહેવાતા પૂરાવા ઉભા કરાવવા ઓલી શર્માની સરકારે ખોદકામ કરવાનું નાટક પણ કર્યુ હતું પરંતુ તેમાં તેને કોઈ સફળતા મળી નથી. ભારતના સંતોએ તો નેપાળી વડાપ્રધાનના આ દાવાને પડકાર્યો હતો. એટલું જ નહિ પણ નેપાળમાં વસતા મોટાભાગના સાધુ સંતો પણ આની સામે શેરીઓમાં ઉતર્યા હતા. નેપાળના આ સંતોનું કહેવું હતું કે માતા જાનકીનો જન્મ થયો હતો તે મિથિલા નેપાળમાં હતું. ભગવાન રામ લક્ષ્મણ અને ગુરૂ વિશ્વામિત્ર જે માર્ગે મિથિલિમાં આવ્યા હતા ને માર્ગનો નકશો પણ ભારતીય નિષ્ણાતોએ પ્રસિદ્ધ કર્યો હતો. જાે કે પાંચમી ઓગષ્ટ ૨૦૨૦ના રોજ જ્યારે કોવિદ-૧૯ની ગાઈડલાઈનના પાલન સાથે અયોધ્યામાં ભગવાન રામના જ્ન્મસ્થળે રામમંદિરનો શીલાન્યાસ થયો ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભગવાન રામના જન્મસ્થળ બાબતમાં નેપાળી વડાપ્રધાન પી.કે. ઓલી શર્માએ જે દાવો કરેલો તેનો જવાબ મંચ પરથી આપશે તેવી લાખો રામભક્તોનેે આશા હતી પણ આ બાબતમાં ભારતના વડાપ્રધાન તે વખતે પણ મૌન હતા અને ગમે તે કારણોસર અત્યારે પણ મૌન છે. જેના કારણે મોદીભક્તોને દુઃખ નહી થયું હોય પણ રામભક્તોને તો અવશ્ય દુઃખ થયું છે. જાે કે હવે તો પી.કેે. ઓલી શર્મા વિદાયની વાટે છે એટલે આ વિવાદ પર પૂર્ણવિરામ મૂકાઈ જશે તેવી આશા રાખીએ.