માલે: માલદીવની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉલટફેર સર્જાતા વિરોધ પક્ષના ઉમેદવારનો જોરદાર અને પ્રચંડ બહુમતી સાથે વિજય થયો છે. માલદીવમાં ભારત તરફી સહાનુભૂતિ ભર્યું વલણ ધરાવતા વિરોધ પક્ષ માલદિવિયન ડેમોક્રેટિક પાર્ટી (એમડીપી)ના ઉમેદવાર ઇબ્રાહીમ મોહંમદ સોલીહનો જબરદસ્ત વિજય થયો છે. જયારે સામે પક્ષે ચીન તરફ કૂણું વલણ ધરાવતા વર્તમાન રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીનનો ચૂંટણીમાં પરાજય થયો છે.
માલદીવમાં રાષ્ટ્રપતિ પદ માટે યોજાયેલી ચૂંટણીના પરિણામો ભારત માટે એક સારા સંકેત સમાન છે. કારણ કે, ચૂંટણીમાં વિજેતા બનેલા વિપક્ષના ઉમેદવાર ઇબ્રાહીમ ભારત સાથે મજબૂત સંબંધો રાખવાના પ્રખર હિમાયતી છે. ન્યૂઝ વેબસાઇટ નિહારુ ડોટકોમ.ના જણાવ્યા મુજબ ઇબ્રાહીમ સોલીહને કુલ ૯ર ટકામાંથી પ૮.૩ ટકા મત પ્રાપ્ત થયા છે.
સોલીહે નિર્ણાયક સરસાઇથી જીત હાંસલ કરી લીધી છે. વિજેતા બન્યા બાદ સોલીહે પોતાના પ્રથમ ભાષણમાં જણાવ્યું હતું કે, આ ખુશી, આશા અને ઇતિહાસની પળ છે. તેમણે સત્તાના શાંતિપૂર્ણ હસ્તાંતરણ માટે અપીલ કરી છે. હું યામીનને કહેવા માગું છું કે, તેઓ લોકોની ઇચ્છાનો આદર કરે અને સત્તાનું શાંતિપૂર્ણ હસ્તાંતરણ કરે. આ સાથે જ તેમણે રાજકીય બંદીઓને મુકત કરવા માટેની પણ અપીલ કરી હતી.
આમ વિપક્ષની પ્રચંડ જીત પછી રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીનને હવે પદ છોડવું પડશે. પ૪ વર્ષના વકીલ અને રાષ્ટ્રપતિપદના ઉમેદવાર એવા ઇબ્રાહીમ સોહિલે ૯ર ટકા મતની ગણતરી બાદ બહાર આવીને પોતાની જીતનો દાવો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પ્રજાનો મત હવે જાહેર થઇ ચૂકયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે માલદીવના ચાર લાખ નાગરિકોમાંથી ર.૬૦ લાખથી વધુ લોકોએ મતદાન કર્યું હતું. અગાઉ વિરોધ પક્ષોનો એવો દાવો હતો કે, રાષ્ટ્રપતિ યામીન અબ્દુલ ગયુમનો પક્ષ ચૂંટણીમાં ગેરરીતિઓ અને ગોટાળા કરી શકે છે. યામીનના પ્રથમ કાર્યકાળમાં વિપક્ષી રાજકીય પક્ષો, અદાલતો અને મીડિયા પર કડક કાર્યવાહી કરવામાં આવી હતી
નવા ચૂંટાયેલા ઇબ્રાહીમ સોલીહ બહુ લોકપ્રિય નેતા તો નથી, પરંતુ તેમને સંયુકત વિપક્ષોનું સમર્થન છે. આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ઉપર ભારત અને ચીનની ખાસ નજર હતી. આ દરમિયાન યુરોપિયન સંઘ અને અમેરિકાએ ચૂંટણી મુકત અને ન્યાયી નહીં થાય તો પ્રતિબંધ ઝીંકવાની પણ ધમકી આપવામાં આવી હતી.
યામીને પાટનગર માલેમાં મતદાન કેન્દ્રો ખૂલ્યાના થોડા સમય બાદ જ મતદાન કર્યું હતું. જો કે, મતદાન શરૂ થતાં અગાઉ જ પોલીસે વિપક્ષી માલદિવિયન ડેમોક્રેટિક પાર્ટીના પ્રચાર વડામથક પર દરોડા પાડયા હતા અને ગેરકાયદે પ્રવૃત્તિ રોકવાની કોશિશના નામે ઇમારતની કેટલાય કલાકો સુધી જડતી લીધી હતી. જોકે આ સંદર્ભમાં કોઇની ધરપકડ કરવામાં આવી નહોતી.