વોશિંગ્ટન,
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા બાદ વીઝાના નિયમોને લઇ અનેકવાર ફેરફાર કરવામાં આવ્યા છે અને તેની સીધી જ અસર અમેરિકામાં વસી રહેલા ભારતીયોને થતી હોય છે, ત્યારે ટ્રમ્પ પ્રશાસન ભારતીયોને વધુ એક ઝટકો આપવા જઈ રહી છે.
૩ મહિનાઓમાં H-4 વીઝા હોલ્ડર્સના વર્ક પરમિટને કરાશે રદ્દ
ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનની એક ફેડરલ કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે, “તેઓએ H-4 વીઝા હોલ્ડર્સના વર્ક પરમિટને પાછું લેવાનો નિર્ણય કર્યો છે. તેઓ દ્વારા આગળના ૩ મહિનાઓમાં H-4 વીઝા હોલ્ડર્સના વર્ક પરમિટને રદ્દ કરવા ઈચ્છે છે.
અમેરિકી ભારતીય મહિલાઓને થશે સૌથી વધુ અસર
માનવામાં આવી રહ્યું છે કે, ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના આ નિર્ણયથી સૌથી વધુ અસર અમેરિકી ભારતીય મહિલાઓ પર પડશે, કારણ કે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના કાર્યકાળમાં લાગુ કરાયેલા આ નિયમોમાં સૌથી વધુ ફાયદો મહિલાઓએ પહોચ્યો હતો.
USCIS દ્વારા જાહેર કરાય છે H-4 વીઝા
અત્રે ઉલ્લેખનીય છે કે, H-4 વીઝાને યુએસ સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસ (USCIS) દ્વારા જાહેર કરવામાં આવે છે. આ H-4 વીઝા હોલ્ડર્સના નજીકના પરિવારજનો કે જેમાં તેઓના પતિ કે પત્ની અને ૨૧ વર્ષ સુધીના બાળકોને આપવામાં આવે છે.
જોવામાં આવે તો H-4 વીઝાની સૌથી વધુ ડિમાન્ડ ભારતીય IT સેકટરમાં કામ કરતા ભારતીયોને હોય છે.
ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી દ્વારા કોર્ટમાં જણાવવામાં આવ્યું કે, “H-1B વીઝા હોલ્ડરના પરિવારજનોને H-4 વીઝા હેઠળ મળનારા વર્ક પરમિટને તેઓ સમાપ્ત કરવા જઈ રહ્યા છે”.
તેઓ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું, “નવા નિયમોને આગામી ૩ મહિનાના સમયમાં જ વાઈટ હાઉસના બજેટના પ્રસ્તાવ કરનારી ઓફિસમાં જમા કરવામાં આવશે.
“સેવ જોબ્સ યુએસએ દ્વારા કરાઈ છે પીટીશન
મહત્વનું છે કે, અમેરિકી વર્કરોના એક ગ્રુપનું પ્રતિનિધિત્વ કરનારા “સેવ જોબ્સ યુએસએ” નામની સંસ્થા દ્વારા કોર્ટમાં પીટીશન દાખલ કરીને જણાવ્યું છે કે, “સરકારની આ પ્રકારની નીતિથી તેઓની નોકરીઓ પ્રભાવિત થશે”.
બીજી બાજુ કોર્ટમાં આ પીટીશન દાખલ કરનારા ગ્રુપ દ્વારા કોર્ટથી ઝડપી નિર્ણયનો આગ્રહ કર્યો છે. જો કે તેઓની દલીલ છે કે, આ કેસ જેટલો લાંબો સમય ચાલશે તો એમેરિકી વર્કરોને સૌથી વધુ નુકશાન થશે.
ઓબામા પ્રશાસન દ્વારા ૨૦૧૫માં લાગુ કરાયો આ નિયમ
મહત્વનું છે કે, પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના કાર્યકાળ દરમિયાન H-1B વીઝા હોલ્ડરના પરિવારજનોને H-4 વીઝા હેઠળ મળનારા વર્ક પરમિટને ૨૦૧૫માં લાગુ કરાયું હતું.
૨૦૧૫થી લઈ ૨૫ ડિસેમ્બર, ૨૦૧૭ સુધી વર્ક પરમિટ માટેના H-4 વીઝા હોલ્ડરની ૧,૨૬,૮૫૩ એપ્લીકેશનને USCIS દ્વારા મંજૂરી આપવામાં આવી છે. કુલ ૧,૨૬,૮૫૩ માંથી ૯૦,૯૪૬ને પ્રારંભિક મંજૂરી અપાઈ હતી, જયારે ૩૫,૨૧૯માં રિન્યુઅલ અને ૬૮૮ ગુમ થયેલા કાર્ડને બીજીવાર બનાવવાની એપ્લીકેશન શામેલ છે.