જકાર્તા,
ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં સોમવારે સવારે મોટી વિમાન દુર્ઘટના થઇ હોવાનું સામે આવ્યું છે, જ્યાં એક પ્લેન ટેકઓફ થયાના માત્ર ૧૩ મિનિટમાં સમુદ્રમાં ક્રેશ થઇ ગયું હતું અને ટુકડાઓમાં પરિવર્તિત થઇ ગયું હતું.
ન્યુઝ એજન્સી ANIના જણાવ્યા મુજબ, લાયન એરલાઇન્સના JT610 વિમાનનો ટેકઓફ થયાની માત્ર ૧૩ મિનિટ બાદ જ સંપર્ક તૂટી ગયો હતો.
મળતી માહિતી મુજબ, આ પ્લેનમાં ૧૮૮ યાત્રીઓ સવાર હતા. જેમાં ૧૭૮ યાત્રીઓ, ૩ બાળકો, ૨ પાયલોટ અને ૫ કેબીન ક્રૂ મેમ્બર સવાર હતા.
ઇન્ડોનેશિયાની સર્ચ એન્ડ રેસ્ક્યુ એજન્સી દ્વારા જણાવ્યા અનુસાર, જકાર્તાથી પંગકલ પિન્નોગ જઈ રહેલા લાયન એરલાઇન્સની ફ્લાઈટ સમુદ્રમાં ક્રેશ થયું હતું.
ઇન્ડોનેશિયાની રેસ્ક્યુ એજન્સીના પ્રવક્તા સુતોપો પૂર્વોએ આ વિમાન દુર્ઘટનાની કેટલીક તસ્વીરો ટ્વિટર પર નાખી છે, જેમાં તૂટી ચુકેલા સ્માર્ટફોન, પુસ્તકો, બેગ તેમજ ક્રેશ થયેલા વિમાનના કેટલાક ભાગ મળી રહ્યા છે.
લાયન એરલાઇન્સના આ વિમાને સોમવાર સવારે ૬.૨૦ વાગ્યે ઉડાન ભરી હતી અને તેને ૭.૨૦ મિનિટ પર લેન્ડ કરવાનું હતું. જો કે આ પહેલા ટેકઓફ થયાની ૧૩ મિનિટ બાદ એટલે કે ૬.૩૩ વાગ્યે વિમાન ક્રેશ થઇ ગયું હતું.
આ વિમાન બે મહિના પહેલા જ લાયન એરલાઇન્સને મળ્યું હતું. બીજી બાજુ વિમાન લાપતા થયા બાદ સર્ચ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું છે.