Kutchh News : ભચાઉના ચકચારી બુટલેગર સાથે ખેપ મારતી અને પોતાને સેલિબ્રિટી માનતી નીતા ચૌધરી ખુદ રાજસ્થાનથી બિયર અને દારૂની બાટલીઓ ભરીને કચ્છ આવી રહી હતી ત્યારે રસ્તામાં જ ભચાઉના બુટલેગરનો સંપર્ક થતાં બન્ને એકી સાથે ગાંધીધામ તરફ મંડાણ કર્યા હોવાનું સામે આવ્યું હતું. આ કેસમાં બુટલેગર અને મહિલા પોલીસકર્મી નીતા વશરામ ચૌધરી પર હૂમલાનો આરોપ લગાવાયો હતો. પરંતુ ભચાઉ કોર્ટે નીતા ચૌધરીને જામીન આપતા તે ચર્ચાનો વિષય બન્યો છે.
બીજીતરફ આ જામીન મામલે પોલીસ ઉપલી કોર્ટમાં અપીલ કરવા જશે તેવું જાણવા મળ્યું છે. આ કેસની વિગત મુજબ સફેદ કલરની થાર જીપ સાથે જુદીજુદી રીલ્સ બનાવવાનો અભરખો રાખતી અને ગાંધીધામ સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી બુટલેગર સાથે દારૂના જથ્થા સાથે ઝડપાઈ ગઈ હતી. જેને પગલે પોલીસ બેડામાં હડકંપ મચી ગયો હતો. ચૌધરીના આ કરતૂતોને કારણે પોલીસે તપાસ હાથ ધરી હતી. ગાંધીધામ સીઆઈડી ક્રાઈમમાં પ્રતિનિયુકતીની ફરજ પર મુકાયેલ ૩૪ વર્ષિય મહિલા કોન્સ્ટેબલ નીતા વશરામ ચૌધરી અવારનવાર નવી નવી રીલ્સ બનાવાનો શોખ ધરાવતી હોવાનું સોશિયલ મિડિયાના ઇન્સ્ટાગ્રામની આઇડીને આધારે જાણવા મળ્યું હતું. મહત્વની બાબત એ છે, કે થોડાજ સમય પૂર્વે બુટલેગર યુવરાજસિંહ જાડેજા મહિલા કોન્સ્ટેબલ બન્ને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા.
ઉલ્લ્ખનીય છે કે પૂર્વ કચ્છ પોલીસને બુટલેગરને પકડવાની બાતમી મળી હતી, જોકે પોલીસે થાર જીપમાં સવાર બુટલેગરને જીપને ઉભી રાખવાનો પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન ફરજ પરના પોલીસ સ્ટાફ પર થાર જીપ ચડાવવાનો પ્રયાસ કરાયો હતો. જોકે પોલીસે સ્વબચાવમાં થાર જીપના બમ્પર ગાર્ડ પર એક રાઉન્ડ ફાયર કર્યો હતો. અને છેવટે પોલીસે થાર જીપના કાચ તોડી આરોપીને પકડી પાડયો હતો. જીપમાંથી બે બિયરના ટીન સહિત જુદીજુદી બ્રાન્ડની ૧૮ દારૂની બાટલીઓ જપ્ત કરી હતી જે રાજસ્થાનથી મહિલા કોન્સ્ટેબલ લઈ આવી રહી હોવાનું ખુલવા પામ્યું છે.
હાલ આ સમગ્ર મામલે પૂર્વ કચ્છ પોલીસે બુટલેગર યુવરાજસિંહ જાડેજા અને તેની મદદગારીમાં રહેલ મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા વશરામ ચૌધરીની જુદી જુદી રાહે સઘન પુછપરછ કરતાં બુટલેગરનો મોબાઈલ ગુમ થઈ ગયાનું સામે આવ્યું છે, જે આ તપાસમાં મહત્વની કડી મનાય છે, તો બીજી તરફ સસ્પેન્ડ કરાયેલ મહિલા પોલીસ કોન્સ્ટેબલ સોપારીકાંડ અને કેટલાક પોલીસ અધિકારીઓના ગુનાની તપાસમાં સંકળાયેલ હોઇ નીતા ચૌધરીને ખોટી રીતે આ પ્રકરણ ફસાવવામાં આવી રહ્યાનું ચર્ચાઇ રહ્યું છે ! તદુપરાંત સસ્પેન્ડ કરી દેવાયેલ નીતા ચૌધરી સામે વધુ શું પગલાં ભરાય છે, કઇ રીતે આ કેસમાં તપાસ આગળ ધપાવાય છે ? હાલ આ તમામ સવાલ ચર્ચાના કેન્દ્ર બન્યા છે.
બીજીતરફ મહિલા પોલીસકર્મી નીતા ચૌધરીએ ભચાઉની એડિ.ચીફ જ્યુડિશીયલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં દાવો કર્યો હતો કે તેની પાસે કચ્છના સોપારી તોડકાંડની ગુપ્ત તપાસની કામગીરી હતી. જેને પગલે તેમાં સંડોવાયેલા બે આઈપીએસ અધિકારી તથા બે પોલીસ ઈન્સ્પેક્ટર અને અન્ય પોલીસ કર્મીઓના પગ તળે રેલો આવે તેમ હતો. જેને પગલે તેને ફસાવી દેવા માટે આ કાવતરૂ ઘડવામાં આવ્યું હતું.
મહેન્દ્ર મારુ, કચ્છ
આ પણ વાંચો: અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ક્યારથી થશે શરૂ?
આ પણ વાંચો: ફ્રાન્સના એમ્બેસેડર યુત ડૉ. થિયરી માથૌ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે
આ પણ વાંચો: આયુર્વેદિક દવાની આડમાં આલ્કોહોલ યુક્ત પીણાનો ગેરકાયદે ધંધો
આ પણ વાંચો: અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ, અનેક જગ્યાએ ભરાયા પાણી