ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ફરી એક વાર ગુજરાત રાજ્યમાં અનામતનું ભૂત ધૂણવા લાગ્યું છે. ભાજપ અને કોંગ્રેસ બંને OBC વોટ બેંકને પોતાના તરફે આકર્ષવા માટે OBC અનામતની ફેવર કરી રહ્યા છે. અને OBC કમિશ્નને રીઝવવા પ્રયાસો હાથ ધાર્યા છે. રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ પંચાલની આગેવાની ભાજપના નેતાઓએ OBC કમિશન સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ ભાજપ (BJP)ના નેતા ભરત ડાંગરે જણાવ્યુ કે OBCને વધુને વધુ અનામતનો લાભ મળે તે માટે ભાજપ ડેલિગેશને આયોગ સમક્ષ રજૂઆત કરી છે. તો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના કોંગ્રેસના આગેવાનોએ પણ OBC કમિશન સમક્ષ રજૂઆતો કરી હતી. ભાજપે ઓબીસીને શક્ય એટલી વધુ અનામતની તરફેણ કરી હતી જ્યારે કોંગ્રેસે ઓબીસી અનામત ક્વોટાનું પ્રમાણ 27 ટકાએ લઈ જવા જણાવ્યું હતું.
ગુજરાતની સ્વરાજ (સ્વાયત્ત) સંસ્થાઓમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાતિઓ માટે અનામત 15 થી 27% સુધીની હોઈ શકે છે. મહાનગરપાલિકા અને પંચાયતોમાં ઓબીસીની વસ્તીના આધારે અનામતની ટકાવારી નક્કી કરવામાં આવશે. જૂની પદ્ધતિ પ્રમાણે ગુજરાતમાં ઓબીસી જ્ઞાતિઓ માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કુલ બેઠકના 10 ટકા પ્રમાણે હતું.
વિવિધ સંસ્થાઓમાં અનામત 15%, 18% અને 27% તરીકે લાગુ થઈ શકે છે. જૂની સિસ્ટમ મુજબ, ગુજરાતમાં ઓબીસી માટે સ્વરાજની સંસ્થાઓમાં કુલ બેઠકોના 10% અનામત હતી. જો કે બંધારણ ની જોગવાઈ અનુસાર કોઈપણ સંજોગોમાં SC/ST/OBC ની તરફેણમાં અનામત રાખવામાં આવેલી બેઠકો કુલ બેઠકોના 50 ટકાથી વધુ ન હોવી જોઈએ. જો કે પાલિકા અને પંચાયતોની વિવિધ સીટો માં OBC નું પ્રમાણ વધુ છે. અને રાજકીય તેમજ અન્ય પરિસ્થિતિની સમીક્ષા કરીને અનામતનું ધોરણ નક્કી કરવાનું છે. આથી કોઇપણ સંજોગોમાં આ અનામત દસ ટકા કરતાં વધી જશે. જે પાલિકા-પંચાયતોમાં ઓબીસી જ્ઞાતિઓની વસતીનું પ્રમાણ વધુ હશે ત્યાં વધુ અનામતની જોગવાઇ કરવામાં આવશે. ગુજરાતમાં 182 પૈકી 48થી 50 બેઠકો સીધી જ ઓબીસી જ્ઞાતિના સંપૂર્ણ પ્રભાવ હેઠળ છે. રાજ્યની કુલ 146 ઓબીસી જ્ઞાતિઓ પૈકી 40 જ્ઞાતિઓ વસતીનું ખૂબ મોટું પ્રમાણ ધરાવે છે. ગુજરાતની કુલ વસતીના લગભગ 52 ટકા જેટલું પ્રમાણ ઓબીસી જ્ઞાતિઓનું છે
થોડા સમય પહેલા રાજ્ય ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટના આદેશને અનુસરીને તમામ સ્વરાજ્યની સંસ્થાઓમાંથી ઓબીસી જાતિઓ માટે અનામત રદ કરવાનો આદેશ આપ્યો હતો. વિવિધ જ્ઞાતિઓ તરફથી રાજ્ય સરકાર પર વધતા રાજકીય દબાણને કારણે, સરકારે નિવૃત્ત ન્યાયાધીશ કે.એસ. ઝવેરીના નેતૃત્વમાં એક વિશેષ ઓબીસી કમિશનની રચના કરી હતી, જે વિવિધ સંસ્થાઓ, પ્રતિનિધિમંડળો પાસેથી પ્રતિસાદ લઈ રહી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર સંસ્થાઓમાં ઓબીસી વસ્તી અને રાજકીય અને અન્ય સંજોગોની સમીક્ષા કર્યા બાદ અનામતનું ધોરણ નક્કી કરવાનું રહેશે. તેથી અનામતમાં 10%નો વધારો થઈ શકે છે.
2014માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી દેશના વડાપ્રધાન બન્યા અને તેમના અનુગામી તરીકે શ્રીમતી આનંદીબેન પટેલ રાજયના મુખ્યમંત્રી બન્યા તેવે સમયે તેમના સમયગાળામાં સ્થાનિક સ્વરાજયની તમામ સંસ્થાઓમાં પ0 ટકા મહિલા અનામતનું ક્રાંતિકારી પગલું ભરાયું નવા વોર્ડ સીમાંકન સાથે મહાનગરો અને નગરોમાં દરેક વોર્ડની ચાર બેઠોક અને તે પૈકી બે બેઠકો પર મહિલા અનામત બેઠકોની જોગવાઇ થઇ. પરંતુ આજ દિન સુધી તેનો અમલ કરાયો નથી. મહિલા મતદારોને રીઝવવા પર ફોક્સ કરવામાં આવે છે. પરંતુ ચૂંટીમાં મહિલા ઉમેદવાર માટે ફોક્સ કરવામાં આવતું નથી. હાલમાં ગુજરાતમાં મહિલાઑ માટે 33 ટકા મહિલા અનામત છે પરંતુ મહિલાઓને આટલી બેઠકો પણ ફાળે આવતી નથી.
પંચાયતથી માંડીને સંસદ સુધીમાં ૩૩ ટકા મહિલા અનામત અને અન્ય પછાત વર્ગો માટે અનામતની જોગવાઇ તો કરવામાં આવી છે પણ તેનો અમલ કયાં? બિલકુલ નહીં.. મહિલાઓ તેમનું પ્રતિનિધિત્વ સુચારૂ ઢબે અને સ્વતંત્ર રીતે કરે તેવી પરિસ્થિતિનું સર્જન કરવામાં આવતું નથી. મહિલાઓ સ્થાનિક સ્વરાજયમાં પોતે કોઇ જ રીતે સ્વતંત્ર રીતે ચૂંટણી લડતી જ નથી, બલ્કે તેમના પર તેમના કુટુંબનું વર્ચસ્વ જ દેખાય છે. મહિલાઓ પોતાની તેજસ્વી પ્રતિભાને સમાજ,રાજય કે રાષ્ટ્ર નિર્માણ માટે આપી શકે છે ખરી? લગભગ ના માં જ જવાબ મળશે.
મહિલાઓની સાથોસાથ અન્ય પછાત વર્ગ માટે પણ કંઇક આવી જ વાત છે. અન્ય પછાત વર્ગોને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની માફક તેની વસ્તીને આધારે મળેલું છે પણ તેનું યોગ્ય પ્રતિનિધિત્વ મળતું નથી. અન્ય પછાત વર્ગોમાં પણ મહિલાઓની શૈક્ષણિક સ્વતંત્રતા, અભિવ્યકિતની સ્વતંત્રતા વગેરે બહુ જુજ જોવા મળે છે. તેઓને સતત પછાત હોવાનો અહેસાસ અનુભવાય તેવા પ્રયાસો સુવ્યવસ્થિત ઢબે કરવામાં આવે છે.
રાજકીય પક્ષો સૌ કોઇને મતબેન્કની દ્રષ્ટિએ જોવામાં જ મશગૂલ છે. મહિલાઓ અને ઓબીસી એક વિશાળ મતદાર વર્ગ છે ત્યારે રાજકીય પક્ષોની નજર મહિલાઓ અને ઓબીસી તરફ હોય તે તદન સ્વાભાવિક છે. લોકશાહીની પુખ્તતા ખાતર મહિલાઓ અને ઓબીસીને મતદારો તરીકે નહીં પણ રાષ્ટ્રના અભિન્ન હિસ્સાની દ્રષ્ટિએ જોવામાં આવે તો ખરેખર અનામતની સાર્થકતા સાબિત થશે તેમાં શંકાને સ્થાન નથી.